કાર્લ, લૂઇસ (જ. 1 જુલાઈ 1961, બર્મિંગહામ, યુ.એસ.એ.) : દોડ અને કૂદ (ટ્રૅક ઍન્ડ ફિલ્ડ)નો વીસમી સદીનો વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી.

કાર્લ લૂઇસે લાંબા કૂદકાની પ્રારંભિક તાલીમ તેના પિતા વિલિયમ લૂઇસ પાસેથી મેળવી. તેના માતા એવલિન લૉલી લૂઇસ વિઘ્નદોડના અને એના મોટા ભાઈ ફૂટબૉલ ખેલાડી હતાં; જ્યારે તેની બહેન કૅરોલ લૂઇસ લાંબા કૂદકાની ખેલાડી હતી અને તેણે 1984ની ઑલિમ્પિકમાં ભાગ પણ લીધો હતો. આમ લૂઇસનો આખો પરિવાર રમતગમત સાથે સંકળાયેલો હોઈ તેમને બાળપણથી રમતગમતનું વિશેષ આકર્ષણ રહ્યું હતું.

લૂઇસ કાર્લ

લૂઇસે 13 વર્ષની ઉંમરથી લાંબા કૂદકાની સ્પર્ધામાં ભાગ લેવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં ‘ઑલ ટાઇમ વર્લ્ડ જુનિયર’ની યાદીમાં ચોથું સ્થાન મેળવ્યું. ત્યાર પછી યુનિવર્સિટી ઑવ્ હ્યૂસ્ટનના ટોમ ટેલેઝ પાસેથી તાલીમ મેળવી. સ્કૂલ લેવલે 26 ફૂટ 8 ઇંચ કૂદી લાંબી કૂદનો રેકૉર્ડ બનાવ્યો. 1980માં 27 ફૂટ 4.5 ઇંચ લાંબો કૂદકો મારીને સંયુક્ત રાષ્ટ્રની શાળાઓની ઍથ્લેટિક્સ સ્પર્ધાઓનું આયોજન કરતી સંસ્થા National Collegiate Athletic Association(NCAA)નું ટાઇટલ મેળવ્યું.

લૂઇસે લાંબા કૂદકાની સાથે સાથે દોડની સ્પર્ધામાં પણ ઝંપલાવ્યું અને 1980ની ઑલમ્પિક સ્પર્ધામાં લાંબી કૂદ સાથે 4100 મીટરની રિલે ટીમનો પણ સભ્ય બન્યો. ત્યારબાદ 1984ની ઑલિમ્પિકમાં લૂઇસે 100 મીટર, 200 મીટર, 4×100 મીટરની રિલે દોડ તથા લાંબા કૂદકાની સ્પર્ધામાં ભાગ લીધો અને ચારેય સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક મેળવ્યાં. સૌપ્રથમ તેણે 100 મીટરની દોડમાં પોતાના જ દેશના સેમ ગ્રેડીને 0.2 સેકન્ડના તફાવતથી હરાવીને 9.99 સેકન્ડમાં દોડ પૂરી કરી સુવર્ણપદક મેળવ્યો. ત્યારબાદ લાંબી કૂદમાં ઑસ્ટ્રેલિયાના ગેરી હની(8.24 મીટર)ને ૦.૩ મીટરથી હરાવી 8.54 મીટર કૂદી સુવર્ણપદક મેળવ્યો. જ્યારે 200 મીટરની દોડ 19.8 સેકન્ડમાં દોડ પૂર્ણ કરવાના વિશ્વવિક્રમ સાથે ત્રીજો સુવર્ણ ચંદ્રક મેળવ્યો અને આ ઑલિમ્પિકનો છેલ્લો અને ચોથો સુવર્ણ ચંદ્રક 4×100ની રિલે દોડમાં વિશ્વવિક્રમ સ્થાપી માત્ર 37.83 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરીને મેળવ્યો. આમ એક જ ઑલમ્પિકમાં 4 સુવર્ણચંદ્રક મેળવી તેણે પોતાના જ દેશના મહાન ઍથ્લેટ જેસી ઓવાન્સના વિક્રમની બરાબરી કરી.

