કુમાર ગંધર્વ (જ. 8 એપ્રિલ 1925, સુલેભાવી, જિ. બેલગાંવ; અ. 12 જાન્યુઆરી 1992, દેવાસ, જિ. મધ્યપ્રદેશ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક કલાકાર. લિંગાયત પરિવારમાં જન્મ. તેમનું મૂળ નામ શિવપુત્ર સિદ્ધરામય્યા કોમકલી. બાળપણથી જ તેમની સંગીતસાધના શરૂ થઈ હતી. સાત વર્ષની ઉંમરે એક મઠના ગુરુએ
તેમને ‘કુમાર ગંધર્વ’ની ઉપાધિ આપી અને દસ વર્ષની ઉંમરથી તેઓ દેશની અગ્રગણ્ય સંગીત સભાઓમાં હિંદુસ્તાની શાસ્ત્રીય કંઠ્ય સંગીત રજૂ કરતા થયેલા. શરૂઆતમાં શાસ્ત્રીય સંગીતના પ્રખર વિદ્વાન અને ગાયક પ્રો. બી. આર. દેવધર પાસેથી તેમણે સંગીતની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમની બિનપરંપરાગત ગાયનશૈલીને લીધે તેઓ હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કોઈ વિશિષ્ટ ‘ઘરાણા’ના ગાયક ન હોવા છતાં માત્ર નામનિર્દેશ પૂરતા તેઓ ગ્વાલિયર ઘરાણાના ગાયક ગણાતા હતા. ભારતના વિખ્યાત શાસ્ત્રીય સંગીતકારો અબ્દુલ કરીમખાન, ફય્યાઝખાન, રામકૃષ્ણબુઆ વઝે તથા દિગંબર વિષ્ણુ પળુસકર જેવા પ્રથમ પંક્તિના ગાયકોની ગાયકીની તેમના પર ઊંડી અસર પડી હતી, તેમ છતાં તેમણે તેમની તદ્દન અલાયદી શૈલી નિર્માણ કરેલી હોવાથી પ્રાચીન અને આધુનિક હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત શૈલીઓ વચ્ચેની તેઓ મહત્વની કડી ગણાતા હતા. તેમણે મીરાંબાઈ, તુલસીદાસ અને કબીર જેવા સંતોની ભક્તિરચનાઓને તથા દેશના જુદા જુદા પ્રદેશોનાં લોકગીતોને શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગોમાં ઢાળવાનો અભિનવ પ્રયોગ સફળતાથી કર્યો હતો. તેમણે ઘણા નવા રાગોની શોધ પણ કરી હતી, જેમાં અહિમોહિની, માલવતી, સહેલી તોડી, નિંદિયારી, ભવમત ભૈરવ, મદસૂરમ તથા ગાંધી શતાબ્દી નિમિત્તે નિર્મિત ‘ગાંધી’ રાગ વિશેષ ઉલ્લેખનીય છે. લોકગીતોને શાસ્ત્રીય રાગોમાં ઢાળવાનો તેમનો પ્રયાસ તેમની ‘ગીતવર્ષા’, ‘ગીતહેમંત’, ‘ગીતવસંત’ અને ‘ત્રિવેણી’ની રચનાઓમાં પ્રતિબિંબિત થાય છે. કોઈ વિષયવસ્તુને મધુર લયાત્મક શૈલીમાં રજૂ કરનાર તેઓ કદાચ ભારતના અત્યાર સુધીના પ્રથમ અને એકમાત્ર શાસ્ત્રીય સંગીતકાર ગણાય. 1966–76ના દાયકા દરમિયાન તેઓએ આ પ્રકારના બાર જેટલા જાહેર કાર્યક્રમો આપ્યા હતા : ‘ઘન ગર્જન આયે’ (1966), ‘ઋતુચક્ર’ (1966), ‘ત્રિવેણી’ (1967), ‘મલા ઉમજલેલે બાલગંધર્વ’ (1968), ‘ગીતહેમંત’ (1968), ‘ઠૂમરી, ટપ્પા, તરાણા’ (1969), ‘માલવા કી લોકધુને’ (1970), ‘ગીત વસંત’ (1971), ‘તુલસી – એક દર્શન’ (1973) ‘ઋતુરાજ મહેફિલ’ (1976), ‘ગૌડ મલ્હાર દર્શન’ (1976) અને ‘તુકારામ – એક દર્શન’ (1976). વિદેશોમાં પણ તેમની ઘણી સંગીતસભાઓ યોજાઈ હતી.
સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ, કાલિદાસ સન્માન, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા સન્માનસૂચક અલંકરણોથી તેમને નવાજવામાં આવ્યા હતા.
ઋગ્ણાવસ્થાને લીધે 1946-47થી છેક તેમના અવસાન સુધી તેઓ હાલ મધ્યપ્રદેશના દેવાસ નગરની સીમ પર એક ટેકરી પર નિવાસ કરી આજન્મ સંગીતસાધના કરતા રહ્યા. તેમનાં પત્ની વસુંધરા કોમકલી પણ શાસ્ત્રીય સંગીતના સારાં કલાકાર છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે