કાષ્ઠ (wood)
સપુષ્પ, ઉચ્ચવર્ગીય વનસ્પતિઓની છાલની નીચે આવેલ કઠણ અને રેસાયુક્ત પદાર્થ. તે કઠણ થયેલ કોષોમાંથી બને છે. રાસાયણિક બંધારણની ર્દષ્ટિએ કાષ્ઠ એ ‘સેલ્યુલોઝ’, ‘હેમિસેલ્યુલોઝ’ અને કાષ્ઠદ્રવ્ય (lignin) જેવા કાર્બનિક બહુલકો(polymers)નું મિશ્રણ છે.
કાષ્ઠનાં બે મુખ્ય કાર્યો : રોપ એટલે કે વૃક્ષને ટેકો આપવાનું અને મૂળ દ્વારા સ્વીકારેલા પાણી અને ઓગળેલા ક્ષારો તથા ખનિજતત્વોને પાંદડાં સુધી વહન કરવાનું. કાષ્ઠના ઘણાખરા કોષો મૃત હોય છે. માત્ર મોસમ દરમિયાન વિકસ્યા હોય તેવા તાજા કોષો એટલે કે મૂળ રસવાહકો (primary xylem) જીવંત હોય છે. એક વાર મૂળ રસવાહક કોષમાં કાષ્ઠદ્રવ્યનો ઉમેરો થતાં તે કઠણ બને છે. તેને દ્વિતીયક દારુક (secondary xylem) કે દ્વિતીયક કાષ્ઠતંતુ તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ વૃક્ષનો ઘેરાવો વધતો જાય છે, તેમ તેમ નિર્જીવ કોષોનું પ્રમાણ વધતું જાય છે.
માનવપ્રગતિમાં કાષ્ઠે ઘણો અગત્યનો ભાગ ભજવ્યો છે અને માનવના મૂળભૂત ઉદ્યોગો માટે તે અનિવાર્ય તથા અત્યંત અગત્યનું અંગ બની રહેલ છે. ભારતમાં 15,000થી પણ વધારે જાતોની સપુષ્પ વનસ્પતિ હોવા છતાં, તેમાંથી માત્ર 1,600 જેટલી જ જાતો ઇમારતી અને વ્યાપારની ર્દષ્ટિએ ઉપયોગી કાષ્ઠ આપે છે.
કાષ્ઠના પ્રકારો : કાષ્ઠના બે પ્રકારો છે – છિદ્રાળુ (porous) અને અછિદ્રાળુ (non-porous). કાષ્ઠના જીવંત કોષો એક ઉપર એક એમ ક્રમમાં ગોઠવાયેલા હોય ત્યારે કોષોના સમૂહો સળંગ નલિકાનું સ્વરૂપ ધારણ કરી વૃક્ષની લંબ અક્ષ(vertical axis)ની દિશામાં વિકસીને તે મૂળ વાટે જમીનમાંથી દ્રાવ્ય પદાર્થોને શોષીને પાંદડાં સુધી પહોંચાડવામાં મદદરૂપ બને છે. આવી નલિકાઓ આકારે ગોળ અથવા તો ઉપવલયી (elliptic) હોય છે. આ નલિકાઓ આડા છેદમાં છિદ્રસ્વરૂપે દેખાય છે.
આડા છેદમાં છિદ્રના સમૂહોવાળી નલિકાઓ ધરાવતા કાષ્ઠને છિદ્રાળુ કાષ્ઠ કહે છે. કાષ્ઠમાં જો આ દારુક(xylem)વાહિનીઓ છિદ્રસ્વરૂપે ન દેખાતી હોય તો તેવા કાષ્ઠને અછિદ્રાળુ કહે છે. સામાન્ય રીતે પૃથુપર્ણી (broad-leaved) એટલે કે પહોળાં પાંદડાં ધરાવતાં વૃક્ષોનાં કાષ્ઠ છિદ્રાળુ હોય છે. સાગ, સીસમ, બાવળ, સાદડ, આંબો અને શીમળો જેવાં વૃક્ષો છિદ્રાળુ પ્રકારનાં છે, જ્યારે દેવદાર, ચીલ, સ્પ્રુસ, ફર અને શંકુદ્રુમ જાતો (coniferous species) અછિદ્રાળુ હોય છે. છિદ્રાળુ કાષ્ઠ કઠણ કાષ્ઠ (hard wood) તરીકે અને અછિદ્રાળુ કાષ્ઠ મૃદુ કાષ્ઠ (soft wood) તરીકે ઓળખાય છે. અલબત્ત, આ વિભાજન કાષ્ઠની ભૌતિક કઠિનતા પર આધારિત નથી. ઠંડા પ્રદેશમાં વસંતઋતુની શરૂઆતથી વનસ્પતિની વૃદ્ધિની શરૂઆત થાય છે. આ સમયે આ વૃક્ષો એધા (cambium), નવી દારુકવાહિનીઓ તથા પોષવાહ(phloem)નું ઉત્પાદન કરે છે. પરિણામે આ નવા વાર્ષિક ઉગાવાથી કાષ્ઠમાં એક નવું વિકાસકુંડલ (growth ring) રચાય છે. છિદ્રાળુ કાષ્ઠ બે પ્રકારનાં હોય છે : કુંડલાકૃતિ છિદ્રાળુ (ring-porous) અને વિસ્તારિત છિદ્રાળુ (diffused porous). મોસમની શરૂઆત પછીના સમયગાળા દરમિયાન જો છિદ્રો સ્પષ્ટપણે નજરે પડે તો આવા કાષ્ઠના આડા છેદોમાં કુંડલાકૃતિ સ્પષ્ટ દેખાય છે. આ કાષ્ઠને કુંડલાકૃતિ છિદ્રાળુ કહેવામાં આવે છે. દા.ત., સાગ, શેતૂર, તૂન વગેરે. જો આવાં છિદ્રો સ્પષ્ટપણે ન દેખાતાં વિસ્તારિત થઈ ગયાં હોય તો તે વિસ્તારિત છિદ્રાળુ કાષ્ઠ તરીકે ઓળખાય છે; જેવાં કે સાલ, હળદરવો, કમળ વગેરે.
કાષ્ઠ વયમાપન : વિકાસકુંડલ સ્પષ્ટ રીતે દેખાતાં હોય તેવાં વૃક્ષોના કાષ્ઠના આડા છેદમાં દેખાતાં વિકાસકુંડલની સંખ્યા ગણીને વૃક્ષની ઉંમરનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકાય છે. આવાં કુંડલોની પહોળાઈમાં તેમજ આકારમાં જોવા મળતા ફેરફારો પરથી ભૂતકાળનાં જે તે વર્ષો દરમિયાન તે વૃક્ષને સામનો કરવો પડ્યો હોય તેવાં દુષ્કાળ, આગ-તાંડવ વગેરે બનાવો અંગે પણ સારો એવો ખ્યાલ મેળવી શકાય છે. કુંડલાકૃતિ છિદ્રાળુ ન હોય તેવું કાષ્ઠ ધરાવતા વૃક્ષની ઉંમર જાણવાની રીત સહેજ જુદી હોય છે.
