કિયા, સાન્દ્રો (Chia, Sandro) (જ. 20 એપ્રિલ 1946, ફ્લૉરેન્સ, ઇટાલી) : અનુઆધુનિક ઇટાલિયન ચિત્રકાર. અન્ય બે ચિત્રકારો એન્ઝો કુકી (Enzo Cuchhi) અને ફ્રાન્ચેસ્કો ક્લૅમેન્તી (Francesco Clementi) સાથે તેની ગણના ઇટાલીના ત્રણ પ્રમુખ અનુઆધુનિક ચિત્રકારોમાં થાય છે, જે ‘થ્રી સી’ નામે ઓળખાય છે.
આધુનિકતાવાદની શૈલીઓ અને વાદોની ભરમાર ફગાવીને પોતે ‘ગમી તે શૈલીમાં’ અને ‘ગમે તે રીતે’ કલાસર્જન કરે છે. તેઓ શિલ્પસર્જન પણ કરે છે.
તેમનાં ચિત્રો અને શિલ્પોમાં માનવ-આકૃતિઓ બહુધા હૃષ્ટપુષ્ટ-તગડી જોવા મળે છે. દાદા અને પરાવાસ્તવવાદી ચિત્રકારો જ્યૉર્જ કિરિકો અને ઓતોને રોસાઈ(Ottone Rosai)નો પ્રભાવ કિયા ઉપર જોવા મળે છે.
અમિતાભ મડિયા