કુતિયાણા : ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનું શહેર. તે 21o 38′ ઉ. અ. અને 69o 59′ પૂ. રે. ઉપરનું તાલુકામથક પણ છે. કુતિયાણા તાલુકાનું કુલ ક્ષેત્રફળ 566.3 ચોકિમી. છે. ભાદર નદીના કાંઠે આવેલું આ તાલુકાનું આ એકમાત્ર મુખ્ય શહેર છે. તેનો વિસ્તાર 36.21 ચોકિમી. છે. આ શહેરમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના શિક્ષણની વ્યવસ્થા છે. નજીકનું રેલમથક સરાડિયા 11.1 કિમી. દૂર છે.
અહીં ક્ષેત્રપાળ અને જુમા મસ્જિદ રક્ષિત ઇમારત છે. મિસ્કીન શાહ પીરની દરગાહ, મોઢ વાણિયાની કુળદેવી વગેરે જાણીતાં સ્થળો છે. શહેરમાં જિન અને તેલની મિલો, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, સ્વાસ્થ્ય કેન્દ્ર અને સરકારી કચેરીઓ, બૅન્ક વગેરે આવેલાં છે. વસ્તી આશરે 22,700 (2023).
વસંત ચંદુલાલ શેઠ