કુંમિંગ : ચીનના યુનાન પ્રાન્તની રાજધાની. ચીનમાં દીઆન ચી સરોવરના ઉત્તર કિનારે 25.04o ઉત્તર અક્ષાંશ અને 102.41o પૂર્વ રેખાંશ પર આ શહેર વસેલું છે. 1397 સુધી તે યુનાન્કુ તરીકે ઓળખાતું હતું. સમુદ્રસપાટીથી 1805 મીટરની ઊંચાઈએ સપાટ મેદાનપ્રદેશમાં તે આવેલું છે. 764માં ફ્રેન્ગ ચીહ પહેલાએ બંધાવેલ છ દરવાજાવાળી આશરે 5 કિમી. પરિઘ ધરાવતી દીવાલ આ શહેરના બે ભાગ કરે છે : દીવાલની અંદરનો ભાગ આંતરિક શહેર અને બહારનો ભાગ બાહ્ય શહેર. આ શહેરના દક્ષિણ ભાગમાં મંદિરો, બજારો તથા બગીચા આવેલાં છે, જ્યારે ઉત્તરના અડધા ભાગમાં ગીચોગીચ વસાહતો આવેલી છે. બીજા વિશ્વયુદ્ધ પછી તેનો ચીનના લશ્કરી મથક તરીકે ઉપયોગ, નિરાશ્રિતોનો ધસારો, વિવિધ ઉદ્યોગો,
શૈક્ષણિક સંસ્થાઓનું સ્થળાંતર વગેરેને કારણે આ શહેરની કાયાપલટ થઈ. આ શહેર રેલમાર્ગો દ્વારા ગુઈયાંગ, ડીકોઉ, ચાંગશા, વુહાન, શાંગહાઈ વગેરે શહેરો સાથે જોડાયેલ છે. એક આંતરરાષ્ટ્રીય રેલમાર્ગ કુંમિંગથી વિયેટનામના હેનોઈ થઈ હૈવાંગ સુધી જાય છે. પાકી સડકો ઈશાનમાં ગુઈયાંગ, ઉત્તરમાં યીબીન, પૂર્વમાં નાનીંગ અને પશ્ચિમમાં ઝીઆગુઆનને કુંમિંગ સાથે સાંકળે છે. લશ્કરી ર્દષ્ટિએ મહત્વનો એક માર્ગ બર્માના લાશિયો સુધી જાય છે. કુંમિંગના ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ ભાગમાં ચીનાઓએ વેસ્ટર્ન ક્લાઉડનું મંદિર બાંધેલ છે. શહેરથી માત્ર 16 કિમી. પૂર્વમાં મિંગ વંશ દરમિયાન બનેલું મંદિર સંપૂર્ણ તાંબાનું છે. આ શહેર યુનાન યુનિવર્સિટીનું વડું મથક છે. વસ્તી 84.6 લાખ (2018).
વસંત ચંદુલાલ શેઠ