કાર્લોસ ફ્વેંટિસ (Carlos Fuentes) (જ. 11 નવેમ્બર 1928, પનામા સિટી, પનામા; અ. 15 મે 2012, મેક્સિકો) : 1960 અને 70ના દશકાઓમાં લૅટિન-અમેરિકન સાહિત્યને વિશ્વફલક ઉપર એક નવું જોમ અને દિશા ચીંધવામાં  સિંહફાળો આપનાર. તેમના પિતા મેક્સિકન સરકારમાં રાજદ્વારીના હોદ્દા ઉપર હોવાના લીધે ફ્વેંટિસનું બાળપણ ભિન્ન ભિન્ન લૅટિન-અમેરિકન રાજધાનીઓમાં વીત્યું હતું. આ સંદર્ભે 1930થી 1940ના દશકમાં તેમના પિતાની બદલી વૉશિંગ્ટન સ્થિત મેક્સિકન ઍમ્બેસીમાં થઈ, જેના પરિણામે ફ્વેંટિસને અંગ્રેજી શાળામાં ભણવાની તક પ્રાપ્ત થઈ. આ સમય દરમિયાન તેમણે માત્ર અંગ્રેજી ભાષા જ નહીં, પરંતુ અંગ્રેજી સાહિત્યની વિશ્વપ્રસિદ્ધ કૃતિઓનો પણ અભ્યાસ કર્યો હતો. આ દસ વર્ષના સમયગાળામાં તેમણે અંગ્રેજીમાં સર્જનાત્મક સાહિત્ય (creative literature) લખવાનું પણ શરૂ કર્યું. 1940 પછીનો સમય તેમની રાજકીય અને સામાજિક વિચારધારામાં આવેલા કાયમી બદલાવનો ગણી શકાય. ચીલી ખાતે તેમના વસવાટ દરમિયાન તેઓ પાબ્લો નેરુદા(Pablo Neruda)ની કવિતાઓથી વિશેષ પ્રભાવિત થયા હતા અને જીવનપર્યંત સમાજવાદી વિચારધારાને અંગીકાર કરી, જે એમની કૃતિઓમાં સમયાંતરે ઉજાગર થતી  જોવા મળે છે.

મેક્સિકોના વતની હોવા છતાં તેઓ છેક 16 વર્ષની વયે પોતાના દેશમાં સ્થાયી થયા. અહીં તેમણે National Autonomous University of Mexicoમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. પિતાની જેમ તેમની પણ રુચિ રાજદ્વારી કારકિર્દીમાં વધુ હતી અને છેવટે 1957માં ‘સેક્રેટેરિએટ ઑફ ફૉરેન અફેર્સ’ ખાતે સાંસ્કૃતિક વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા હતા. અલબત્ત, તેમની આ નોકરી ખૂબ જ અલ્પજીવી નીવડી. તેમની નિમણૂકના બીજા જ વર્ષે 1958માં ‘Where the Air is Clear’ નવલકથા પ્રકાશિત થઈ હતી. આ કૃતિએ તેઓને તુરત જ રાષ્ટ્રીય ફલક ઉપર એક તેજસ્વી અને પ્રતિભાવાન લેખક તરીકે પ્રસ્થાપિત કર્યા. આ સફળતાએ ફ્વેંટિસને પૂર્ણ સમયના લેખક બનવા માટે પ્રેરકબળ પૂરું પાડ્યું અને પોતાની રાજદ્વારી નોકરીને તેમણે અલવિદા કરી દીધી. આ નવલકથા એક રીતે મેક્સિકોની રાષ્ટ્રીય ઓળખ (national identity) છે. આ કૃતિમાં ફ્વેંટિસે જે રીતે સિનેમેટોગ્રાફીની તકનીકો, ફ્લેશબૅક અને એકોક્તિનો ઉપયોગ કર્યો છે તે જોતાં તેમની ઉપર બિન-સ્પૅનિશ સાહિત્યકારોની અસર સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ નવલકથાનું સમયાવલોકન 1910 પછીના દાયકામાં આવેલી મેક્સિકોની ક્રાંતિથી લઈને કૃતિના પ્રકાશન વર્ષ (1958) સુધી ફેલાયેલું છે. ક્રાંતિ પછી પચાસના દશકા સુધી ઘડાયેલા મેક્સિકન સમાજની વિચારધારાઓ, પ્રણાલીઓ, સાંસ્કૃતિક બદલાવ વગેરેને ફ્વેંટિસ એક વિવેચકની નજરે મૂલવે છે. આ એ સમય હતો જ્યારે મેક્સિકન સમાજ ક્રાંતિના આદર્શો અને આધુનિક યુરોપિયન સમાજવ્યવસ્થાનાં પ્રલોભનો વચ્ચે ભીંસાતો હતો. આમ, એક રીતે જોવા જઈએ તો આ નવલકથાને પ્રાચીન અને અર્વાચીન મેક્સિકન સમાજના સંક્રાંતિકાળની અગ્રદૂત (harbinger) ગણી શકાય. આ કારણોના લીધે આ નવલકથાએ લૅટિન-અમેરિકન સાહિત્યને આગવું કલેવર પ્રદાન કર્યું એમ કહી શકાય. વિશ્વમાં આજ દિન સુધી થયેલી અનેકવિધ લોક-ક્રાંતિઓ ઉપર દૃષ્ટિ ફેરવવામાં આવે તો જણાઈ આવે છે કે જે આદર્શોને પ્રસ્થાપિત કરવા માટે લોક-બલિદાન આપવામાં આવ્યું હતું તે જ આદર્શોનું હનન બાદમાં થતું જોવા મળે છે. મેક્સિકો પણ આમાંથી અલિપ્ત કેવી રીતે રહી શકે ? આ નવલકથાનો મુખ્ય નાયક ફેડેરીકો નોબલ્સ પણ આવા જ કોઈ ભ્રમનિરસન- (disillusionment)નો શિકાર બનતો જોવા મળે છે, જે પોતાની એકોક્તિઓ દ્વારા હતાશા અને વ્યથાને વાચા આપવાનો પ્રયાસ કરે છે.

