કુદરતી સાધનસંપત્તિની ભૂગોળ (resource geography) : કુદરતી સંપત્તિનું વિવરણ, વિતરણ અને માનવી પર તેની અસરો તપાસતી ભૂગોળ. પૃથ્વી માનવીની વત્સલ માતા છે. માનવી પર અસર કરતાં અન્ય પરિબળોની સાથે કુદરતી સાધનસંપત્તિ પણ એક મહત્વનું પરિબળ છે. પૃથ્વીનું પર્યાવરણ કુદરતી સાધનસંપત્તિનો વિશાળ ભંડાર છે. પૃથ્વીના શીલાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશઆવરણમાંથી માનવ પોતાના જીવનનિર્વાહ માટે કે સમાજ અને સંસ્કૃતિના વિકાસ માટે જે કંઈ કુદરતનિર્મિત તત્વો કે પદાર્થોનો ઉપયોગ કરે તેને કુદરતી સંપત્તિ કહેવાય. કુદરતી સંપત્તિનો અર્થ સમય સાથે બદલાતો રહ્યો છે. વીસમી સદીની શરૂઆતમાં કુદરતી સંપત્તિ માત્ર કીમતી અને ઉપયોગી પદાર્થો મેળવવા માટેના પ્રાથમિક સ્રોત તરીકે ઓળખવામાં આવતી. વર્તમાન સમયમાં તે પર્યાવરણના વિશાળ અર્થમાં લેવાય છે. કોઈ પણ પદાર્થની ઉપયોગિતા જ તેને સંપત્તિ બનાવે છે. વરાળયંત્રની શોધ પછી જ ખનિજ કોલસો અને અણુવિભાજનની પ્રક્રિયાની શોધ પછી જ યુરેનિયમ સાચા અર્થમાં માનવીની સંપત્તિ બન્યાં.
કુદરતી સંપત્તિનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય :
(1) અશાશ્વત અને શાશ્વત (exhaustible and inexhaustible)
(2) જૈવિક અને અજૈવિક સંપત્તિ (biotic and abiotic)
(3) સંભાવ્ય અને વિકસિત સંપત્તિ
(4) કાચો માલ અને ઊર્જાનાં સાધનો
(5) ખેતીની અને ચરાઉ સંપત્તિ, અને
(6) ખનિજ અને ઔદ્યોગિક સંપત્તિ.
તેમ છતાં શાશ્વત અને અશાશ્વત અથવા પુન:પ્રાપ્ય (renewable) થઈ શકે તેવી અને પુન:પ્રાપ્ય ન થઈ શકે તેવી સંપત્તિમાં વિશ્વની તમામ સંપત્તિનો સમાવેશ થાય છે.
શાશ્વત સંપત્તિમાં એવા પદાર્થોનો સમાવેશ થાય છે જેનો પુન: ઉત્પાદન અથવા ભૌતિક, યાંત્રિક કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પુન:ઉપયોગ થઈ શકે. જમીન, કુદરતી વનસ્પતિ, ખેતીના પાકો, પ્રાણીઓ, સૂર્યશક્તિ, પવન, પાણી વગેરેનો તેમાં સમાવેશ થાય છે. આ બધા પદાર્થો કે તત્વો કુદરતી સાંકળ કે ચક્ર બનાવે છે. એમાંની એકાદ કડી નબળી પડતાં આખું ચક્ર નબળું પડે છે અને ક્યારેક તૂટી પડે છે.
