‘કુદસી’, હાજી મુહંમદજાન (જ. ?; અ. 1646, મશહદ, ઈરાન, લાહોર) : મુઘલ સમ્રાટ શાહજહાંના સમયનો ફારસી ભાષાનો સમર્થ કવિ. મૂળ વતન શિયાપંથી મુસ્લિમોનું પવિત્ર સ્થળ મશહદ, જ્યાં તેમના આઠમા ઇમામ અલીબિન રિઝાનો મહાન રોજો છે. કુદસી તે ઇમામના વંશજ હતા. તે ઈ. સ. 1631માં શાહજહાંના સમયમાં ભારત આવ્યા અને તેમના પ્રખ્યાત અમીર અબ્દુલ્લાહ ખાન ફિરોઝ જંગની સેવામાં જોડાયા. ઈ. સ. 1632માં ફિરોઝ જંગ દ્વારા મુઘલ બાદશાહના દરબારમાં કવિ તરીકે સ્થાન પામ્યા. તેમને અવારનવાર મોટાં ઇનામોથી નવાજવામાં આવતા. ઈ.સ. 1637–38માં શાહજહાંના કવિ સમ્રાટ અબૂતાલિબ કલીમ સાથે તે બાદશાહી આદેશાનુસાર ફારસી કાવ્યમાં ઇતિહાસ રચવામાં વ્યસ્ત હતા, પણ તે કામ પૂર્ણ ન થઈ શક્યું. કુદસીની પોતાની અપૂર્ણ રચના ‘ઝફરનામ-એ-શાહજહાં’ શીર્ષકવાળી ઉપલબ્ધ છે. કુદસી ગઝલ, કસીદા તેમજ મસ્નવીના સિદ્ધહસ્ત કવિ લેખાય છે. તેમનો પયગમ્બર સાહેબની સ્તુતિનો એક કસીદો ‘મરહબા સૈયિદે મક્કી મદનીવ્યુલ-અરબી’ ટૂકવાળો અતિ પ્રખ્યાત છે.
ઝિયાઉદ્દીન અ. દેસાઈ