કુદરતી તટબંધ : નદીના બન્ને કાંઠે મોટા પ્રમાણમાં કાંપ-માટીના નિક્ષેપ અથવા સંચયથી રચાતા ઓછી ઊંચાઈના લાંબા અવરોધી ઢગ. નદીના આ કુદરતી તટબંધથી સામાન્ય પૂર સામે આસપાસના પ્રદેશને રક્ષણ મળે છે. પરંતુ નદીમાં વધુ પૂરની પરિસ્થિતિમાં કિનારા પર રચાયેલ આવા બંધ તૂટી જવાથી પાણી દૂર ફેલાઈ વિનાશ સર્જે છે. દા.ત., ચીનની હોઆંગ હો નદીને આવા તટબંધ છે. આ નદી ‘ચીનની દિલગીરી’ તરીકે જાણીતી બની હતી. યુ.એસ.ની મિસિસિપી નદીએ તેના કિનારા પર આશરે 6થી 7 મીટરની ઊંચાઈના આવા તટબંધ રચ્યા છે. ગુજરાતમાં કચ્છના કિનારે પણ આવા તટબંધ જોવા મળે છે.
મહેન્દ્ર રા. શાહ