માનવને મળેલ કુદરતી બક્ષિસોમાં જમીન આગવું મહત્વ ધરાવે છે. તે માનવીની મોટાભાગની જરૂરિયાતો સંતોષે છે. ખેતી, પશુપાલન, ખાણઉદ્યોગ અને કેટલેક અંશે યાંત્રિક ઉદ્યોગ જેવી માનવ- પ્રવૃત્તિઓનો મૂળ આધાર જમીન છે. તળખડકોના ખવાણ અને ઘસારાથી છૂટાં પડેલાં ખનિજ દ્રવ્યોમાં હવા, પાણી, વનસ્પતિજ અને પ્રાણિજ દ્રવ્યો ભળતાં હજારો વર્ષોની કુદરતી પ્રક્રિયાને પરિણામે જમીન બને છે. પરંતુ અતિશય વરસાદ, નદીનાં પૂર, વેગીલા પવનો વગેરે બાહ્ય પરિબળો દ્વારા જમીનનું ધોવાણ અને ઘસારો થાય છે. એક અંદાજ મુજબ દર વરસે જમીનનું ધોવાણ 800 કરોડ ટન જેટલું થાય છે. માનવી પણ એક જ જમીનમાં એકનો એક પાક લઈ અવ્યવસ્થિત સિંચાઈ અને ખેડાણ, અનિયંત્રિત પશુચરાણ તથા જંગલોના નાશ દ્વારા જમીનનો વિનાશ નોતરે છે. જમીનની ઉપયોગિતા વધારવા અને લાંબા સમય સુધી તેની ફળદ્રુપતા જાળવી રાખવા જમીન-સંરક્ષણનાં પગલાં લેવાં જોઈએ. આ માટે પાકની ફેરબદલી, ખાતર અને સિંચાઈનો વ્યવસ્થિત ઉપયોગ, જમીનને પડતર રાખવી, પાળા બાંધવા, વૃક્ષો ઉગાડવાં વગેરે ઉપાયો યોજવા જોઈએ. આ ઉપરાંત પટ્ટીદાર ખેતી (strip-cropping), આવરણ ખેતી (contour bunding), પાળાબંધી (bund planning) પદ્ધતિઓને પણ પ્રયોજી શકાય.
અમેરિકાના જમીનવિષયક સંશોધનના અધ્યક્ષ કર્ટિસ એફ. માર્બટે આબોહવાકીય પ્રદેશો અને જમીનજૂથો વચ્ચેના આંતરસંબંધો મુજબ જમીનોના પેડાલ્ફર (pedalfer) અને પેડોકલ (pedocal) એવા મુખ્ય બે વિભાગ પાડે છે. પેડાલ્ફર જમીનો એટલે વધુ વરસાદવાળા પ્રદેશોની જમીનો. તેમાં ઍલ્યુમિનિયમ અને લોખંડનાં ખનિજ તત્ત્વો વધુ હોય છે. આ વિભાગમાં પૉડઝોલ અને પૉડઝોલિક, લેટેરાઇટિક અને ટુન્ડ્ર જમીનોનો સમાવેશ થાય છે. પૅડોકલ એટલે ઓછા વરસાદ કે અર્ધસૂકા પ્રદેશોની જમીનો. તેમાં ચૂનાતત્ત્વ વધુ હોય છે. આ વિભાગમાં કાળી માટીવાળી જમીન અને રેતાળ જમીનો આવે છે. આ ઉપરાંત કાંપની જમીનો એક અલગ જૂથ બનાવે છે, જે અત્યંત ફળદ્રૂપ હોય છે. વિશ્વની 45 ટકા કરતાં વધારે વસ્તી નદીઓના કાંપના પ્રદેશોમાં રહેલી છે.
કુદરતી સંપત્તિમાં કુદરતી વનસ્પતિનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. સામાન્ય રીતે કુદરતી પરિબળોની સંયુક્ત અસરના પરિણામે જમીન પર આપોઆપ ઊગી નીકળેલાં વૃક્ષો, ઘાસ, છોડવાઓ વગેરેને કુદરતી વનસ્પતિ કહેવાય. જોકે કેટલાંક તદવિદો માનવીના પ્રત્યક્ષ કે પરોક્ષ હસ્તક્ષેપ દ્વારા નજીવા ફેરફારો પામેલી વનસ્પતિને પણ કુદરતી વનસ્પતિ કહે છે. પ્રાચીન કાળમાં પૃથ્વીની સપાટીનો આશરે ચાલીસ ટકા ભૂમિ-વિસ્તાર ગીચ જંગલોથી