વૃક્ષની છાલની નજદીકનો ભાગ રસવાહિની રૂપે આવેલા જીવંત કોષો દ્રાવ્ય પદાર્થોને મૂળમાંથી પાંદડાં સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ ભાગને રસકાષ્ઠ (sap-wood) કહે છે. રસકાષ્ઠ પ્રમાણમાં પોચું અને આછા રંગનું હોય છે. સમય જતાં છાલથી દૂર આવેલી નલિકાઓ ટૅનિન, રાળ અને રંગ જેવાં ચયાપચયી ઉત્સર્ગદ્રવ્યો વડે પુરાઈ જતાં કાષ્ઠનો અંદરનો ભાગ કઠણ અને ઘેરા રંગનો બને છે. આ ભાગ અંત:કાષ્ઠ (heart-wood) તરીકે ઓળખાય છે. નલિકાઓ પુરાઈ જતાં તે જળવહન કે રસકસવહન કરી શકતી નથી. પરંતુ તે વૃક્ષને ટેકો આપવામાં ઉપયોગી નીવડે છે. રસકાષ્ઠના પ્રમાણમાં અંત:કાષ્ઠ વધારે મજબૂત અને સારું હોય છે. તેનો રંગ પણ રસકાષ્ઠના રંગના પ્રમાણમાં વધારે ઘેરો હોય છે. કાષ્ઠના આ ભાગમાં ટૅનિન જેવા પદાર્થો જમા થતા હોવાથી આ ભાગ સડાનો સામનો સારી રીતે કરી શકે છે.
કાષ્ઠના ગુણધર્મો : કાષ્ઠ એક અદભુત કુદરતી સર્જન છે. તેના મુખ્ય ગુણધર્મોમાં છિદ્રાળુપણું, હલકાપણું, જુદાં જુદાં સ્વરૂપમાં રૂપાંતર પામવાની સરળતા, ખીલી તેમજ પેચ ઝીલવાની – ટકાવવાની શક્તિ, ગરમી, ધ્વનિ અને વિદ્યુત-મંદવાહકતા, રંગધારણશક્તિ, રસાયણશોષકતા અને ગુંદરથી ચોંટાડવાની સરળતાનો સમાવેશ થાય છે. કાષ્ઠમાં પ્રત્યાસ્થતા (resilience) નોંધપાત્ર માત્રામાં છે અને તે ધક્કા તથા ઝટકા પ્રત્યે અવરોધક (shock resistant) પણ છે. બીજી તરફ વત્તાઓછા ફૂલવાનું, સંકોચન, મરડાટ (twist), આવલન (warp), દહનશીલતા (cumbustibility) તેમજ સડવાની પ્રક્રિયા સામેની વિવશતા (vulnerability to decay) જેવી કેટલીક ત્રુટિઓ પણ તેમાં રહેલી છે.
કાષ્ઠમાંના કોષોના એકંદર સંરેખણ(alignment)ને કાષ્ઠરેખા (wood grain) કહે છે. તેનું ગઠન (texture) કોષોના કદ પર અવલંબે છે. કાષ્ઠરેખા સીધી, આડી, સર્પિલ (spiral), અંતર્ગ્રથિત (interlocked), તરંગમય અને અનિયમિત એમ વિવિધ પ્રકારની હોય છે. કાષ્ઠરેખાની લાક્ષણિકતા અમુક અંશે આનુવંશિક હોય છે, જેવી કે ચીરપાઇનની સર્પિલ કાષ્ઠરેખા. કેટલીક લાક્ષણિકતાઓ વૃક્ષ જે સ્થળે ઊગતું હોય તે સ્થળની લાક્ષણિકતા પર અવલંબિત હોય છે. કાષ્ઠની વિવિધ ખાસિયતો કાષ્ઠની ઓળખ માટે ઉપયોગી બને છે અને તે કાષ્ઠને કયા પ્રકારનાં સાધન-બનાવટ માટે વાપરવું હિતાવહ ગણાય તે સૂચવે છે. વળી કાષ્ઠની તાકાત, સંશોષણ-પ્રક્રિયા (seasoning) સમયનું તેનું વર્તન અને ઇતર ગુણધર્મો કાષ્ઠરેખાના વર્તન પર સારી એવી અસર પાડે છે.
કાષ્ઠગઠનના પ્રકાર : કાષ્ઠના ગઠનના બે પ્રકાર હોય છે – ખરબચડું (coarse) અને લીસું (fine). વળી કાષ્ઠમાંની નલિકાઓની ગોઠવણ પ્રમાણે કાષ્ઠને સમગઠનવાળા (even textured) અથવા વિષમ-ગઠનવાળા (uneven textured) કાષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉષ્ણ કટિબંધમાંની ઘણીખરી જાતોમાં કાષ્ઠનું ગઠન સમપ્રકારનું હોય છે. જોકે શેતૂર, સાગ, ચીલપાઇન વગેરે જાતોમાં કાષ્ઠમાં એક જ મોસમના ઉગાવામાં પણ ક્યાંક ક્યાંક નલિકા-ગોઠવણીમાં ભિન્નતાને લીધે વિષમ-ગઠન જોવા મળે છે. નલિકાઓ પહોળી હોય ત્યાં કાષ્ઠગઠન સ્થૂળ હોય છે; દા.ત., આંબો, સરસડો, શીમળો વગેરે. હળદરવો, કમળ, ચંદન વગેરે જાતોમાં નલિકાઓ પ્રમાણમાં સૂક્ષ્મ હોવાથી વૃક્ષનું કાષ્ઠ પણ સૂક્ષ્મ ગઠનવાળું હોય છે અને તેથી તેવી જાતો રમકડાં-ઉદ્યોગ, ગણિતનાં સાધનો, સંઘાડિયા-ઉદ્યોગ વગેરે માટે ઘણી ઉપયોગી બની રહે છે.
