કિરિકો, જ્યૉર્જિયો (જ. 10 જુલાઈ 1888, ગ્રીસ; અ. 20 નવેમ્બર 1978, રોમ, ઇટાલી) : ઇટાલીનો પરાવાસ્તવવાદી ચિત્રકાર. બાળપણમાં ઍથેન્સમાં ડ્રૉઇંગની તાલીમ લીધી હતી. થોડા જ સમયમાં પિતાનું અવસાન થતાં માતા અને નાના ભાઈ સાથે કિરિકો પણ જર્મનીમાં મ્યૂનિક જઈ વસ્યો. જર્મનીમાં સ્વિસ રંગદર્શી ચિત્રકાર આર્નૉલ્ડ બોક્લીનનો પ્રભાવ તેની ઉપર પડ્યો. ઉપરાંત જર્મન ફિલસૂફ નિત્શેનું તેણે પઠન કર્યું અને પરિણામે નિત્શેની અસર પણ ઝીલી. આ બંનેની અસર હેઠળ તેણે હવે એવાં રંગદર્શી ચિત્રો ચીતરવાં શરૂ કર્યાં જેમાં સન્નાટો છવાઈ ગયો હોય તેવાં નિર્જન અને પ્રાચીન રોમન ખંડેરોમાં એકલદોકલ આધુનિક માનવીની હાજરી હોય કે દૂર ક્ષિતિજે ચાલી જતી રેલવેગાડી જેવી આધુનિક જીવનની હાજરી જણાતી હોય. પોતાનાં આ રંગદર્શી પ્રકારનાં ચિત્રોને તેણે અને તેના ઇટાલિયન ચિત્રકાર મિત્ર કાર્લો કારાએ મૅટાફિઝિકલ પેઇન્ટિન્ગ્ઝ (પિત્તુરા મેતાફિસ્તાPittura Metafisca) તરીકે ઓળખાવેલાં.
1908માં કિરિકો મ્યૂનિક છોડી પહેલાં ઇટાલી અને પછી પૅરિસ ગયેલો. પૅરિસમાં તેની ઓળખાણ પિકાસો અને ઍપોલિનેરે સાથે થઈ. 1915માં કિરિકો વળી ફરી ઇટાલી ગયો અને પ્રથમ વિશ્ર્વયુદ્ધ દરમિયાન ઇટાલીના લશ્કરમાં સૈનિક તરીકે ભરતી થયો. રણમોરચે ઘવાતાં તે ફેરારા ખાતે હૉસ્પિટલમાં દાખલ થયો. હવે પછીના તેનાં ચિત્રોમાં એકલતાની અને ઘરઝુરાપાની લાગણીનું પ્રમાણ વધતું ગયું; વળી તેમાં ચિત્રિત ખંડેરોથી સર્જાતું વાતાવરણ પણ વધુ ને વધુ ભેંકાર અને ડરામણું બનતું ગયું.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી પરાવાસ્તવવાદી ચળવળને જન્મ આપનાર ફ્રેંચ કવિ આન્દ્રે બ્રેતોંએ સ્વીકારેલું કે કિરિકો પરાવાસ્તવવાદના અગ્રયાયી છે. નોંધવું જોઈએ કે કિરિકો અને કારાએ પોતાની કલાને પરાવાસ્તવવાદી કલા તરીકે ઓળખાવેલી નહિ.
1930 પછી કિરિકોની કલામાં અચાનક નવો વળાંક આવ્યો. આધુનિકતાનો ત્યાગ કરી તેણે પ્રશિષ્ટ રેનેસાં અને ગ્રેકોરોમન શૈલીમાં ચિત્રસર્જન કરવું શરૂ કર્યું. એ વખતે આ પ્રમાણે કરનારા તેઓ એકલા કલાકાર નહોતા; ઘણા કલાકારો રેનેસાંના મૂળ પ્રવાહ તરફ પાછા વળવા માંડેલા. આ કારણે અનુઆધુનિક દૃષ્ટિએ પણ કિરિકો મહત્વના કલાકાર છે, કેટલાકને મતે તેઓ અનુઆધુનિકતાના અગ્રયાયી છે.
પ્રશિષ્ટ રેનેસાંસ-પ્રવાહ તરફ પાછા વળવા છતાં કિરિકોએ પોતાના અગાઉના આધુનિક ચિત્રસર્જનને ફગાવી દીધું નહિ. તેણે ઇટાલિયન ભાષામાં આત્મકથા લખેલી, જેના અંગ્રેજી અનુવાદનું પ્રકાશન 1971માં થયેલું.
અમિતાભ મડિયા