છવાયેલો હતો. માનવીની ખોરાક, પોશાક અને રહેઠાણની જરૂરિયાતો જેમ જેમ વધતી ગઈ તેમ તેમ ખેતી અને ઉદ્યોગોના વિકાસ માટે ખાસ કરીને ઔદ્યોગિક ક્રાંતિ પછીની બે સદીઓ દરમિયાન જંગલોનો મોટાપાયે નાશ થયો છે. શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણની સાથેસાથે થતું હવાનું પ્રદૂષણ અટકાવવા તથા પરિસ્થિતિનું સંતુલન જાળવવા માટે જંગલોની અગત્ય વધતી જાય છે. નવી રાષ્ટ્રીય નીતિ અનુસાર રાષ્ટ્રની ભૂમિના તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ. જંગલો આબોહવા, નદીઓનાં પૂર, જમીનોનું ધોવાણ વગેરેનું નિયમન કરે છે. તે ઇમારતી અને પોચું લાકડું, જલાઉ લાકડું તથા રેયૉન, સેલ્યુલોઇડ, રસાયણો, દવાઓ, રેઝિન વગેરે માટે કાચો માલ પૂરો પાડે છે. જંગલોના પ્રકાર અને વિતરણ પર તાપમાન અને વરસાદ મુખ્યત્વે અસર કરે છે. દુનિયાના કુલ જંગલવિસ્તારના લગભગ ત્રીજા ભાગનાં જંગલો શંકુદ્રુમ પ્રકારનાં છે. તેનો મોટોભાગ ઉત્તર ગોળાર્ધમાં 55oથી 70o અક્ષાંશવૃત્તો વચ્ચે – ઉત્તર અમેરિકા, યુરોપ અને ઉત્તર રશિયા – આવેલાં છે. અહીં મુખ્યત્વે પાઇન ફર, સ્પ્રુસ, હેમલોક, જેવી શંકુદ્રુમ વનસ્પતિ જોવા મળે છે. પૃથ્વીની સપાટી પર 7o ઉત્તર અક્ષાંશથી 5o દક્ષિણ અક્ષાંશ વચ્ચે બારેમાસ ઊંચું તાપમાન અને ભારે વરસાદને કારણે બારમાસી લીલાં અને ગીચ જંગલો આવેલાં છે. આ જંગલોમાં મેહોગની, અબનુસ, લૉગવૂડ, રોઝવૂડ, આયર્નવૂડ, સીસમ, રબર વગેરે વૃક્ષો જોવા મળે છે. ભૂમધ્ય પ્રકારની શિયાળુ વરસાદની આબોહવાના પ્રદેશોમાં ઠીંગણાં અને ચીકણી સપાટીવાળાં, નાનાં અને જાડાં પાનવાળાં નિત્ય લીલાં વૃક્ષો થાય છે. અહીં ઓક, બર્ચ, ઑલિવ, વૉલનટ, ચેસ્ટનટ વગેરે મુખ્ય વૃક્ષો છે. મોસમી પ્રકારની આબોહવા ધરાવતા ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, હિન્દીચીન વગેરે દેશોમાં મોસમી પ્રકારનાં ખરાઉ જંગલો જોવા મળે છે. જેમાં સાગ, સાલ, ચંદન, સીસમ, વાંસ વગેરે થાય છે. વિશ્વમાં સૌથી વધુ જંગલવિસ્તાર રશિયા અને તે પછી બ્રાઝિલ, કૅનેડા, યુ.એસ., ચીન, ભારત વગેરે દેશોમાં આવેલો છે.
એક સમયે પૃથ્વીની સપાટીના ભૂમિભાગનાં લગભગ ચાલીસ ટકા વિસ્તારમાં પ્રેરી, સ્ટેપ અને સવાના પ્રકારનાં ઘાસનાં બીડો હતાં. જેમાં ઘાસની અનેક જાતો થતી. ઘાસની મકાઈ, શેરડી, ઘઉં, ચોખા, બાજરી, જુવાર વગેરે જાતોની તો પદ્ધતિસર ખેતી થાય છે. આ ઘાસના પ્રદેશોમાંના કેટલાકને તો માનવીએ ખેડીને એટલી હદે બદલી નાખ્યાં છે કે ત્યાંની મૂળ વનસ્પતિ કઈ તે કહેવું મુશ્કેલ બને છે. દા.ત., પ્રેરીનાં ઘાસનાં બીડો.