કાષ્ઠમાં ભેજનું પ્રમાણ અને ઘનતા : કાષ્ઠ છિદ્રાળુ પદાર્થ હોવાથી તે આસપાસના વાતાવરણ પર નિર્ભર હોય છે. ભેજનું પ્રમાણ ઓછુંવત્તું થાય છે. લીલાં કાષ્ઠ-તાજાં કપાયેલ કાષ્ઠ-માં કોષદીવાલો ઉપરાંત કોષોની વચ્ચે એટલે કે કોષ-પોલાણ(cell cavity)માં પણ જળ હોય છે. કોષ-પોલાણમાંનું જળ મુક્ત જળ હોય છે અને તેને 100 %થી થોડી ઓછી સાપેક્ષ આર્દ્રતા(relative humidity)માં મૂકી દૂર કરી શકાય છે. અલબત્ત, આ પ્રક્રિયા પણ કાષ્ઠના ટુકડાના કદ પર નિર્ભર હોય છે. અમુક અંશે કાષ્ઠનું જળ સંલગ્ન (bound) હોય છે, એટલે કે કાષ્ઠ અંશત: આર્દ્રતાગ્રાહી (hygroscopic) પણ હોય છે અને તે કાષ્ઠમાં જ રહે છે. જોકે કાષ્ઠને 100 %થી ઓછી આર્દ્રતામાં મૂકવાથી કાષ્ઠ નિર્જલીય બને છે. કાષ્ઠમાં રેસા-સંપૃક્ત બિન્દુ(fibre saturation point)એ કોષદીવાલોના રેસા વડે દાખલ થયેલું જળ લગભગ 28 %ની આસપાસ હોય છે. કાષ્ઠમાં રહેતા જળનું પ્રમાણ, તેની અંદર આવેલા જૈવિક પદાર્થો તથા ખનિજ અને બિનખનિજ પદાર્થોને લીધે તેના વજનમાં સારું એવું વૈવિધ્ય જોવા મળે છે. કાષ્ઠના વજનમાં, લીલા કાષ્ઠનું વજન (freshly cut wood weight), હવામાં સુકાયેલા કાષ્ઠનું વજન (air dry weight) અને ભઠ્ઠીમાં સુકાયેલા કાષ્ઠનું વજન (oven dry weight) ગણતરીમાં લેવામાં આવે છે. આ માટે માનક તરીકે 5 ´ 5 ચોસેમી.ના 2.5 સેમી. જાડા કાષ્ઠ-ટુકડાને તોળવામાં આવે છે. આવા કાષ્ઠ-ટુકડાને વજન એકસરખું રહે ત્યાં સુધી 101o સે.થી 103o સે. સુધી ગરમ કરતાં તેનું જે વજન નોંધવામાં આવે છે, તેને ભઠ્ઠી-સૂકા (oven dry) વજન તરીકે ગણવામાં આવે છે.
કાષ્ઠના સંલગ્ન જળ(bound water)માં વધારો થતાં તે ફૂલે છે, જ્યારે તેમાં ઘટાડો થતાં તેનું કદ સંકોચાય છે, એટલે કે રેસા-સંપૃક્ત બિન્દુએથી ભઠ્ઠી-શુષ્ક પરિસ્થિતિમાં કાષ્ઠનું રૂપાંતર થતાં તેના કદમાં ઘટાડો થાય છે. આ ઘટાડો એટલે કે કાષ્ઠનું સંકોચન કાષ્ઠના ઢીમચા(log)ની સ્પર્શીય દિશા(tangential direction)માં વધુમાં વધુ 4 %થી 14 % જેટલો હોય છે, જ્યારે ત્રિજ્ય દિશા(radial direction)માં તેથી અર્ધો એટલે કે 2 %થી 8 % જેટલો અને રેસાની દિશામાં નહિવત્ એટલે કે 0.1 %થી 0.2 % જેટલો હોય છે.
કાષ્ઠના એકમ ઘનફળદીઠ વજનમાં એટલે કે ઘનતામાં સારો એવો તફાવત જોવા મળે છે. બાલસા અને સૂજીક્રીપ્ટોમેરિયા જેવી જાતનાં કાષ્ઠ વજનમાં ઘણાં હલકાં હોય છે. 12 % ભેજવાળી પરિસ્થિતિમાં આ જાતના કાષ્ઠનું ઘનમીટરદીઠ વજન 300 કિગ્રા. કરતાં પણ ઓછું હોય છે. આવા હલકા વજનને લીધે, આ જાતોનો ઉપયોગ હવાઈ જહાજ તથા વિસર્પિલ યાન (glider) બનાવવામાં થાય છે. અખરોટ, સાલેડી (સલાઈ) વગેરે કાષ્ઠની જાતો મધ્યમ વજન ધરાવે છે અને 12 % ભેજવાળી પરિસ્થિતિમાં તેમનું વજન પ્રતિ ઘનમીટરે 450થી 600 કિલોગ્રામ હોય છે. ભારે વજનદાર તરીકે બાવળ, ધાનડો, બીલી વગેરેના કાષ્ઠનું વજન પ્રતિ ઘનમીટરે 801થી 950 કિગ્રા. હોય છે. અતિ ભારે કાષ્ઠમાં રાયણ, ટીંબરવો, ઓક વગેરેનો સમાવેશ થાય છે. 12 % ભેજવાળી પરિસ્થિતિમાં આ જાતનાં કાષ્ઠોનું વજન પ્રતિ ઘનમીટરે 950 કિગ્રા.થી પણ વધારે હોય છે.
કાષ્ઠની ઊર્જાક્ષમતા : કાષ્ઠના કકડા કરી તેને બાળવામાં આવે તો પર્યાવરણના ઑક્સિજનને લીધે સળગીને સારા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરે છે. આ રીતે કાષ્ઠમાંથી મળતી ઊર્જા વૃક્ષની જાત પર અવલંબે છે. સામાન્ય રીતે વિશેષ ઘનતા ધરાવતું કાષ્ઠ વધારે ગરમી પેદા કરે છે અને તેનો અંગારો લાંબા સમય સુધી ટકે છે. સરગવો, અરીઠો, શીમળો, ગુલમહોર, અરડૂસો, સંદેસરો વગેરે પોચી જાતનાં કાષ્ઠ તરત બળી જાય છે. ધવ, બાવળ, દેવદાર, ઓક, ખેર વગેરે જાતો ધીમે ધીમે બળે છે અને તેનો કોલસો પણ લાંબો સમય બળતો રહી સતત ગરમી આપે છે. કાષ્ઠની જાત પ્રમાણે તેમાંથી ઉત્પન્ન થતી ઊર્જાની માત્રામાં ઠીકઠીક તફાવત જોવા મળે છે, જે સારણી 1 પરથી સ્પષ્ટ થશે.
આમ જુદી જુદી જાતના કાષ્ઠની ઊર્જાશક્તિમાં તફાવત હોય છે. વળી કાષ્ઠ બળે ત્યારે તેમાંથી નીકળતા તણખા, પેદા થતી રાખની માત્રા, બળતી વખતે ઉત્પન્ન થતા ધુમાડાનું પ્રમાણ અને વાસની તીવ્રતામાં પણ સારું એવું વૈવિધ્ય રહેલું છે. આ વૈવિધ્યને કારણે અમુક જાતના કાષ્ઠને રાંધવા માટે ઘરગથ્થુ બળતણ તરીકે વાપરવામાં આવે છે; બાવળ, સરુ, ઓક, આંબલી વગેરે જાતો રસોડામાં બળતણ તરીકે વધારે પ્રચલિત છે.
સારણી 1
ક્રમાંક | પદાર્થ | ઉષ્માયમાન
(calorific value) |
1. | ખનિજ કોલસો | 7875 |
2. | લિગ્નાઇટ | 4000 |
3. | પરાળ | 3336 |
4. | શેરડી કૂચા (40 % ભેજયુક્ત) | 4326 |
ક્રમાંક | કાષ્ઠની જાત | ઉષ્માયમાન
(calorific value) |
5 | દેવદાર | 5294 |
6 | બાવળ | 4870 |
7 | સરુ | 4950 |
8 | આંબલી | 4939 |
કઠણતા (hardness), ટકાઉપણું (durability), બરડતા (brittleness), ચિરાણશક્તિ (cleavage) જેવા ગુણધર્મો કાષ્ઠની જાત પર અવલંબે છે. આમ છતાં, અમુક કિસ્સામાં મોટી ઉંમરનાં વૃક્ષનાં કાષ્ઠ હોય (ખાસ કરીને શંકુદ્રુમ જાતોમાં) તો તેની ઘનતા અને મજબૂતાઈ વધે છે. તે જ પ્રમાણે એકસરખાં પર્યાવરણ અને માવજત હેઠળ ઊગતાં વૃક્ષનું કાષ્ઠ પ્રમાણમાં વિશેષ ઘનતાવાળું અને દોષરહિત હોય છે.
કરવત અથવા તો કુહાડા પરત્વે રેસાની લંબદિશા(across the grain)માં થતી પ્રતિકારશક્તિ પરથી કાષ્ઠની કઠણતાને જાણી શકાય છે. કાષ્ઠનું વજન, તેના પર કરવામાં આવેલી સંશોષણપ્રક્રિયાના પ્રમાણ અને કાષ્ઠતત્વોના બંધારણ પર કઠણતાનો આધાર રહેલો છે. લોહકાષ્ઠ (iron wood), કુસુમ, સરસડો, સાલ વગેરે જાતોનાં કાષ્ઠ ઘણાં કઠણ ગણાય છે. આ જાતોનાં સૂકાં કાષ્ઠ વહેરતાં યા છોલતાં ઓજારો પણ બુઠ્ઠાં થઈ જાય છે. દેવદાર, સાગ, આંબો, શીમળો, સીવન વગેરેનાં કાષ્ઠ સરળ ગણાય છે. શીમળો, પંગારો, ફડાયો વગેરેનાં કાષ્ઠ એવાં પોચાં હોય છે કે તેના પર નખથી પણ નિશાન કરી શકાય ! સાદડ, સરસડા વગેરે જાતનાં કાષ્ઠને વહેરતી વખતે વહેરનારને છીંકો આવે છે; જે તેમાં રહેલાં તત્વોને આભારી છે. સડો, કીટક, રસાયણો, ફૂગ અને દરિયાઈ જીવોનો સામનો કરીને કાષ્ઠ કેટલું ટકી શકે છે તેના પરથી કાષ્ઠની ટકાઉ શક્તિ આંકી શકાય છે.
કોષોની ગોઠવણી અને વૃક્ષની જાત પર કાષ્ઠરેખા આધારિત હોય છે. સારી કાષ્ઠરેખાવાળું કાષ્ઠ સુશોભન (decorative wood art) માટે ઘણું આવકારલાયક રહે છે. કાષ્ઠને આડો (cross), ઊભો (longitudinal) કે ત્રાંસો છેદ (slant cut) અપાયો છે કે ત્રિજ્ય (radial) અથવા સ્પર્શીય (tangential) કપાયો છે, તે ઉપર સપાટીનો દેખાવ અવલંબે છે. ઢીમચાને જુદી જુદી દિશામાં કાપવાથી જુદી જુદી રેખાકૃતિઓ (figures) જોવા મળે છે અને તેને કાચકાગળ (sand paper) ઘસીને ચળકાટ આપતાં અથવા રસાયણ યા મીણ વડે ચમકાવતાં બહુ જ આકર્ષક સપાટીવાળા નમૂના જોવા મળે છે. ત્રિજ્ય કાપ (radial cut) વડે તૈયાર કરાયેલ નમૂના વધારે આકર્ષક અને કીમતી હોય છે. અખરોટ, લીમડો, ઍશ, મેપલ વગેરેના થડમાં થયેલા કોઈ ઘાવને લીધે ઘાવના આગળના ભાગમાં આવેલા કોષો ગંઠાઈને મોટાં ઢીમણાં જેવા આકાર ઊપસી આવતા હોય છે. આવાં ગઠનને ઢીમણાં (burring) તરીકે ઓળખવામાં આવે છે. આવા ગઠનના પરિણામે વિવિધ પ્રકારની આકૃતિઓ રચાય છે, જેને જુદી જુદી રીતે ગોઠવીને વિશેષ આકર્ષક વસ્તુઓ તૈયાર કરી શકાય છે. રાચરચીલાં, રમકડાં વગેરે તેમજ પરત કાષ્ઠ (ply wood) ઉદ્યોગમાં આવાં કાષ્ઠની ઘણી માગ હોય છે.
કાષ્ઠની જાત, રેસાની દિશા અને બળની દિશાને અધીન તેની મજબૂતાઈમાં ઘણો તફાવત જોવા મળે છે. તે જ પ્રમાણે કાષ્ઠની ધક્કા ઝીલવાની શક્તિમાં પણ તેની જાત પ્રમાણે સારો એવો તફાવત જોવા મળે છે. રેસાની દિશામાં તે સૌથી વધારે મજબૂત હોય છે, પરંતુ રેસાની લંબ દિશામાં તે ઓછું મજબૂત હોય છે. કાષ્ઠનો રેસાની સમાંતર દિશામાં પ્રતિબળ (stress) સામેનો અવરોધ (resistance) તેટલા જ વજનના પોલાદ સાથે સરખાવી શકાય; જ્યારે રેસાની લંબ દિશામાં કાષ્ઠનો તણાવ (tension) ઝીલવાની શક્તિ, તેટલા જ વજનના પોલાદના કરતાં ચાલીસગણી વધારે હોય છે. એ જ પ્રમાણે કાષ્ઠમાં રેસાની સંપીડન શક્તિ (compression) તેટલા વજનના પોલાદના દબાણ કરતાં ત્રણથી ચારગણી વધારે હોય છે. તેથી કાષ્ઠ મધ્યમ લંબાઈના થાંભલા (column) અથવા પાટડા (beam) તરીકે સારી કામગીરી બજાવે છે. મૂળ આકાર ધારણ કરવાની કાષ્ઠની પ્રક્રિયામાં પણ કાષ્ઠની જાત પ્રમાણે ઘણું વૈવિધ્ય જોવા મળે છે. તે જ પ્રમાણે કાષ્ઠની દબાણ-પ્રતિકારશક્તિમાં પણ કાષ્ઠની વિશિષ્ટ જાતની વિવિધતા જોવા મળે છે. સારણી 2માં સાગ ઉપરાંત બીજી અગત્યની દસેક જાતનાં કાષ્ઠની વિવિધ પ્રકારની ગુણવત્તાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અહીં સાગને માનક (standard) ગણી તેની સરખામણીમાં જે તે ગુણવત્તા માટેની ચકાસણી પરથી નોંધાયેલ પ્રમાણ જે તે જાતના કાષ્ઠની ઉપયોગિતા અંગે પ્રકાશ પાડે છે.
