કુદરતી કમાન : ગતિશીલ કુદરતી બળોના ઘસારાના કાર્યથી કમાન આકારે રચાયેલું ભેખડનું સ્વરૂપ. સમુદ્રમાં પ્રક્ષિપ્ત થતી ભેખડવાળા ભૂમિભાગો પર સમુદ્રનાં મોજાંના સતત મારાથી બંને બાજુઓમાં બખોલો પડે છે. કાળક્રમે બખોલો પહોળી અને ઊંડી બની ગુફાઓનું રૂપ ધારણ કરે છે. બન્ને ગુફાઓ આખરે પરસ્પર ભળી જાય છે, જેથી મોજાંનું પાણી તેમાંથી આરપાર વહે છે. આમ ખડકનો આકાર કમાન જેવો બને છે. તેને ‘કુદરતી પુલ’ પણ કહે છે.
ચૂનાના ખડકાળ પ્રદેશમાં ભૂમિગત જળના દ્રાવણની રાસાયણિક ક્રિયાથી ગુફાઓ રચાય છે. ક્યારેક આવી ગુફાનો છતનો કેટલોક ભાગ તૂટી પડે છે અને બાકીનો ભાગ કમાન જેવો ટકી રહે છે.
રણપ્રદેશોમાં પવનની થપાટોથી ખડકોમાં આરપાર છિદ્રો પડે છે. આ છિદ્રો પહોળાં થતાં ‘વા-બારાં’ બને છે. આ વા-બારાંમાંથી પસાર થતો રેતીવાળો પવન નીચેના ખડકાળ ભાગને કાચ-કાગળની માફક ઘસીને નીચો કરે છે, જેથી તેની ઉપર કમાન જેવો ભાગ ટકી રહેલો જોવા મળે છે. યુ.એસ.ના વર્જિનિયા પ્રાંતમાં આવી ‘કુદરતી કમાન’ રચાયેલી છે.
મહેન્દ્ર રા. શાહ