કાલિનીન, મિખાઇલ ઇવાનોવિચ (જ. 19 નવેમ્બર, 1875, વરખનયાયા, ટ્રૉઇટસા; અ. 3 જૂન 1945, મૉસ્કો) : રશિયાના ક્રાંતિકારી નેતા અને રાજદ્વારી મુત્સદ્દી. ગામડાની પ્રાથમિક શાળામાં અભ્યાસ
કર્યા પછી 1893માં સેન્ટ પિટર્સબર્ગ ખાતેના ધાતુના કારખાનામાં તાલીમાર્થી કામદાર તરીકે જોડાયા. 1898માં રિવૉલ્યૂશનરી સોશિયલ ડેમોક્રેટિક વર્કર્સ પાર્ટીના પ્રથમ ટેકેદારોમાં તે પણ હતા. 1899માં દસ માસનો કારાવાસ ભોગવ્યો. 1903માં ફરી ધરપકડ વહોરી. 1905ની ક્રાંતિમાં સક્રિય ભાગ લીધો; જોકે ઝારશાહીવિરોધી આ બળવો સફળ થયો ન હતો. 1912માં બૉલ્શેવિક પક્ષની મધ્યસ્થ સમિતિના સભ્ય બન્યા. તે જ વર્ષે પક્ષનું મુખપત્ર ‘પ્રવદા’ શરૂ થયું તેના તે સહસંસ્થાપક હતા. ‘પ્રવદા’માં છપાયેલા તેમના ક્રાંતિકારી લેખોથી લેનિન પ્રભાવિત થયા. ઑક્ટોબર 1917ની ક્રાંતિ સફળ થતાં સોવિયેત સંઘની સ્થાપના પછી તે પેટ્રોગ્રાડના મેયરપદે ચૂંટાયા. માર્ચ 1921માં સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટી ઑવ્ ઑલ રશિયન કૉંગ્રેસ ઑવ્ સોવિયેટ્સના ચૅરમૅન બન્યા, જે રાજ્યના વડાના પદની સમકક્ષ ગણાતું. 1938 સુધી તે પદ પર હતા. 1923-24ના અરસામાં તેમના આ હોદ્દાનું નામ બદલીને ચૅરમૅન ઑવ્ સેન્ટ્રલ એક્ઝિક્યુટિવ કમિટી ઑવ્ યુ.એસ.એસ.આર. રાખવામાં આવ્યું. ડિસેમ્બર 1925માં પક્ષના પૉલિટ બ્યૂરોના સભ્ય બન્યા. પછી 1938-46 દરમિયાન પ્રિસિડિયમ ઑવ્ ધ સુપ્રિમ સોવિયેટના અધ્યક્ષપદે રહ્યા. માર્ચ 1946માં આ પદ પરથી નિવૃત્ત થયા.
ખેડૂત વર્ગનાં હિતોના હિમાયતી તરીકે રાજકારણમાં દાખલ થયેલા અને તેને કારણે લોકપ્રિય બનેલા કાલિનીન પક્ષમાં સ્ટેલિનના સમર્થક હોવા છતાં તે અરસામાં શુદ્ધીકરણ અને નિષ્કાસન(purges)ની દરેક ઝુંબેશમાંથી તે બચી ગયા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે