કાસ્તાન્યો, આન્દ્રેઆ દેલ (Castagno, Andrea Del) (જ. આશરે 1421, સાન માર્તિનો, રિપબ્લિક ઑવ્ ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 19 ઑગસ્ટ 1457, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસના પ્રારંભિક તબક્કાનો મહત્વનો ચિત્રકાર. મૂળ નામ આન્દ્રેઆ દિ બાર્તોલો દિ બાર્જિલા (Andrea De Bartolo De Bargila). કાસ્તાન્યોના આરંભિક જીવન વિશે માહિતી નથી. તેનાં આરંભિક ચિત્રોનો પણ નાશ થઈ ગયો છે. યુવાનીમાં તેણે ફ્લૉરેન્સ ખાતેના પોદેસ્તા મહેલમાં કોસિમો દ મેદિચીના દુશ્મનોને આલેખતું ભીંતચિત્ર ચીતરેલું. એ ભીંતચિત્રમાં તેણે મેદિચીના દુશ્મનોને પગની પાનીથી બંધાયેલી અવસ્થામાં ઊંધે માથે લટકતા ચીતરેલા. 1442માં તે વેનિસ ગયો અને ત્યાં સાન્તા ઝકારિયા ચર્ચમાં તેણે સહચિત્રકાર ફ્રાન્ચેસ્કો દા ફારેન્ઝા સાથે ભીંતચિત્રો ચીતર્યાં. ફ્લૉરેન્સ પાછા આવીને તેણે ચેનાચોલો દિ સાન્તાપોલિના (Cenacolo di Sant’Appolina) કૉન્વેન્ટ માટે ચાર ભીંતચિત્રો ચીતર્યાં : ‘પૅશન ઑવ્ ક્રાઇસ્ટ’માંથી ત્રણ ર્દશ્ય તથા ‘લાસ્ટ સપર’. (આ કૉન્વેન્ટ હવે ‘કાસ્તાન્યો મ્યુઝિયમ’ તરીકે ઓળખાય છે.) આ ભીંતચિત્રોમાં મસાચિયો(Masaccio)ના પ્રભાવ હેઠળ અત્યંત વૈજ્ઞાનિક ઢબે પરિપ્રેક્ષ્યનું નિરૂપણ થયેલું જોવા મળે છે.
એ પછી સાન્તા એજિદિયો (Egidio) ચર્ચમાં અગાઉ ચિત્રકાર ડોમેનિકો વેનેત્ઝિયાનો(Veneziano)એ ચીતરવાં શરૂ કરી અધૂરાં મૂકેલાં ભીંતચિત્રો કાસ્તાન્યોએ પૂર્ણ કર્યાં. તેમાંથી ચિત્ર ‘સેંટ જુલિયન’ શ્રેષ્ઠ ગણાયું છે. ત્યારબાદ વિલા કાર્દુચી પાન્દાલ્ફિનીમાં કાસ્તાન્યોએ ‘ફેમસ મૅન ઍન્ડ વિમેન’ નામે લાંબી ચિત્રશ્રેણી ચીતરી. તેમાં પૂર્ણ કદ કરતાં પણ મોટા કદની માનવ-આકૃતિઓ વડે તેણે તત્કાલીન જાણીતી વ્યક્તિઓનું નિરૂપણ કર્યું. અહીં ચિત્રિત વ્યક્તિઓની શારીરિક હલચલ ઉપરાંત મૌખિક હાવભાવ પણ અત્યંત જીવંત જણાય છે. વળી શારીરિક અંગભંગિઓ પણ નાટ્યાત્મક ચીતરી હોવાને કારણે બધાં જ ચિત્રો ખૂબ સ્વાભાવિક જણાય છે. જીવનના અંતિમ તબક્કામાં તેણે વીર નાયક ડૅવિડ તેમજ નિકોલો દા તોલેન્તિનોનાં વ્યક્તિચિત્રો ચીતર્યાં. અનુગામી ચિત્રકાર દોનાતો દોનાતેલો ઉપરાંત ફ્લૉરેન્સ અને પાદુઆની ત્રણ પેઢીના ચિત્રકારો પર કાસ્તાન્યો પ્રભાવ મૂકી ગયો.
અમિતાભ મડિયા