કુંડાળિયો : વનસ્પતિને લાગુ પડતો એક રોગ. તેને મૂળ ખાઈ, મૂળનો સડો, મૂળનો કોહવારો પણ કહે છે. આ રોગ માટે નીચેના રોગકારકો જવાબદાર છે.
(1) રાઇઝોક્ટોનિયા બટાટીકોલા, (2) મેક્રોફોમિના ફેજીયોલાય, (3) રાઇઝોક્ટોનિયા સોલાની પૂર્ણ અવસ્થા (PF, Pellicularia filamentosa).
છોડનાં પાન એકાએક ચિમળાઈને સુકાઈ જાય છે. છોડ પણ સુકાઈ જાય છે. રોગ બાજુના છોડમાં સહેલાઈથી લાગે છે. નાનાં-મોટાં કુંડાળાં બનીને છોડ સુકાઈ જાય છે અને આખરે કુંડાળિયો પડી જાય છે. રોગિષ્ઠ છોડનાં મૂળ ભીનાં, ચીકણાં અને તૂટેલાં ઉખાડેલ છોડમાં જોવા મળે છે. મૂળમાં નાનામોટા જલસ્મો (sclerotia) હોય છે.
15 %થી 20 % ભેજ તથા 35° સે. કરતાં વધુ તાપમાન, રેતાળ અને ગોરાડુ જમીન રોગકારકને માફક હોઈ રોગને વ્યાપકતા આપે છે.
પાકની ફેરબદલી, સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ, મઠ, અડદ કે જુવારનો આંતરપાક, નજીકના ગાળાનું પિયત, બીજની માવજત અને પાણીના ભરાવાનો નિકાલ રોગનિયંત્રણમાં મદદ કરે છે.
ભીષ્મદેવ કીશાભાઈ પટેલ