કુંવર, નારાયણ (જ. 19 સપ્ટેમ્બર 1927, ઉત્તર પ્રદેશ; અ. 15 નવેમ્બર 2017, દિલ્હી) : ઉત્તર પ્રદેશના જાણીતા કવિ અને ગદ્યકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કોઈ દૂસરા નહીં’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી મેળવી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ચક્રવ્યૂહ’ 1956માં પ્રગટ થયો. કઠોપનિષદના નચિકેતાને કેન્દ્રમાં રાખીને લખાયેલો તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘આત્મજયી’ 1965માં પ્રગટ થયો. તે પહેલાં ‘પરિવેશ હમ-તુમ’ 1961માં પ્રગટ કરેલો, અને ‘અપને સામને’ નામનો કાવ્યસંગ્રહ 1979માં પ્રગટ કર્યો, જેમાં તેઓ આધુનિકવાદી ઢાંચાના સપ્તક કવિની ભૂમિકાથી પણ આગળ નીકળી ગયા હતા.
વળી, તેમણે નિબંધ, સાહિત્યિક વિવેચન, ફિલ્મ અને રંગમંચ માટે કથાનકો તથા સમીક્ષાઓ લખ્યાં છે. તેમને હિંદુસ્તાની અકાદમી પુરસ્કાર, પ્રેમચંદ પુરસ્કાર, કુમારન આસાન પુરસ્કાર, તુલસી પુરસ્કાર તથા હિંદી સંસ્થાન પુરસ્કાર આપવામાં આવ્યા છે. તેમનો શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ 1993માં પ્રગટ કરવામાં આવ્યો, જેને માટે તેમને વ્યાસ સન્માન, ભવાનીપ્રસાદ મિશ્ર પુરસ્કાર અને ભારતીય ભાષાપરિષદના શતદલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમના પુરસ્કૃત કાવ્યસંગ્રહ ‘કોઈ દૂસરા નહીં’માં આધુનિક સમાજમાં વ્યક્તિના ભાગ્યની ઊંડી સમજ, ઇતિહાસ અંગેનો વિવેક, શૈલીની સહજતા, ચવાઈ ગયેલા વિચારોને તિલાંજલિ, વાસ્તવિકતા અને ભ્રમની આંતરગૂંથણી તથા મૂલ્યો વિશેની પોતાની ઉત્કૃષ્ટ સૂઝ વગેરે જોવા મળે છે. 2005માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા હતા.
બળદેવભાઈ કનીજિયા