કુંજરુ, હૃદયનાથ (જ. 1 ઑક્ટોબર 1887, પ્રયાગરાજ; અ. 3 એપ્રિલ 1978, આગ્રા) : વિખ્યાત ધારાશાસ્ત્રી, કેળવણીકાર, સાંસદ તથા ઉદારમતવાદને વરેલા ભારતીય ચિંતક. કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા જાણીતા વકીલ. આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી (1905) અને પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એસસી. થયા અને તરત જ વકીલાત શરૂ કરી. 1920માં નૅશનલ લિબરલ ફેડરેશનની સ્થાપના કરી. સંસદીય બાબતોમાં તેમની કારકિર્દી ખૂબ જ વિશાળ અને સુદીર્ઘ હતી. ઉત્તર પ્રદેશ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય (1921-23), ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય (1927-30), કાઉન્સિલ ઑવ્ સ્ટેટ્સના સભ્ય (1937-46), ભારતની બંધારણસભાના સભ્ય (1946-49) તથા રાજ્યસભાના નિયુક્ત સભ્ય (1952-56). 1946-47 દરમિયાન તે ભારતીય લશ્કરની પુનર્રચના સમિતિના સભ્ય, રેલવે ઇન્ક્વાયરી કમિટીના અધ્યક્ષ, રાજ્ય પુનર્રચના આયોગના સભ્ય (1953-55) તથા વિશ્વવિદ્યાલય અનુદાન આયોગના સભ્ય (1953-56) રહ્યા હતા. રાજ્ય પુનર્રચના આયોગના સભ્ય તરીકે તેમણે ભાષાકીય લઘુમતીઓના શૈક્ષણિક તથા સાંસ્કૃતિક અધિકારોના રક્ષણ માટે કરેલાં સૂચનો શકવર્તી સાબિત થયાં છે.
ગોપાળ કૃષ્ણ ગોખલેની પ્રેરણાથી 1936માં તે સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટીમાં જોડાયા અને તેના આજીવન પ્રમુખ ચૂંટાયા. ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ વર્લ્ડ એફેર્સ(ICWA)ના તે સ્થાપક હતા. આ સંસ્થાએ પાછળથી સ્કૂલ ઑવ્ ઇન્ટરનૅશનલ સ્ટડિઝનું સંયોજન અને સંચાલન કર્યું હતું. ઉત્તર પ્રદેશ હરિજન સેવક સંઘના પ્રમુખ તથા સેવાસમિતિ, અલ્લાહાબાદના સામાન્ય મંત્રી તરીકે પણ તેમણે સેવા આપી હતી.
વિદેશમાં વસેલા ભારતીયોની સમસ્યાઓનો અભ્યાસ કરવાના હેતુથી તેમણે ફિજિ, હવાઈ, શ્રીલંકા, કેન્યા તથા ઇંગ્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો હતો. ઉપરાંત 1938માં ઑસ્ટ્રેલિયા ખાતે આયોજિત બ્રિટિશ કૉમનવેલ્થ રિલેશન્સ પરિષદમાં ભારતીય પ્રતિનિધિ મંડળના નેતા તરીકે તથા 1945માં પૅસિફિક રિલેશન્સ પરિષદમાં ભારતીય પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે હાજરી આપી હતી.
સ્વાધીનતા પહેલાં મુલકી સેવાઓ તથા સશસ્ત્ર સેનાઓના ભારતીયકરણમાં તેમણે સક્રિય રસ દાખવ્યો હતો. ભારતે રાષ્ટ્રકુટુંબના સભ્ય તરીકે રહેવું જોઈએ તેના તે હિમાયતી હતા. આગ્રા વિશ્વવિદ્યાલયે તેમને એલએલ.ડી.ની માનાર્હ ઉપાધિ એનાયત કરી હતી. ભારત સરકારે તેમને ભારતરત્નનો ખિતાબ અર્પણ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી, જે સ્વીકારવાની તેમણે ના પાડી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે