કાવ્યપ્રકાશખંડન (1646) : આચાર્ય મમ્મટરચિત સંસ્કૃત ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ પરની સિદ્ધિચન્દ્રગણિકૃત આ ટીકામાં ‘કાવ્યપ્રકાશ’ જેવા કઠિન ગ્રંથના પોતાને અસ્વીકાર્ય એવા કેટલાક મુદ્દાઓનું ટીકાકારે ખંડન કર્યું છે. ટીકાનું કદ લઘુ છે. જોકે સિદ્ધિચન્દ્રે ‘કાવ્યપ્રકાશ’ પર બૃહદ્ ટીકા લખી હતી પરંતુ હાલ તે પ્રાપ્ત ન હોવાથી ‘કાવ્યપ્રકાશવિવૃત્તિ’ એવું નામ પણ આપ્યું છે. પરંતુ પાંચમા શ્લોકમાં તે કહે છે તેમ તેમણે ‘ખંડનતાંડવ’ કર્યું છે. ટીકાકારનો આશય વિવેચનાત્મક વિવરણ અને ખંડનનો છે એટલે તેમણે ‘કાવ્યપ્રકાશખંડન’ને ‘કાવ્યપ્રકાશવિવૃત્તિ’ એવું બીજું નામ પણ આપ્યું છે. ક્યાંક તેમણે કારિકાઓનો ક્રમ પણ બદલ્યો છે. કૃતિ ઘણી જગ્યાએ અવ્યવસ્થિત જણાય છે. સૌપ્રથમ તેઓ મમ્મટનો મત સમજાવે છે અને પછી તેનું ખંડન કરે છે. મોટેભાગે આ ક્રમ જળવાયો છે. ક્યારેક તેઓ મમ્મટનો બચાવ પણ કરે છે. આશરે 60 જેટલા મુદ્દાઓનું તેમણે ખંડન કર્યું છે. પ્રત્યેક ઉલ્લાસના વિષયનું એ જ ક્રમથી ખંડન કર્યું છે. એમાં યશપ્રાપ્તિ આદિ પ્રયોજનો, કાવ્યસ્વરૂપ અને કાવ્યવ્યાખ્યાનું ખંડન, વ્યંજનાનું ખંડન અને અનુમિતિનું સમર્થન, આથી વ્યંજનાના કેટલાક ભેદોનું ખંડન, શૃંગાર, વીર, હાસ્ય અને અદભુત સિવાયના અન્ય પાંચ રસોનું ખંડન, ગુણીભૂત વ્યંગ્યના ભેદોની સમીક્ષા, ચિત્રકાવ્યના ભેદોનું સમર્થન, દોષસ્વરૂપનું અને કેટલાક દોષોનું ખંડન, ત્રણ ગુણોનું ખંડન અને દસ અર્થગુણોનો સ્વીકાર, શબ્દાલંકારોની સમીક્ષા અને કેટલાક અલંકારોનો અન્ય અલંકારોમાં (જેમ કે વ્યાઘાતનો વિરોધમાં) સમાવેશ આદિ વિષયો મુખ્ય છે.
તપસ્વી નાન્દી