કાલિમૅકસ : (ઈસુ પૂર્વે પાંચમી સદીનો ઉત્તરાર્ધ) : પ્રાચીન ગ્રીક શિલ્પી. કાલિમૅકસે કંડારેલાં મૂળ શિલ્પો નષ્ટ થઈ ગયાં છે, પરંતુ તે શિલ્પોની કેટલીક નકલો મોજૂદ છે. રોમના કૅપિટોલાઇન મ્યુઝિયમમાં રહેલું અર્ધમૂર્ત શિલ્પ ‘પૅન ઍન્ડ ધ થ્રી ગ્રેસિસ’ તેના જ એક મૂળ શિલ્પની રોમન નકલ છે. આ ઉપરાંત ન્યૂયૉર્ક નગરના મેટ્રોપૉલિટન મ્યુઝિયમમાં પણ તેના એક મૂળ શિલ્પની રોમન નકલ છે. એરેક્થિયમ (Erechtheum) ખાતે દેવી ઍથિનાની મૂર્તિના હાથમાં મૂકવા માટે તેણે સોનામાંથી એક ફાનસ કંડારેલું. ગ્રીક સ્થાપત્યની કોરિન્થિયન શૈલીના સ્તંભની ડિઝાઇન વિકસાવવામાં કાલિમૅકસનો મહત્ત્વનો ફાળો છે. સ્તંભની ટોચે ટોપલામાંથી નીચે લચી પડેલાં પાંદડાંની ડિઝાઇન એનું મૌલિક સર્જન છે.
અમિતાભ મડિયા