આ નવલકથાના પ્રકાશનના બીજા જ વર્ષે પ્રકાશિત થયેલી અન્ય એક નવલકથા The Good Conscience (Las Buenas Conciencias)માં સમાજવાદી વિચારધારાના આદર્શો અને ભૌતિકવાદની વાસ્તવિકતા વચ્ચે પિસાઈ જતા મધ્યમવર્ગીય કુટુંબની વ્યથા જોવા મળે છે. ‘ક્લાસિક માર્કસિસ્ટ’ નવલકથાનું બિરુદ પામેલી આ કૃતિ સમાજવાદના આદર્શોની નિષ્ફળતા, નિરર્થકતા અને તેમાંથી જન્મતી હતાશાને બખૂબી વાચા આપે છે. આ પછી 1962માં પ્રકાશિત થયેલી ‘The Death of Artemio Cruz’ (La muerte de Artemio Cruz) આધુનિક સ્પૅનિશ-અમેરિકન સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે અને ફ્વેંટિસની શ્રેષ્ઠતમ કૃતિઓ પૈકીની એક કૃતિમાં સ્થાન ધરાવે છે. આ નવલકથાની શરૂઆતમાં નાયક આર્ટેમીઓ કૃઝ મરણશય્યા ઉપર પડેલો હોય છે. સમગ્ર નવલકથામાં ફ્લેશબૅકના માધ્યમ દ્વારા કથા-નાયકના પૂર્વજન્મનો વૃત્તાંત વાચકો સમક્ષ રજૂ થાય છે. મેક્સિકન ક્રાંતિનો ભૂતપૂર્વ સૈનિક એવા કૃઝે આ ક્રાંતિ દરમિયાન હિંસા, ભ્રષ્ટાચાર, મજૂર-વર્ગના શોષણ, લાંચ અને બ્લૅકમેલ થકી ઘણી સંપત્તિ એકઠી કરી હતી. આ નવલકથા થકી ફ્વેંટિસ મેક્સિકન સમાજમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર, વર્ગ-વિગ્રહ, પ્રચૂર ભૌતિકવાદ, આર્થિક ગોટાળાઓ અને જમીનસુધારાને લગતા કાયદાઓની નિરર્થકતા અને નિષ્ફળતાઓને પ્રકાશિત કરે છે. ઘણા વિવેચકોના મતાનુસાર આ નવલકથાની narrative technique ઓર્સન વેલ્સ(Orson Wells)ની નવલકથા Citizen Kaneથી પ્રભાવિત છે. વેલ્સની જેમ આ નવલકથામાં પણ ફ્વેંટિસે અનેકવિધ સાહિત્યિક ટૅકનિક્સ જેવી કે ફ્લેશબૅક, ક્લૉઝ-અપ, ક્રૉસ-કટિંગ વગેરેનો ઉપયોગ કર્યો છે.

