કિડલૅન્ડ, ફિન (જ. 1 ડિસેમ્બર 1943, નોર્વે-) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો અને તેમને પહોંચી વળવા માટેની આર્થિક નીતિનું સ્વરૂપ. અર્થશાસ્ત્ર માટેના 2004 વર્ષના પારિતોષિક માટેની પસંદગી-સમિતિએ તેના દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશસ્તિપત્ર(citation)માં એવો અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે આ બંને અર્થશાસ્ત્રીઓએ આર્થિક નીતિના સુસંગતપણા તથા સાતત્ય અંગે જે અભિપ્રાય અને ભલામણો રજૂ કરી છે તે તથા વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો પર જે રીતે પ્રકાશ પાડ્યો છે તે આ અર્થશાસ્ત્રીઓનું તે ક્ષેત્રમાં વિશિષ્ટ અને ગણનાપાત્ર પ્રદાન છે.
કિડલૅન્ડ જ્યારે ડૉક્ટરેટની પદવી માટે અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યમાં આવેલ પિટ્સબર્ગ ખાતેના કાર્નેગી મેલૉન યુનિવર્સિટીમાં સંશોધન કરતા હતા ત્યારે નોબેલ પારિતોષિકના તેમના સહવિજેતા એડ્વર્ડ સી. પ્રેસકૉટ તેમના ડૉક્ટરેટ માટેના માર્ગદર્શક હતા. કિડલૅન્ડે 1977-82ના ગાળામાં બે સંશોધનલેખો પ્રકાશિત કર્યા હતા; જેમાંથી પ્રથમ સંશોધનલેખનું શીર્ષક હતું ‘રૂલ્સ રાધર ધૅન ડિસ્ક્રીશન : ધ ઇનકન્સિસ્ટન્સી ઑવ્ ઑપ્ટિમલ પ્લાન’. આ લેખ દ્વારા તેમણે એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે જ્યારે જ્યારે અર્થતંત્રમાં કોઈ નવીનતમ ફેરફાર દાખલ થાય છે અથવા જ્યારે અર્થતંત્રને એકાએક કોઈ અણધાર્યો ધક્કો અથવા આંચકો આપવામાં આવે છે ત્યારે ત્યારે અર્થતંત્રમાં વ્યાપારચક્રોનાં વલણો સર્જાતાં હોય છે; દા.ત., પેટ્રોલિયમ પદાર્થોની કિંમતોમાં અકલ્પિત અને નોંધપાત્ર ફેરફાર અથવા અર્થતંત્રને તહસનહસ કરી શકે તેવા રાજકીય બનાવો, જેવા કે 9/11 જેવા આતંકવાદી હુમલાઓ, જે સર્વત્ર ગભરામણ ફેલાવવાની ક્ષમતા ધરાવતા હોય છે. અર્થતંત્રને આવો આંચકો લાગે તે પૂર્વે નિયોજકોએ મૂડીરોકાણ અને નફા અંગે જે ગણતરીઓ કરી હશે અને તેને અનુલક્ષીને જે નિર્ણયો લીધા હશે તે એકાએક ખોટા સાબિત થાય છે અને તેનાથી સમગ્ર અર્થતંત્રમાં ઊથલપાથલ શરૂ થઈ જાય છે. આ ઊથલપાથલ જ્યારે ઉત્તરોત્તર તીવ્ર થવા માંડે છે ત્યારે અર્થતંત્રમાં વ્યાપારચક્રની શરૂઆત થાય છે. કિડલૅન્ડે આ તારણ રજૂ કર્યું તે પૂર્વે તે અંગેની જે. એમ. કેઇન્સ(1883-1946)ની વિચારસરણી પ્રચલિત હતી, જેનો આશય એ હતો કે વ્યાપારચક્રો માટે અસરકારક માગમાં થતા અણધાર્યા ફેરફારો જ જવાબદાર ગણાય. તેને લીધે કુલ ઉત્પાદનનું કદ અને રોજગારીની સપાટી પર માઠી અસર પડતી હોય છે જે વ્યાપારચક્રોને પ્રોત્સાહિત કરે છે.
વ્યાપારચક્રો જેવી અર્થતંત્રને તહસનહસ કરતી ઊથલપાથલને કાબૂમાં લેવા કયા પ્રકારની આર્થિક નીતિ અખત્યાર કરવી જોઈએ તે અંગે પણ કિડલૅન્ડ અને પ્રેસકૉટે પોતાનું મંતવ્ય રજૂ કરતાં જણાવ્યું છે કે જ્યારે પણ આવાં વલણો અર્થતંત્રમાં દાખલ થાય છે ત્યારે સરકારે પોતાની આર્થિક નીતિમાં છૂટાંછવાયાં કે અસંકલિત પગલાં લેવાને બદલે પ્રવર્તમાન નિયમોનું ચુસ્ત પાલન કરવાની નીતિ જ અખત્યાર કરવી જોઈએ.
1980માં કિડલૅન્ડે અમેરિકા છોડ્યું અને પોતાના દેશમાંની પોતાની માતૃસંસ્થા નૉર્વેજિયન સ્કૂલ ઑવ્ ઇકૉનોમિક્સ ઍન્ડ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં પાછા ફર્યા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે