કુનિસાડા, ઉતાગાવા (જ. 1786, ઇડો; અ. 12 જાન્યુઆરી 1865, ઇડો ) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ જાપાની ચિત્રકાર ઉતાગાવા ટોયોકુની હેઠળ શાગિર્દ બનીને તેણે તાલીમ મેળવી. કુનિસાડાએ વિવિધ વિષયો ચિત્રમાં આલેખ્યા છે; જેમાં મનોહર જાપાની નિસર્ગ, નયનરમ્ય જાપાની મહિલાઓ (ઘરગથ્થુ ગેઇશા યુવતીઓ અને વેશ્યાઓ), ભૂતાવળ, સુમો કુસ્તીબાજ, પશુપંખીઓ, કીટકો અને પુષ્પોનો સમાવેશ થાય છે.
વિશિષ્ટ ભાવોની સચોટ અભિવ્યક્તિ કરવા માટે તેને ખૂબ લોકપ્રિયતા હાંસલ થયેલી.
અમિતાભ મડિયા