ઓગણીસો સાઠના દશકાની અન્ય કૃતિઓમાં ‘Aura’ (1962), ટૂંકી વાર્તાસંગ્રહ ‘Camtar de Ciego’ (1966), નોવેલ ‘Zona Sagrada’ (1967) અને ‘A Change of Skin’ (1967)નો સમાવેશ થાય છે. નિયમિત સમયાંતરે પ્રકાશિત થયેલી આ તમામ કૃતિઓએ ફ્વેંટિસને એક બહુપ્રસૂ (prolific) લેખક તરીકે ખ્યાતિ બક્ષી છે. અલબત્ત, 1972માં પ્રકાશિત થયેલી Terra Nostra ફ્વેંટિસની સૌથી મહત્વાકાંક્ષી નવલકથા ગણવામાં આવે છે. આ નવલકથાનું માત્ર ફલક જ નહીં, પરંતુ તેનું વિષય-વસ્તુ પણ અતિ વિસ્તૃત છે. આ નવલકથા થકી ફ્વેંટિસ સમગ્ર હિસ્પાનિક (Hispanic) સંસ્કૃતિની કથા કહેવાનો પ્રયાસ કરે છે. ‘The Death of Artemio Cruz’ની જેમ જ અહીં પણ લેખકે ફ્લેશબૅક પદ્ધતિનો ઉપયોગ પ્રચુર માત્રામાં કર્યો છે. પ્રવર્તમાન લૅટિન-અમેરિકન સમાજનાં મૂળ સુધી પહોંચવા માટે લેખક 16મી સદીથી લઈને વીસમી સદી સુધીની યાત્રા ફ્લેશબૅકના માધ્યમ થકી કરતા જોવા મળે છે. સમગ્ર નવલકથા ત્રણ અલગ અલગ શીર્ષકો સાથે ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવી છે. ‘The Old World‘, ‘The New World’, ‘The Next World’,  1945માં પ્રકાશિત થયેલી ‘The Old Gring’ (Gringo Viejo) મેક્સિકન લેખક દ્વારા લખાયેલી સૌપ્રથમ યુ.એસ. બેસ્ટસેલર બની. પ્રસ્તુત નવલકથા હેરિયટ વિનસ્લો નામની યુવા અમેરિકી સ્ત્રીના મેક્સિકોમાં થયેલા અનુભવોનું વૃત્તાંત આલેખે છે. આ નવલકથાની પશ્ચાદભૂમિમાં મેક્સિકન ક્રાંતિ દરમિયાન ગુમ થઈ ગયેલા એબ્રેસ બિયર્સ નામક અમેરિકન લેખકની વાર્તા છે. ફ્વેંટિસની મોટા ભાગની કૃતિઓની જેમ આ નવલકથા પણ ક્રાંતિકારી આદર્શોની નિરર્થકતા ઉજાગર કરે છે. 1990ના દસકાથી લઈને 2008 સુધી પ્રકાશિત થયેલી  ફ્વેંટિસની મોટા ભાગની કૃતિઓનો સાહિત્ય પ્રકાર નવલકથા છે જેમાં ‘Diana : The Goddess Who Hunts Alone’ (1994), ‘The Crystal Frontier’ (1995), ‘The Year With Laura Diaz’ (1999), ‘Inez’ (2001), ‘The Eagles Throne’ (2002) અને ‘Destiny and Desire’ (2008) મુખ્ય છે.

1958થી લઈને 2008 સુધી અવિરત સાહિત્યસર્જન કરતા રહેલા ફ્વેંટિસે માત્ર મેક્સિકન સમાજ માટે જ નહીં, અપિતુ વૈશ્વિક સમાજમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ, આદર્શોનું હનન અને સામાજિક જવાબદારીઓ પ્રત્યે નાગરિકોની ઉદાસીનતા જેવા વિષયો ઉપર ચિંતન કર્યું છે. સાહિત્યમાં તેમના બહુમૂલ્ય યોગદાન બદલ હાર્વર્ડ વિશ્વવિદ્યાલયે 1983માં, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયે 1987માં અને ટફટ્સ વિશ્વવિદ્યાલયે 1993માં તેમને માનદ પીએચ.ડી.ની ઉપાધિથી નવાજ્યા હતા. તેમની યાદમાં મેક્સિકન સરકારે તે જ વર્ષે Carlos Fuentes International Prize for Literary Creation in the Spanish Languageની ઘોષણા કરી હતી.

મનીષ વ્યાસ