કિન્સકી, ક્લાઉસ (જ. 18 ઑક્ટોબર 1926, ઝોપોટ, પૉલેન્ડ; અ. 23 નવેમ્બર 1991, કૅલિફૉર્નિયા, યુ. એસ. એ.) : વિખ્યાત જર્મન ચલચિત્રઅભિનેતા. મૂળ નામ ક્લાઉસ ગુન્થરે નાક્ઝીન્સ્કી. પિતા ઑપેરા-ગાયક. 16 વર્ષની વયે જર્મનીના લશ્કરમાં જોડાયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ લશ્કરે તેમને યુદ્ધબંદી બનાવ્યા. યુદ્ધની સમાપ્તિ પછી રંગમંચના કલાકાર તરીકે તેમણે જર્મન અભિનેતા તરીકેની કારકિર્દી શરૂ કરી. શરૂઆતમાં તેમને કાવ્યપઠનનું કામ સોંપવામાં આવતું. પછી નાની ભૂમિકાઓ ભજવતા થયા. તેમાં સફળતા મળતાં ચલચિત્રક્ષેત્રે અભિનેતા તરીકે કારકિર્દીનો આરંભ કર્યો.

ક્લાઉસ કિન્સકી

આ અદભુત ચરિત્રઅભિનેતાએ ખલનાયકની વિશિષ્ટ ભૂમિકાઓ ભજવીને નાયકનાં પાત્રો ભજવતા અભિનેતાઓ કરતાં પણ વિશેષ બહુમાન મેળવ્યું હતું. વિશ્વવિખ્યાત ચલચિત્રનિર્માતા વેગ્નર હરઝોગનાં ચલચિત્રોમાં તેમણે કેટલીક અવિસ્મરણીય ભૂમિકાઓ ભજવી હતી. 170 જેટલાં ચલચિત્રોમાં તેમણે ભજવેલી ચરિત્રઅભિનેતાની ભૂમિકાઓમાં ‘ડૉક્ટર ઝિવાગો’ અને ‘દ લિટલ ડ્રમર ગર્લ’ જેવી વિશ્વવિખ્યાત ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. તેમની અન્ય યાદગાર ભૂમિકાઓ ‘ફૉર અ ફ્યુ ડૉલર્સ મોર’ હરઝોગનિર્મિત ‘એગુઇરે’ તથા ‘ધ રૉથ ઑવ્ ગૉડ’ ફિલ્મોમાં હતી.

પોતે નિર્મિત કરેલું ચલચિત્ર ‘પગાનિનિ’માં પણ તેમણે ભૂમિકા ભજવી હતી.

પીયૂષ વ્યાસ