કાષ્ઠના વિવિધ ઉપયોગો : કાષ્ઠના ઉપયોગો અગણિત છે. હવાઈ જહાજ, વિસર્પિલ યાન (glider), ખેતીનાં ઓજારો, ઓજારોના હાથા, વીજસંગ્રાહક કોષમાં પૃથક્કારક (separator), વહાણ અને હોડી, કાગળનો માવો, રેયૉન, કાપડ-ઉદ્યોગને જરૂરી બૉબિન તથા શટલનું નિર્માણ, રેલના સલેપાટ, બંદરના ધક્કા, દીવાસળી તથા દીવાસળી-પેટી, ગણિતનાં સાધનો, ખાણખનિજ ઉદ્યોગમાં ટેકા, મકાન-બાંધકામમાં પાલખ-ટેકા, માલ ભરવાની પેટીઓ, સીસાપેન, છબી મઢવા માટે, બંદૂકના કુંદા, રમતગમતનાં સાધનો, સંગીતનાં સાધનો, રાચરચીલું અને વીજપ્રવાહવહન જેવા અસંખ્ય ઉપયોગ માટે તે વપરાય છે. કાષ્ઠની માનવજીવનમાંની ઉપયોગિતા લક્ષમાં લેતાં તે ‘પારણાથી તે પરલોક’ સુધી ઉપયોગી હોવાનું કહ્યું છે તે યથાર્થ છે. આજના જમાનામાં પર્યાવરણ-સંરક્ષણની ર્દષ્ટિએ વૃક્ષનું રક્ષણ કરવું વિશેષ અગત્યનું બન્યું છે ત્યારે હવે કાષ્ઠના શક્ય તે પર્યાય શોધીને વૃક્ષો બચાવવાની અગત્ય જણાવા લાગી છે. પરિણામે, રેલ-સલેપાટમાં લોખંડ, સિમેંટ-કૉન્ક્રીટ, રમકડાં વગેરેમાં પ્લાસ્ટિક, ઇમારતોમાં સંશ્લેષિત કાષ્ઠ (synthesized wood), રાચરચીલા માટે પ્લાસ્ટિક, ધાતુ વગેરેનો ઉપયોગ ધીરે ધીરે વધવા લાગ્યો છે.
કાષ્ઠ–ઓપ–પ્રક્રિયા (wood finishing) : કાષ્ઠસપાટી ઉપર તેને ભૌતિક અને / અથવા રાસાયણિક અસર સામે રક્ષણ પૂરું પાડવા તેમજ કાષ્ઠની પ્રાકૃતિક સુંદરતા વધારવા માટે કરાતી પ્રક્રિયાને કાષ્ઠ-ઓપ-પ્રક્રિયા કહે છે. પ્રક્રિયા વગરનું કાષ્ઠ વાતાવરણમાંના ભેજ તેમજ તાપમાનની વધઘટવાળી આબોહવામાં પરિમાણની ર્દષ્ટિએ અસ્થિર (dimensionally unstable) હોય છે અને તે સહેલાઈથી બગડી જાય છે. ઓપ-પ્રક્રિયાનો સંરક્ષક સ્તર કાષ્ઠમાં ભેજની અવરજવરનો દર ઘટાડે છે. વળી તે કાષ્ઠના ચળકાટ, રંગ તથા રેસાની ભાતના નૈસર્ગિક સૌંદર્યને જાળવી રાખે છે. ઉપરાંત તેને સહેલાઈથી સાફ કરી શકાય છે. કાષ્ઠ પર થતી બાહ્ય પ્રક્રિયામાં રંગ, વાર્નિશ અને પૉલિશ ઉપયોગી બને છે, જ્યારે આંતરિક પ્રક્રિયા માટે વિવિધ રસાયણોને ઉપયોગમાં લેવામાં આવે છે.
