કિશનલાલ (જ. 2 ફેબ્રુઆરી 1917, મઉ, મધ્યપ્રદેશ; અ. 23 જૂન 1980, ચેન્નાઇ, તમિલનાડુ) : આંતરરાષ્ટ્રીય કક્ષાના રાઇટ વિંગર્સના સ્થાનના હૉકીના ખેલાડી અને પ્રસિદ્ધ કોચ. 1948માં લંડન ઑલિમ્પિકમાં ભારતીય ટીમને વિજેતા બનાવનાર સુકાની નિશાળમાં ફૂટબૉલ અને હૉકી બંને ખેલતા હતા. ઓરછા રાજ્ય તરફથી હૉકી, ફૂટબૉલ, ટેનિસ, સ્ક્વૉશ, ગોલ્ફ અને બિલિયર્ડ રમ્યા હતા. 1935થી સ્પર્ધાત્મક હૉકીમાં ભાગ લેવો શરૂ કર્યો. હૉકીની રાષ્ટ્રીય સ્પર્ધામાં 1936થી 1941 સુધી મધ્ય ભારત તરફથી, 1942થી 1948 મુંબઈ તરફથી અને 1949થી 1957 સુધી રેલવે તરફથી રમ્યા. 1957માં નિવૃત્તિ લીધી. ભારતીય રેલવેના કોચ તરીકે ઘણા રાષ્ટ્રીય ખેલાડીઓનું એમણે ઘડતર કર્યું છે. 1960માં મલેશિયા અને 1968માં પૂર્વ જર્મનીની રાષ્ટ્રીય ટીમનું કોચિંગ કર્યું. 1966માં તેમને ભારત સરકારે પદ્મશ્રીનું સન્માન આપ્યું. તે એશિયાઈ શૈલી અને પદ્ધતિની હૉકીમાં માનનાર હતા.
કુમારપાળ દેસાઈ