કુમારસંભવ : મહાકવિ કાલિદાસનાં બે મહાકાવ્યોમાંનું એક. કૃતિના અભિધાન અનુસાર તેમાં શિવ-પાર્વતીના પુત્ર કુમાર કાર્તિકેયની જન્મકથા નિરૂપાઈ છે. મહાકાવ્યનું ‘तत्रैको नायकः सुरः’ – ‘તેમાં કોઈ એક દેવ નાયક હોય છે’ એ લક્ષણ આ મહાકાવ્યના આધારે નિશ્ચિત થયું લાગે છે. કથા અનુસાર બ્રહ્મા પાસેથી વરદાન મેળવી દુર્જય બનેલો તારક નામે અસુર દેવોને રંજાડવા લાગ્યો ત્યારે ત્રસ્ત દેવો બ્રહ્માને શરણે ગયા અને આ સંકટમાંથી મુક્ત કરવાની તેમને પ્રાર્થના કરી. બ્રહ્માએ કહ્યું કે હિમાલયને ત્યાં પાર્વતી રૂપે જન્મેલી શિવની પૂર્વપત્ની દક્ષકન્યા સતીનો શિવ સાથે વિવાહ થશે અને તેમનો પુત્ર દેવસેનાઓનો સેનાપતિ થઈ તારકનો નાશ કરશે. તેથી એ બન્નેનો સત્વર વિવાહ થાય એવો ઉપાય તમારે કરવો જોઈએ. દેવરાજ ઇન્દ્રે કામદેવને આ કામ સોંપ્યું. નારદની સૂચનાથી પિતા હિમાલયે પ્રેરેલી પાર્વતી દરરોજ શિવની પૂજા કરવા જતી એ તકનો લાભ લઈ કામદેવે શિવને પાર્વતી પ્રત્યે આકર્ષવાનો પ્રયત્ન કર્યો. શિવ સહેજ ક્ષુબ્ધ થયા. પણ સંયમી હોવાથી એમણે તરત જ મનને વશ કરી લીધું અને ક્ષોભનું કારણ જાણવા આમતેમ ર્દષ્ટિ ફેંકી. તેમણે કામદેવને જોયો. તરત જ તેમણે તૃતીય નેત્રના જ્ઞાનાગ્નિ વડે કામદેવને બાળી ભસ્મ કરી નાખ્યો. પાર્વતીને લાગ્યું કે યોગેશ્વર શિવને માત્ર બાહ્ય સૌન્દર્યથી આકર્ષી શકાશે નહિ. તેથી તેણે તપ દ્વારા પોતાનું સૌન્દર્ય અવંધ્ય બનાવી શિવને પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો. પાર્વતીના કઠોર તપથી પ્રસન્ન થયેલા શિવે બ્રહ્મચારી બટુના વેશે પાર્વતીની પરીક્ષા કરી. પાર્વતીના ર્દઢ પ્રેમ અને મનોબળથી પ્રસન્ન થઈ શિવે સ્વરૂપ ધારણ કરી કહ્યું : ‘હે સુંદરી, તમારા તપથી તમે મને ખરીદી લીધો છે.’ આ પછી શિવે કન્યાનું માગું કરવા સારુ સપ્તર્ષિઓને હિમાલય પાસે મોકલ્યા. આમ શિવપાર્વતીનો વિવાહ થયો. એના ફલ રૂપે કુમારનો સંભવ – જન્મ – થયો. અહીં આઠ સર્ગ પૂરા થાય છે. વિદ્વાનોનું માનવું છે કે કાલિદાસે કુમારજન્મ સૂચવી અહીં કાવ્ય પૂર્ણ કર્યું. આ પછીના સર્ગો કોઈ અન્ય કવિએ જોડી તેમાં કુમાર અને તારકનો સંગ્રામ અને કુમારનો વિજય નિરૂપ્યો છે. નિરૂપણશૈલીની ર્દષ્ટિએ પણ આગળના આઠ સર્ગ અને ત્યારપછીના નવ સર્ગો જુદા જણાય છે.
સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ પાંચ મહાકાવ્યોમાં ‘કુમારસંભવ’ને માનભર્યું સ્થાન મળ્યું છે. કાલિદાસનાં બે મહાકાવ્યોમાં પ્રાચીન પરમ્પરાએ ‘રઘુવંશ’ને તો આધુનિકોએ ‘કુમારસંભવ’ને ઉત્તમ ગણાવ્યું છે. સ્થૂલ દેહાકર્ષણથી ઉદભવતો પ્રેમ યથાર્થ પ્રેમ નથી, પણ તપ:પૂત સૂક્ષ્મ પ્રેમ યથાર્થ અને શાશ્વત છે એ વાત આ કાવ્યનું કથાનક સૂચવી જાય છે. ગીતામાં પ્રતિપાદિત ‘ધર્મથી અવિરુદ્ધ કામ’ એ ઈશ્વરનું સ્વરૂપ છે એ વાતનું આ મહાકાવ્ય ઉત્તમ ઉદાહરણ છે.
ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં આ મહાકાવ્ય યુરોપમાં પહોંચ્યું ત્યારથી ત્યાંની અનેક ભાષાઓમાં તેના અનુવાદો થયા છે. ભારતની તો સર્વ ભાષાઓમાં તેના અનુવાદો મળે છે. ગુજરાતી ભાષામાં તેના સમશ્લોકી અનુવાદો થયા છે. તેમાં નાગરજી પંડ્યા, મણિશંકર પ્રભાશંકર અને પ્રજારામ રાવળના નોંધપાત્ર છે.
સીતારામ નામે એક ટીકાકારે ‘કુમાર’ના આરંભના આઠ જ સર્ગો પર ટીકા લખી છે તે ઉપરથી આ કાવ્ય મૂળ આઠ જ સર્ગનું હશે એ વાતને પુષ્ટિ મળી છે. મલ્લિનાથ, ચારિત્રવર્ધન નારાયણ ભટ્ટ અને બીજા ઘણાઓની ટીકાઓ ઉપલબ્ધ છે. મોટાભાગની અપ્રકાશિત છે.
ગૌતમ પટેલ