આદિકાળનો માનવી જંગલી પશુઓનો શિકાર કરી પોતાની ખોરાક અને પોશાક જેવી જરૂરિયાતો મેળવતો હતો. ધીમે ધીમે તે પશુપાલન તરફ વળ્યો. ઘોડા, ખચ્ચર, યાક, લામા રેન્ડિયર, ગાય અને ભેંસ જેવાં કેટલાંક પશુઓ પાસેથી બોજવાહક તરીકે કે મુસાફરીનાં સાધન તરીકે અને દૂધ, માંસ, ચામડું વગેરે આપનાર તરીકે કામ લીધું. રેન્ડિયર એસ્કિમોને ખોરાક તરીકે દૂધ અને માંસ પોશાક અને તંબુ માટે ચામડું, હથિયારો બનાવવા માટે હાડકાં વગેરે પૂરાં પાડતી કામધેનુ છે. આધુનિક યુગમાં રશિયા, યુ.એસ., ફ્રાન્સ, જર્મની, ડેનમાર્ક, ભારત અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોએ ઢોરની ઓલાદો સુધારીને માખણ, પનીર, દૂધનો પાઉડર, ચીઝ તથા માંસ, ઊન, ચામડાં વગેરેના ઉત્પાદનમાં વિશિષ્ટતા કેળવી છે. જળચર પ્રાણીઓમાં માછલી માનવીને પૂરક ખોરાક, દવા માટે તેલ (કોડ અને વ્હેલ), મત્સ્ય આહાર, ખાતર, રુવાંટીવાળી ચામડી (સીલ), મોતી (ઓઇસ્ટર) વગેરે મેળવવાના કામમાં આવે છે. દુનિયાનું આશરે 75 ટકા મત્સ્ય ઉત્પાદન ઉત્તર ગોળાર્ધમાં થાય છે. જેમાં ન્યૂફાઉન્ડલૅન્ડ અને લાબ્રાડોરનો ઉત્તર આટલાન્ટિક કિનારો, ઉત્તર સમુદ્ર અને વાયવ્ય યુરોપ, જાપાનનો કિનારો તથા ઉત્તર યુ.એસ. અને કૅનેડાનો પૅસિફિક કિનારો મુખ્ય ક્ષેત્રો છે. ભૂમિખંડના અંદરના ભાગોમાં આવેલ નદીઓ અને સરોવરોમાં મીઠા જળની માછલીઓની ખેતી થાય છે. ચીનમાં ડાંગરનાં ખેતરોમાં મત્સ્યઉછેર થાય છે.
માનવી પણ એક કુદરતી સંપત્તિ છે. કોઈ પણ રાષ્ટ્રની વસ્તીમાં કામ કરનાર માનવજૂથનું પ્રમાણ તે રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. ચીન અને ભારતને અતિવસ્તીવાળા દેશો કહેવામાં આવે છે. પરંતુ આ માનવવસ્તીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે રાષ્ટ્રની અણમોલ સંપત્તિ બની શકે. માનવી ઉત્પાદક છે તેમ ઉપભોક્તા પણ છે.
યંત્રને ચલાવવા માટે ઊર્જાની જરૂર પડે છે. પરંપરાગત ઊર્જાનાં સાધનો, જેવાં કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે અશાશ્વત (ખૂટી જાય તેવાં) અથવા પુન:પ્રાપ્ત ન થઈ શકે તેવાં છે. આ શક્તિનાં સાધનો કુદરત દ્વારા ચોક્કસ વિસ્તારોમાં સીમિત થયેલાં છે તથા તેઓના વિનિમયમાં રાજકીય સીમાઓ અવરોધક બને છે. તેથી માનવી બિન-પરંપરાગત ઊર્જાસાધનો, જેવાં કે સૂર્યશક્તિ, પવનશક્તિ, જળશક્તિ, બાયોગૅસ વગેરે તરફ વળ્યો છે. સૂર્ય દર વર્ષે 26 × 1016 (kwh) ઊર્જા પૃથ્વી પર મોકલે છે. જે દુનિયાની કુલ વાર્ષિક ઊર્જા-વપરાશ કરતાં ઘણી વધારે છે. સૂર્યઊર્જાથી ચાલતાં સોલર હીટર, સૂર્યકૂકર, શુદ્ધ પાણી મેળવવા સોલર સ્ટીલ્સ, વિદ્યુત મેળવવા સિલિકોન સોલર સેલ અને સોલર પાવરહાઉસ બનાવવામાં આવ્યાં છે. પવનશક્તિનો ઉપયોગ કરવા પવનચક્કીઓનાં ખેતરો (windfarms) ઊભાં કરવામાં આવે છે. યુ.એસ.માં ઍલ્ટમોન્ટ ઘાટ પાસે 100 પવનચક્કીઓ બનાવવામાં આવી છે. ગુજરાતમાં કચ્છ-માંડવીમાં દરિયાકિનારે ઘણી પવનચક્કીઓ નાખવામાં આવી છે. ભૂતાપીય ઊર્જા અને સમુદ્ર-ઉષ્મીય ઊર્જાનું વિદ્યુતમાં રૂપાંતર કરવા મથકો ઊભાં કરવામાં આવ્યાં છે. અમેરિકાના સાનફ્રાન્સ્કિો શહેર નજીક ભૂગર્ભ વરાળસંચાલિત 910 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરતું વિદ્યુતમથક બાંધવામાં આવ્યું છે. સમુદ્રમોજાં અને ભરતી-ઓટમાંથી વીજળી પેદા કરવાનાં મથકો રશિયા અને ફ્રાંસમાં આવેલાં છે. આ ઊર્જા પ્રદૂષણરહિત તથા કાયમ માટે મળે તેવી છે.