સારણી 2 : સાગના ગુણાંકને 100 ગણી તેની સરખામણીમાં કાષ્ઠની અન્ય જાતોમાં રહેલ તુલનાત્મક ગુણાંક
કાષ્ઠની જાત
1 |
ગુણાંક વજન
2 |
બીમ તરીકે
તાકાત
3 |
થાંભલા (post)
તરીકે યોગ્યતા
4 |
ધક્કા પ્રતિકારક
શક્તિ (shock resistant) 5 |
આકાર ધારક
શક્તિ (shape retention) 6 |
કઠણતા
(hardness)
7 |
સાગ | 100 | 100 | 100 | 100 | 100 | 100 |
દેશી બાવળ | 115 | 90 | 80 | 135 | 80 | 145 |
લીમડો | 120 | 85 | 80 | 115 | 70 | 140 |
આંબો | 95 | 75 | 85 | 110 | 65 | 90 |
મહુડો | 115 | 95 | 90 | 105 | 60 | 130 |
સરુ | 115 | 85 | 85 | 135 | 50 | 125 |
સેમળો | 55 | 45 | 45 | 55 | 90 | 35 |
દેવદાર | 80 | 80 | 85 | 60 | 85 | 70 |
સીવન | 75 | 55 | 55 | 65 | 85 | 70 |
હળદરવો | 95 | 75 | 80 | 80 | 80 | 100 |
નોંધ : ઉક્ત ગુણમાં
સૌથી વધારે ગુણાંક દર્શાવતી જાત ગુણાંક સાથે |
હોપિયા
વૉઇટિયાના
160 |
લોહકાષ્ઠ
(Mesua-Ferra)
145 |
ચંપો
(Michelia champoka) 150 |
ચંપો
(Michelia champoka) 160 |
પડોક
(Pterocar pys SP.) 100 |
હોપિયા
વૉઇટિયાના
225 |
કાષ્ઠ–જાળવણી (wood-preservation) : બિનટકાઉ કાષ્ઠની જિંદગી લંબાવવા માટે અમુક પ્રક્રિયાઓ અગત્યની હોય છે. રસકાષ્ઠ બિનટકાઉ હોય છે, જ્યારે સામાન્યપણે અંત:કાષ્ઠ ટકાઉ હોય છે. યોગ્ય રાસાયણિક પ્રક્રિયા દ્વારા કાષ્ઠના ટકાઉપણામાં પાંચથી દસગણો વધારો કરી શકાય છે. જ્યારે તેની આગ સામેની પ્રતિકારક શક્તિમાં બેથી ત્રણગણો વધારો કરી શકાય છે. સાગ, દેવદાર અને સાલનું અંત:કાષ્ઠ કુદરતી રીતે જ ટકાઉ હોય છે. જોકે ઘણીખરી જાતોનાં કાષ્ઠ માટે સંરક્ષક-જાળવણીપ્રક્રિયા ઘણી અગત્યની હોય છે. ખાસ કરીને અરક્ષિત એટલે કે ખુલ્લા વાતાવરણમાં કાષ્ઠને ઉપયોગમાં લેવાનું હોય ત્યારે સંરક્ષક-જાળવણી અનિવાર્ય બને છે. સલેપાટ, વીજળીના થાંભલા, વાડના થાંભલા, ઇમારતી કાષ્ઠ, સામાન મૂકવાની પેટી, રાચરચીલું વગેરેને જાળવણી-પ્રક્રિયા દ્વારા વધારે ટકાઉ બનાવવામાં આવે છે. કાષ્ઠની જાળવણીની પ્રક્રિયામાં વપરાતાં રસાયણો ફૂગ, કીટકો અને કાષ્ઠને કોરી ખાતાં દરિયાઈ જીવજંતુઓ સામે રક્ષણ આપે છે. વળી આવી જાળવણીને લીધે કાષ્ઠ પર બાષ્પીભવન, વિપરીત રાસાયણિક પ્રક્રિયા અને ધોવાણ જેવી પ્રક્રિયાની અસર થતી નથી. ક્રોઓસોટ (ડામરની બનાવટો), જસત, આર્સેનિક, તાંબાના ક્ષારો, ટંકણખાર, ક્રોમિયમના ક્ષારો, ઝિંક ક્લોરાઇડ, કૉપર સલ્ફેટ, આર્સેનિક ટ્રાયૉક્સાઇડ, આર્સેનિક પેન્ટૉક્સાઇડ, સોડિયમ પેન્ટાક્લોરોફિનેટ, આર્સેનિક કૉપરક્રોમેટ, ક્રોમેટેડ ઝિંક ક્લોરાઇડ, પેન્ટાક્લોરોફીનૉલ, ડાઇએલ્ડ્રીન, બી.એચ.સી., ડીડીટી વગેરે રસાયણો સામાન્ય રીતે કાષ્ઠને સારું એવું રક્ષણ પૂરું પાડે છે. કાષ્ઠને રાસાયણિક પ્રક્રિયા આપતા પહેલાં કાષ્ઠની છાલ ઉતારી લેવી તે અગત્યનું છે.
ઝિંક ક્લોરાઇડ, મીઠું, એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ નાઇટ્રેટ, ચૂનો, સોડા બાયકાર્બ, બોરિક ઍસિડ, ટંકણખાર, મૅગ્નેશિયમ ફૉસ્ફેટ, સોડિયમ ટેટ્રાબોરેટ, એમોનિયમ ફૉસ્ફેટ વગેરે રસાયણો કાષ્ઠની અગ્નિ સામેની પ્રતિકારશક્તિ વધારે છે.
કાષ્ઠ–સંશોષણ પ્રક્રિયા (wood seasoning) : કાષ્ઠના સામાન્ય વપરાશમાં તેના ભેજનું પ્રમાણ પ્રચલિત હવામાન સાથે સમતુલનમાં રાખવા માટે કરવામાં આવતી સૂકવવાની વિશિષ્ટ પ્રક્રિયાને સંશોષણ કહે છે. જો કાષ્ઠમાંથી ભેજ ઝડપથી શોષાઈ જાય તો તે કાષ્ઠમાં તિરાડો પડે છે અને બીજી અનિષ્ટ ત્રુટિઓ ભેગી થાય છે. આવી ત્રુટિઓને ટાળવા કાષ્ઠને સુકવણી-પ્રક્રિયામાંથી બહુ કાળજીપૂર્વક પસાર કરવામાં આવે છે. કાષ્ઠ-સંશોષણથી તે પ્રમાણમાં હલકું અને મજબૂત બને છે. વળી રાસાયણિક પ્રક્રિયા કરવાથી આવાં કાષ્ઠ પર તૈલી રંગો વધારે સહેલાઈથી ચડી શકે છે, તેને વધારે સારી ચમક આપી શકાય છે અને તેને આપેલો રંગ લાંબા સમય સુધી ટકી શકે છે. આ ઉપરાંત સંશોષિત કાષ્ઠની વિદ્યુત અને ગરમી-અવાહકતા વિશેષ હોય છે. પરિણામે સંશોષિત કાષ્ઠ લાંબે ગાળે સસ્તું પડે છે. તેથી ઘણાખરા વિકસિત દેશોમાં કાષ્ઠ પરની આ પ્રક્રિયાને વૈધાનિક રીતે ફરજિયાત બનાવાઈ છે, જ્યારે ભારતમાં સુકવણી-પ્રક્રિયા ફરજિયાત નથી. જોકે ગ્રાહકો સંશોષિત કાષ્ઠનો આગ્રહ સેવવા લાગ્યા છે. મુખ્યત્વે કાષ્ઠનું સંશોષણ ત્રણ પ્રકારે કરવામાં આવે છે :
1. અત્યંત અનુક્રિયાહીન (highly refractory) સંશોષણ : આ પદ્ધતિથી સાલ, સાદડ, ધાવડો, હોપિયા જેવી જાતોનું કાષ્ઠ ભેજ જલદી ગુમાવીને ઝડપથી સુકાઈ ન જાય તેની વિશેષ કાળજી લેવામાં આવે છે.
2. માફકસર અનુક્રિયાહીન (moderately refractory) સંશોષણ : આ પદ્ધતિથી સાગ, સીસમ કાષ્ઠ સહેલાઈથી સૂકવી શકાય છે.
