કિંગ્સલી ડેવિસ (જ. 20 ઑગસ્ટ 1988; અ. 27 ફેબ્રુઆરી 1997) : યુ.એસ.ની યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા(બર્કલી)માં સોશિયૉલોજીના ફૉર્ડ પ્રોફેસર. તે ઇન્ટરનૅશનલ પૉપ્યુલેશન ઍન્ડ અર્બન રિસર્ચ નામની સંશોધન-સંસ્થાના અધ્યક્ષ હતા. તેમનાં બે પ્રકાશનો વિશ્વખ્યાત થયેલાં : ‘વર્લ્ડ અર્બનાઇઝેશન’ (1950-1970), વૉલ્યૂમ 1 : બેઝિક ડેટા ફૉર સિટીઝ, કન્ટ્રિઝ ઍન્ડ રીજિયન્સ, તથા વૉલ્યૂમ 2 : ઍનેલિસિસ ઑવ્ ટ્રેન્ડર્સ, રિલેશનશિપ્સ ઍન્ડ ડેવલપમેન્ટ.
આ ઉપરાંત તેમણે વધતી વસ્તીની સમસ્યા ઉપર કેટલાક મનનીય લેખો જુદાં જુદાં સામયિકોમાં લખેલા. 1971ના માર્ચમાં તેમણે સમગ્ર યુ.એસ.ની જનસંપત્તિને લગતી સમસ્યાઓ ઉપર એક પરિસંવાદ યોજ્યો હતો. તેમાં તેમણે ‘ધ નેચર ઍન્ડ પરપઝ ઑવ્ પૉપ્યુલેશન પૉલિસી’ એ વિષય પર એક સંશોધનલેખ રજૂ કર્યો હતો. આ પરિસંવાદમાં રજૂ થયેલા બધા સંશોધનલેખોનું સંકલન કરીને એક પુસ્તક પ્રગટ કર્યું હતું. તેમના બે સંપાદકોમાંના એક પ્રો. કિંગ્સલી ડેવિસ હતા. આ પુસ્તક ‘કૅલિફૉર્નિયાઝ ટ્વેન્ટી મિલિયન્સ રિસર્ચ કૉન્ટ્રિબ્યૂશન્સ ટૂ પૉપ્યુલેશન પૉલિસી’(1971)માં પ્રસિદ્ધ થયું હતું.
શાંતિભાઈ મહેતા