અશાશ્વત અથવા પુન:પ્રાપ્ય ન થઈ શકે તેવી સંપત્તિ : માનવસંસ્કૃતિના ઇતિહાસને તામ્રયુગ, લોહયુગ, જેવા વિવિધ તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. કારણ કે માનવે આદિકાળથી અન્ય કુદરતી તત્વોના ઉપયોગની સાથે પૃથ્વીની સપાટીમાંથી મળી આવતાં વિવિધ ખનિજોનો બહોળો ઉપયોગ આ તબક્કાઓમાં કર્યો છે. સામાન્ય રીતે ચોક્કસ રાસાયણિક અને સ્ફટિકમય વિશિષ્ટ અણુબંધારણ ધરાવતો પદાર્થ કે જે પૃથ્વીના પેટાળમાં નિરિન્દ્રિય પ્રક્રિયાને કારણે બન્યો હોય તેને ખનિજ કહેવાય. ખનિજોમાંની કેટલીક ધાતુમય ખનિજો, જેવાં કે લોખંડ, મૅંગેનીઝ, સોનું વગેરે કેટલીક અધાતુમય ખનિજો, જેવી કે સલ્ફર, નાઇટ્રેટ્સ, ચૂનો વગેરે અને કેટલીક ઊર્જા માટે વપરાતાં ખનિજો છે. આ કારણે વર્તમાન યુગને ખનિજયુગ નામ આપી શકાય.
પૃથ્વીના મોટાભાગના ખડકોમાં લોહધાતુ મિશ્રરૂપે રહેલ હોવા છતાં મેગ્નેટાઇટ, હેમેટાઇટ, લીમોનાઇટ અને સિડેરાઇટમાં તેનું પ્રમાણ અનુક્રમે 72, 70, 60 અને 48 ટકા જેટલું છે. શુદ્ધ લોખંડમાં મગેનીઝ, ક્રોમિયમ, નિકલ કે ટંગસ્ટન મિશ્ર કરી બનાવેલ પોલાદ નાની ટાંકણીથી માંડીને વિશાળકાય યંત્રો, યાંત્રિક માનવી વગેરે બનાવવામાં વપરાય છે. વિશ્વનું 80 ટકા લોખંડનું ઉત્પાદન મુખ્યત્વે રશિયા, યુ.એસ., કૅનેડા, ફ્રાન્સ, બ્રિટન, સ્વીડન, બેલ્જિયમ અને લક્સમ્બર્ગ કરે છે. રશિયામાં કાચા લોખંડનો જથ્થો મુખ્યત્વે ક્રિવોયરોગ, યુરલ પર્વત અને મધ્ય એશિયામાં રહેલો છે. યુ.એસ.માં સુપિરિયર સરોવરની આસપાસનો વિસ્તાર મિનેસોટા અને વિસ્કોન્સિન તથા એપેલેશિયન કાચા લોખંડનો જથ્થો ધરાવે છે. બ્રાઝિલ અને વેનેઝુએલાનો કાચા લોખંડનો જથ્થો વિશ્વમાં શ્રેષ્ઠ કહેવાય છે. ભારતમાં લોખંડનાં મુખ્ય ક્ષેત્રો ઝારખંડમાં સિંગભૂમ અને ઓરિસામાં મયૂરભંજ અને કૅઓન્જાર છે.