3. અનુક્રિયાકારક (non-refractory) સંશોષણ : આંબો, શીમળો, સાલેડી, અરડૂસો વગેરે પોચાં કાષ્ઠને અનુક્રિયાકારક સંશોષણ દ્વારા સૂકવવામાં આવે છે. જો યોગ્ય ગોઠવણ વડે આવાં પોચાં કાષ્ઠને તરત સૂકવવામાં ન આવે તો ફૂગની અસરથી કાષ્ઠનો રંગ તથા ગુણવત્તા બગડી જાય છે.
કાષ્ઠ-સંશોષણ-પ્રક્રિયામાં ત્રણ પ્રકારની રીતો પ્રચલિત છે : (1) વળી, વહેરેલ કાષ્ઠ વગેરેની હવામાં ગોઠવણી દ્વારા સંશોષણ (air seasoning), (2) ભઠ્ઠી દ્વારા સંશોષણ (kiln seasoning). આમાં સૌર ભઠ્ઠી (solar kiln) તથા વરાળ ભઠ્ઠી (steam kiln) પ્રચલિત છે, અને (3) ખાસ સંશોષણ-પ્રક્રિયા (special seasoning methods) – સંશોષણ પછી કાષ્ઠને ભેજથી રક્ષવા માટે તેના જથ્થાને યોગ્ય માવજતથી છાયામાં ગોઠવીને તેના પર તાડપત્રી જેવું ઢાંકણ રાખવાનું હિતાવહ ગણાય છે. ખાસ સંશોષણપ્રક્રિયામાં રાસાયણિક પ્રક્રિયા, ઘણા દાબવાળો વીજપ્રવાહ, શૂન્યાવકાશ-સુકવણી (vacuum drying) તથા તેલમાં ઉકાળવાની પ્રક્રિયા વગેરેનો સમાવેશ થાય છે.
કાષ્ઠપેદાશો : કાષ્ઠમાંથી વિવિધ પેદાશો મળે છે. ઘનપેદાશોમાં ઇમારતોમાં વપરાતી થાંભલા, વળીઓ અને દરવાજા જેવી બનાવટો, ખાણમાં વપરાતા ટેકા, મિશ્ર કાષ્ઠ(composite wood)ની વિવિધ વસ્તુઓ, પ્લાયવુડ વગેરેનો સમાવેશ થાય છે. રેસાયુક્ત કાષ્ઠની પેદાશોમાં મુખ્યત્વે કાગળની ચાદરો (sheets), કાગળનાં પૂઠાં વગેરેનો સમાવેશ થાય છે.
કાષ્ઠની રાસાયણિક પેદાશોમાં સેલ્યુલોઝ કાષ્ઠદ્રવ્ય કે રેયૉન, સેલોફેન, નાઇટ્રોસેલ્યુલોઝ અગત્યનાં છે.
ખેરના વૃક્ષના કઠણ કાષ્ઠમાંથી પાનમાં ખાવા માટેનો કાથો, ખનિજ-તેલ, શારકામમાં ઉપયોગી કેટેચ્યુ ટૅનિક ઍસિડ અને ખેરસાલ જેવાં ઔષધિદ્રવ્યો મેળવી શકાય છે.
ચીરપાઇન કાષ્ઠમાંથી ટર્પેન્ટાઇન અને રાળ મળે છે, જ્યારે દેવદારના કાષ્ઠમાંથી ઉપલબ્ધ થતું દેવદારનું તેલ સુગંધી, ઔષધિ તેમજ ઇતર વપરાશમાં ઉપયોગી છે. અગરના કાષ્ઠમાંથી સુગંધી તેલ મળે છે. અમુક કાષ્ઠમાંથી ઉપયોગી રંગો બનાવાય છે.
મિશ્ર કાષ્ઠ અને કેળવેલું કાષ્ઠ (improved wood) : જુદા જુદા પ્રકારના કાષ્ઠની મિશ્ર વિશિષ્ટ ગોઠવણીથી તૈયાર કરવામાં આવતાં કેળવેલ તથા મિશ્ર કાષ્ઠ વડે કાષ્ઠની અમુક ત્રુટિઓને દૂર કરી તેને વધારે આકર્ષક, મજબૂત અને ટકાઉ બનાવી જુદા જુદા વપરાશમાં લઈ શકાય છે. પરતી કાષ્ઠ, મર્મકાષ્ઠ (core board), તંતુફલક (fibre board), કણિકા કાષ્ઠ (particle board) જેવાં મિશ્ર કાષ્ઠમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓનો વપરાશ હાલમાં ખૂબ વધવા લાગ્યો છે. પરતી કાષ્ઠમાં ઉપર તથા નીચેની સપાટી પર સુંદર કાષ્ઠની ઝીણી પરત – શલ્કન (veneer) વચ્ચેનું બીજી જાતનું (હલકા પ્રકારનું) કાષ્ઠ અથવા દેખાવમાં હલકા પ્રકારના શલ્કનના પડને સંશ્લેષિત ગુંદર (synthetic) વડે ચોંટાડીને તૈયાર કરાતી બનાવટો આકર્ષક તેમજ મજબૂત બને છે. એક ઉપર બીજા શલ્કનને ચોંટાડતી વખતે આજુબાજુના શલ્કનના રેસા સમાંતર રખાયા હોય તો મિશ્ર કાષ્ઠના આ પ્રકારને સ્તરિત કાષ્ઠ (laminated wood) કહે છે. રેસાઓ એકબીજાને કાટખૂણે ગોઠવાયા હોય તો આવા કાષ્ઠને તિર્યક્-બંધિત (crossbonded wood) કહે છે. પરતી કાષ્ઠમાં પરિમાણી કાષ્ઠ-સ્થિરતા (dimensional stability) હોવા ઉપરાંત કાષ્ઠ ફાટી જવાની શક્યતા પણ નહિવત્ બની જાય છે. વળી આ રીતે મોટા માપની સળંગ બનાવટ પણ સરળતાથી મળી શકે છે. ચોંટાડવામાં વપરાતા ખાસ પ્રકારના રસાયણ વડે પરતી કાષ્ઠને પાણી તથા કોહવાટ સામે રક્ષણ મળવા ઉપરાંત વિવિધ આકારોમાં ઢાળવાનું પણ સરળ બને છે. વળી કુદરતી કાષ્ઠમાં જોવા મળતી ગાંઠો અને ઇતર પ્રકારની ક્ષતિઓવાળા ભાગને શલ્કન ગોઠવતી વખતે દૂર કરીને ખામીરહિત પરતી કાષ્ઠ બનાવી શકાય છે. પરતી કાષ્ઠ પડદા માટે, રમતગમતનાં સાધનો માટે, મુસાફરીનો સામાન, ચા, ફળ જેવી વસ્તુઓ લઈ જવા માટે તથા કબાટ વગેરે માટે ઘણું ઉપયોગી છે.
