કુન્હીરામન્, કાનાઈ (જ. 25 જુલાઈ 1937, કેરળ, ભારત-) : આધુનિક ભારતીય ચિત્રકાર. પ્રાચીન અને મધ્યયુગીન ભારતીય કલાની યક્ષ અને યક્ષીની આકૃતિઓને આધુનિક અભિગમથી કંડારવા માટે તેઓ જાણીતા છે.
તેમણે ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજમાં કલાનો અભ્યાસ કર્યો. બ્રિટનની કૉમનવેલ્થ સ્કૉલરશિપ ઉપલબ્ધ થતાં તેમણે લંડનની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં શિલ્પકલાનો વધુ અભ્યાસ કર્યો. ત્યાં શિલ્પી રેગ બટલરના તેઓ શાગિર્દ બન્યા. આ અભ્યાસ પછી ફ્રાંસ, નેધર્લૅન્ડ્ઝ, બેલ્જિયમ, જર્મની અને ઇટાલીમાં ધાતુશિલ્પો બનાવતા ઘણા ભઠ્ઠી-સ્ટુડિયોની તેમણે મુલાકાતો લીધી. ત્યાર બાદ તેઓ ભારત પાછા આવ્યા અને કેરળમાં ઘણાં જાહેર સ્થાનકો માટે કાંસામાંથી શિલ્પો ઘડ્યાં. તેમનાં એ બધાં શિલ્પોમાંથી માલ્લામ્પુઝા બંધના બગીચામાં મૂકવામાં આવેલ એક યક્ષીને આલેખતું શિલ્પ શ્રેષ્ઠ ગણાયું છે. એલેપ્પીનાં કેટલાંક મંદિરોમાં પણ એમનાં ઘડેલાં શિલ્પો છે. તેઓ તિરુવનંતપુરમ્ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટના શિલ્પ વિભાગના વડા તથા પ્રાધ્યાપક તરીકે કાર્ય કરતા હતાં. શિલ્પસર્જન પણ કરતા રહે છે. તેમને 2005માં રાજા રવિ વર્મા ઍવૉર્ડ, 2006માં થીક્કુરસી ઍવૉર્ડ અને 2018માં એમએસ. નાનજુન્ડા રાવ નૅશનલ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.
અમિતાભ મડિયા