બૉક્સાઇટમાંથી મળતી કાટ ન ચઢે તેવી વિદ્યુતસુવાહક, વજનમાં હલકી પરંતુ મજબૂત અને ટકાઉ ઍલ્યુમિનિયમ ધાતુ ઘરવપરાશનાં વાસણોથી માંડીને હવાઈ જહાજો બનાવવામાં વપરાય છે. ઍૅલ્યુમિનિયમના ઉત્પાદનમાં યુ.એસ. પ્રથમ સ્થાને છે. જોકે તે જમૈકા, હૈતી વગેરેમાંથી બૉક્સાઇટની મોટા પાયે આયાત કરે છે. ભારતમાં મુખ્યત્વે બિહાર, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત વગેરે રાજ્યો બૉક્સાઇટનું ઉત્પાદન કરે છે.
બ્રૉનાઇટ, પાયરોલ્યુસાઇટ, સીલોમીલેન અને હોલેન્ડાઇટની ધાતુખનિજમાંથી મેળવાતા મૅંગેનીઝનો ઉપયોગ મુખ્યત્વે મિશ્રધાતુ રૂપે તથા રંગો અને વાર્નિશ, કાચ, બૅટરી, વિદ્યુતસાધનો, રસાયણો વગેરે બનાવવામાં થાય છે. વિશ્વમાં મૅંગેનીઝનું સૌથી વધુ ઉત્પાદન રશિયા કરે છે. તેનાં મહત્ત્વનાં ક્ષેત્રોમાં યુક્રેન, મીઆતુરી અને નિકોપોલની ગણતરી થાય છે. દક્ષિણ આફ્રિકા, ગેબોન, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા અને ભારત પણ વિશ્વના બજારમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર અને અન્ય રાજ્યો તેનું ઉત્પાદન કરે છે.
નિકલનું ઉત્પાદન મુખ્યત્વે કૅનેડા, રશિયા અને ન્યૂકેલેડોનિયા ટાપુ કરે છે. ચીન, રશિયા અને બોલિવિયા ટંગસ્ટનના મુખ્ય ઉત્પાદકો છે. વિશ્વના 50 ટકા કરતાં વધુ મોલિબ્ડેનમનું ઉત્પાદન યુ.એસ. કરે છે. સોનું અને ચાંદી જેવી કીમતી ધાતુઓના ઉત્પાદનમાં અનુક્રમે જોહાનિસબર્ગ અને રશિયા મુખ્ય છે. અણુઊર્જામાં વપરાતી યુરેનિયમ અને રેડિયમ જેવી ધાતુઓ લગભગ 40 દેશો ધરાવે છે, પરંતુ યુ.એસ., કૅનેડા, દક્ષિણ આફ્રિકા અને ફ્રાન્સમાં તેના મહત્વના જથ્થા છે.
ઊર્જાશક્તિનાં સાધનો : ઊર્જાશક્તિનાં ખનિજોમાં કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, યુરેનિયમ તથા થોરિયમ મહત્વનાં છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુને અશ્મીભૂત ઇંધનો પણ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મત મુજબ કરોડો વર્ષ પહેલાં જમીનમાં દટાઈ ગયેલાં વનસ્પતિ અને પ્રાણીઓ પર લાખો વર્ષોની પ્રક્રિયાના પરિણામે આ ત્રણે ઊર્જાસ્રોતો તૈયાર થાય છે. તેથી આ ઇંધનો નવેસરથી ઉત્પન્ન ન થઈ શકે તેવા પુન: અપ્રાપ્ય (non-renewable) ઊર્જાસ્રોતો કહેવાય. તેમનો જથ્થો પણ મર્યાદિત છે. દુનિયામાં કોલસો અને ખનિજ તેલના અનુમાનિત જથ્થાનું પ્રમાણ અનુક્રમે 7537 બિલિયન ટન અને 2090 બિલિયન બેરલ જેટલું છે. રશિયા, યુ.એસ. અને ભારતમાં શોધાયેલા કોલસાનો જથ્થો અનુક્રમે 4310 બિલિયન ટન, 1486 બિલિયન ટન અને 112 બિલિયન ટન મનાય છે. કોલસાના ઉત્પાદનમાં યુ.એસ. અને રશિયાનાં સંયુક્ત રાજ્યો અનુક્રમે પ્રથમ અને બીજું સ્થાન ધરાવે છે. યુ.એસ.માં એપેલેશિયનનાં કોલસાનાં ક્ષેત્રો અને રશિયામાં ડોનેટ્સ બેસિન, મૉસ્કો અને યુરલ તથા કારગંડાનાં ક્ષેત્રો મુખ્ય છે. ભારતમાં પશ્ચિમ બંગાળમાં રાણીગંજ, ઝારખંડમાં ઝરિયાની ખાણો ઉપરાંત મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં કોલસાનાં ક્ષેત્રો આવેલાં છે. ભારત, યુ.એસ. અને રશિયાનાં સંયુક્ત રાજ્યોમાં કુલ ઊર્જાની વપરાશના અનુક્રમે 20, 18 અને 24 ટકા જેટલી ઊર્જા કોલસામાંથી મેળવાય છે. એન્થ્રેસાઇટ, કોકિંગ કોલસો અને કંઈક અંશે બિટુમિનસ કોલસો મોટા ઉદ્યોગોમાં વપરાય છે, જ્યારે લિગ્નાઇટ કોલસો તાપીય વિદ્યુત ઉત્પન્ન કરવા વપરાય છે. ડામર, સેકરીન, બેન્ઝોલ, ક્રૂડ તેલ, અમોનિયા વગેરે કોલસાની આડપેદાશ માનવજાત માટે ઉપયોગી છે.