1988ની સીઓલ ઑલિમ્પિક સ્પર્ધાની શરૂઆત પહેલાં તેણે પોતાના સલાહકાર અને પિતા વિલિયમ લૂઇસને કૅન્સરની બીમારીના કારણે ગુમાવ્યા, આમ છતાં હિંમત હાર્યા વિના તેણે તેની માતાને વચન આપ્યું કે આ વખતે પણ હું નવા વિક્રમો સાથે અવશ્ય સુવર્ણચંદ્રક હાંસલ કરીશ. 100 મીટરની દોડ સમયે સદીની સૌથી મોટી વિવાદાસ્પદ ઘટના બની. જોન્સન નામના ખેલાડીએ આ સ્પર્ધા 9.79 સેકન્ડમાં પૂરી કરી નવો કીર્તિમાન હાંસલ કર્યો, પરંતુ ત્રણ દિવસ પછી એવું સાબિત થયું કે જોન્સને સ્ટીરોઇડ લીધી હતી અને પરિણામે તેની પાસેથી સુવર્ણ ચંદ્રક પરત લેવામાં આવ્યો. લૂઇસે આ સ્પર્ધામાં પોતાનો અગાઉનો ઑલિમ્પિક વિક્રમ સુધારી 9.92 સેકન્ડમાં દોડ પૂરી કરી હતી તેથી આ નવા ઑલિમ્પિક વિક્રમ સાથે તેને સુવર્ણચંદ્રક મેળવ્યો. લાંબી કૂદમાં પણ તેણે 8.72 મીટરનો કૂદકો લગાવી ફરીથી સુવર્ણ ચંદ્રક મેળવ્યો. જ્યારે 200 મીટરની દોડ પણ તેણે 19.79 સેકન્ડમાં પૂરી કરી પોતનો નવો વિક્રમ સ્થાપ્યો, પરંતુ માત્ર 0.04 સેકન્ડના તફાવતથી તે સુવર્ણ ચંદ્રક ચૂકી ગયો અને રજતચંદ્રકથી સંતોષ મેળવવો પડ્યો.

1992ની ઑલિમ્પિકમાં પણ તેણે બે સુવર્ણપદક મેળવ્યા. પ્રથમ પદક 8.67 મીટર કૂદીને લાંબી કૂદમાં અને બીજું સુવર્ણ પદક 37.4 સેકન્ડમાં 4 × 100ની રિલે સ્પર્ધા પૂરી કરીને મેળવ્યું.  ત્યારબાદ 1996ની એટલાન્ટા ઑલિમ્પિકમાં તેણે લાંબી કૂદની સ્પર્ધામાં સતત પાંચમી સ્પર્ધામાં ભાગ લઈ નવો વિક્રમ સ્થાપ્યો; એટલું જ નહીં અહીં, પણ તેણે 8.5 મીટર લાંબા અંતરની કૂદ લગાવીને  સુવર્ણ ચંદ્રક મેળવ્યો. આમ ઑલિમ્પિકમાં કુલ નવ સુવર્ણ અને એક રજત ચંદ્રક સાથે પોતાની કારકિર્દી પૂર્ણ કરી.

લૂઇસની આવી સિદ્ધિઓને બિરદાવતાં તેને 1999માં આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિએ ‘સદીના શ્રેષ્ઠ રમતવીર’નો ખિતાબ આપ્યો. 2010માં ન્યૂ જર્સી હૉલ ઑફ ફેઇમનો ખિતાબ આપવામાં આવ્યો. આ ઉપરાંત 1988 અને 1991માં વર્ષનો શ્રેષ્ઠ દોડવીર અને એવા તો બીજા અનેક ઍવૉર્ડ લૂઇસને મળ્યા છે. લૂઇસે સમગ્ર આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 22 ગોલ્ડ, 3 સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

જગદીશ શાહ