કાષ્ઠ અથવા કાષ્ઠદ્રવ્ય અને સેલ્યુલોઝના સંમિશ્રણમાંથી ગરમી તથા દબાણ હેઠળ બનાવવામાં આવતા પહોળી જાડી ચાદર જેવા મિશ્ર કાષ્ઠને તંતુફલક (fibre board) કહે છે. સેલ્યુલોઝ, કાષ્ઠદ્રવ્ય અને ઘાસ, પરાળ, શેરડીનો કૂચો, નાળિયેરના તાંતણા, સોપારીના રેસા, વૃક્ષની છાલ, શણના તંતુ વગેરે યંત્ર વડે બારીક તંતુઓમાં વિભાજન કરીને તેમાં બંધક દ્રવ્ય (bonding material) તથા ઇતર આવશ્યક પદાર્થો ઉમેરીને આ મિશ્ર વસ્તુઓ પર ગરમી તથા દબાણ જેવી પ્રક્રિયા કરી જરૂરી પહોળાઈ તથા જાડાઈવાળી ચાદર બનાવવામાં આવે છે. તંતુફલકોની ઘનતા પ્રતિ ઘનમીટરે 31 કિગ્રા.થી 1,440 કિગ્રા. વચ્ચે હોય છે. આ પેદાશ મુખ્યત્વે પડદા તથા છત (ceiling) માટે ખાસ ઉપયોગી નીવડે છે.
કાષ્ઠની ભૌતિક તાકાત વધારવા અને હવામાં ફૂલી જવાની અથવા સુકાઈ જવાની (swelling and shrinking) તેની શક્યતા ઘટાડવા, તેના પર અમુક પ્રક્રિયાઓ કરીને સુધારેલ કાષ્ઠ તૈયાર કરવામાં આવે છે. આ માટે મીણ, રાળ, તેલ જેવાં રસાયણોને ઉપયોગમાં લેવામાં આવે છે અને ગરમી અને દ્બાણ જેવાં ભૌતિક પરિબળોની અસર હેઠળ બનાવવામાં આવે છે.
કાષ્ઠમાં જોવા મળતી કેટલીક ખામીઓ : અગાઉ જણાવ્યા પ્રમાણે કાષ્ઠ એ એક નૈસર્ગિક પેદાશ હોવાથી તેમાં કુદરતી રીતે જ ગાંઠ, ડાઘા, તિરાડ, ત્રાંસા રેસા (cross grain), આકુંચન (contraction) જેવી કેટલીક ખામીઓ જોવા મળે છે. ઉપરાંત તેમાં કેટલીક અન્ય ખામીઓ પણ હોઈ શકે છે. ખામી ફક્ત દેખાવ પૂરતી મર્યાદિત હોય તો આ ખામીને ડાઘ (blemish) કહેવાય છે. પરંતુ જો ખામીને કારણે દેખાવ અને / અથવા કાષ્ઠની ટેકનિકલ ગુણવત્તા ઘટે તો તે ખરેખરી ખામી ગણાય છે. ત્રુટિઓને કાળજીપૂર્વક દૂર કરવાથી કાષ્ઠની ગુણવત્તા વધારી શકાય છે.
કાષ્ઠનું વિઘટનાત્મક નિસ્યંદન (destructive distillation of wood) : કાષ્ઠ વિવિધ વસ્તુઓમાં ફેરવાયા બાદ રહેલ શેષ ભાગનો ઉપયોગ બળતણ તરીકે કરવા ઉપરાંત તેને વિવિધ પ્રકારની રાસાયણિક પેદાશોના ઉત્પાદન માટે વાપરી શકાય છે. દાખલા તરીકે આ શેષ ભાગને પ્રાણવાયુની અનુપસ્થિતિમાં ગરમ કરી નિસ્યંદનથી કાર્બન મૉનૉક્સાઇડ, એસિટિક ઍસિડ (સરકો), આલ્કોહૉલ, ડામર, કોલસો જેવી ઉપપેદાશો મેળવી શકાય છે.
પૃથુપર્ણી જાતોના કાષ્ઠના શેષ પદાર્થોના નિસ્યંદન દ્વારા કોલસો, ડામર, સરકો અને મિથાઇલ આલ્કોહૉલ જેવી બનાવટો મેળવી શકાય છે, જ્યારે શંકુદ્રુમ જાતોના શેષ પદાર્થોના નિસ્યંદન દ્વારા કોલસો, ટર્પેન્ટાઇન, પાઇન તેલ, પાઇન ડામર જેવી વસ્તુઓ મળે છે. બૅક્ટેરિયા અને ફૂગ વગેરેની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા સાકર, આલ્કોહૉલ, ગ્લુકોઝ, ગૅલૅક્ટોઝ, મૅનોઝ, આર્બિનોઝ, ગ્લાઇલોઝ જેવા પદાર્થોનું ઉત્પાદન કરી શકાય છે.
પર્યાવરણ-સંરક્ષણની ર્દષ્ટિએ વૃક્ષ ઘણું જ અગત્યનું કુદરતી સર્જન છે અને તેની સંખ્યા વધારવા માટે તેના સંરક્ષણ તેમજ સંવર્ધન માટે તનતોડ પ્રયાસો તથા ઝુંબેશ હાથ ધરાય છે. ફક્ત પરિપક્વ અથવા મૃત વૃક્ષનો ઉપયોગ કાષ્ઠ તરીકે કરવો ઇષ્ટ ગણાય. બીજી તરફ વધતી જતી વસ્તી અને ઝડપી ઉદ્યોગીકરણને કારણે સીમિત પરંપરાગત ઊર્જાસ્રોતનો જથ્થો પણ ઝડપથી ખતમ થઈ રહ્યો છે. બિનપરંપરાગત ઊર્જાસ્રોતો વિકસાવવાથી વૃક્ષોનો વિનાશ ટાળી શકાય.
આ દિશામાં વૃક્ષ એ સૌરશક્તિ-સંચયનું અત્યંત ઉપયોગી સાધન હોવાથી ઘનિષ્ઠ વૃક્ષઉછેર એટલે કે ઊર્જાવાવેતર(energy-plantations)ના વિશાળ કાર્યક્રમો હાથ ધરાવા લાગ્યા છે. આ કાર્યક્રમોને મદદરૂપ થવાય તે માટે કાષ્ઠ જેવી અણમોલ નૈસર્ગિક પેદાશના માનવી માટેના વપરાશમાં બને તેટલા સંશોધન દ્વારા કરકસર, નાવીન્ય (innovation) અને દૂરદર્શીપણું કેળવાય તે આપણા તેમજ આવનારી પેઢીના હિતમાં જ રહેશે. પર્યાવરણનું પ્રદૂષણ અટકાવવા માટે વૃક્ષોનું જતન અત્યંત આવશ્યક છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