ખનિજતેલનો સર્વપ્રથમ કૂવો પશ્ચિમ પેન્સિલ્વેનિયામાં ટીટુસલ નામના સ્થળે ઈ. સ. 1859ના ઑગસ્ટ મહિનામાં કર્નલ ડ્રેકની રાહબરી હેઠળ ખોદાયો હતો. ભારતમાં આસામના નહોરકોટિયા ખાતે સર્વપ્રથમ કૂવો 1866માં ખોદવામાં આવ્યો હતો. જોકે ખનિજતેલ પ્રાપ્ત થયું ન હતું. 1867માં માર્ચ મહિનાની 26મી તારીખે આસામના માકુમ સ્થળેથી 36 મીટર ઊંડા કૂવામાંથી ખનિજતેલ મળ્યું. વિશ્વના ખનિજતેલના કુલ જથ્થામાંથી 600 બિલિયન બેરલ તેલ મધ્યપૂર્વ એશિયાનાં આરબ રાષ્ટ્રો અને 500 બિલિયન બેરલ રશિયા અને ચીન ધરાવે છે. ભારતનો કુલ અનુમાનિત જથ્થો 22 બિલિયન બેરલ મનાય છે. ભારતમાં કુલ ઊર્જાના 21 ટકા જેટલી ઊર્જા ખનિજતેલમાંથી મેળવાય છે. તેનાં મુખ્ય તેલક્ષેત્રોમાં આસામના નહોરકોટિયા, મોરાન અને હુગરીજન; ગુજરાતનાં ગાંધાર, ખંભાત, લૂણેજ, અંકલેશ્વર અને મહેસાણાનાં તેલ-વાયુક્ષેત્રો ઉપરાંત કાવેરી, બૉમ્બેહાઈ, દક્ષિણે લક્ષદ્વીપથી ઉત્તરે સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીના સમુદ્રમાં તેલક્ષેત્રો આવેલાં છે.
યુ.એસ., રશિયા અને સાઉદી અરેબિયા ખનિજતેલના મુખ્ય ઉત્પાદક દેશો છે. આ દેશો ઉપરાંત વેનેઝુએલા, ઇરાક, કુવૈત, નાઇજીરિયા અને યુ.એ.આર. પણ ખનિજતેલનું ઉત્પાદન કરે છે. એક ગણતરી મુજબ નવાં તેલક્ષેત્રો શોધાય નહિ અને આજના દરે વપરાશ ચાલુ રહે તો ચાલુ સ્રોતો લાંબાગાળા સુધી ચાલે તેમ નથી. 1973માં ઈરાની અખાતના તેલ નિકાસ કરનારા ઓપેક(O.P.E.C.)ના દેશોએ ખનિજ તેલના ભાવમાં અવારનવાર વધારો કરતાં આયાતી દેશોના અર્થતંત્રને ભારે ફટકો પડે છે. પરિણામે આ દેશો અણુઊર્જા કે સૂર્યઊર્જા, જળઊર્જા, પવનઊર્જા અને બાયોગૅસ તરફ વળ્યા છે.
વસંત ચંદુલાલ શેઠ