કાર્લોફ, બોરિસ (જ. 23 નવેમ્બર 1887, લંડન; અ. 2 ફેબ્રુઆરી 1969, મીડહર્સ્ટ, સસેક્સ, ઇંગ્લૅન્ડ) : હૉલીવુડના વિખ્યાત ચલચિત્રઅભિનેતા તથા રંગમંચકલાકાર. મૂળ નામ વિલિયમ હેન્રી પ્રૅટ અથવા ચાર્લ્સ એડ્વર્ડ પ્રૅટ. શિક્ષણ ઓપિંગહામ અને લંડન યુનિવર્સિટી ખાતે. ઇંગ્લૅન્ડના રાજદ્વારી ક્ષેત્રે કારકિર્દી ઘડવાની ઇચ્છા ધરાવતા હતા, પરંતુ 1909માં 21 વર્ષની વયે પ્રથમ કૅનેડા અને તે પછી અમેરિકા ગયા. 1910માં ફરતી નાટક મંડળીમાં જોડાયા, તેમાં દસ વર્ષ સુધી અભિનય કર્યો. દરમિયાન મૂક ચલચિત્રોમાં તથા નાટકોમાં ગૌણ પાત્રોનો અભિનય કરતા રહ્યા. 1930માં રંગમંચ પર તેમણે જે પાત્ર ભજવ્યું હતું તે જ પાત્ર તેમણે 1931માં ઉતારવામાં આવેલ ‘ધ ક્રિમિનલ કોડ’ બોલપટમાં ભજવ્યું અને ત્યારથી તેમને અભિનેતા તરીકેની લોકચાહના મળતી રહી. હૉલીવુડના પ્રથમ ભયાનક ચલચિત્ર ‘ફ્રૅન્કેસ્ટાઇન’(1931)માં તેમણે રાક્ષસની ભૂમિકા ભજવી હતી જેણે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. તેમની મોટાભાગની ભૂમિકાઓ ત્રાસ અને ભય ઉપજાવે તેવાં પાત્રોની હોવાથી ‘ભયાનક ચલચિત્રોના રાજા’ (king of the horror films) તરીકે તેમની ખ્યાતિ પ્રસરતી રહી. ‘ધી ઓલ્ડ ડાર્ક હાઉસ’ (1932), ‘ધ મમી’ (1932), ‘ધ માસ્ક ઑવ્ ધ માંચુ’ (1932), ‘ધ લાસ્ટ પેટ્રોલ’ (1934), ‘ધ રેવન’ (1935, 1963), ‘મિ. વાગ’ ચલચિત્રમાળા (1938, 1939) તથા ‘ધ બૉડી સ્નૅચર’ (1945) વિશેષ નોંધપાત્ર છે. ‘ફ્રૅન્કેસ્ટાઇન’ ઉપરાંત ‘ધ બ્રાઇડ ઑવ્ ફ્રૅન્કેસ્ટાઇન’ (1935) અને ‘ધ સન ઑવ્ ફ્રૅન્કેસ્ટાઇન’(1939)માં કાર્લોફે તેવી જ કમકમાટી ઉપજાવે તેવી ભૂમિકા ભજવી હતી.

બોરિસ કાર્લોફ
1941માં તે ફરી રંગમંચ તરફ વળ્યા, જ્યાં ‘આર્સેનિક ઍન્ડ ઓલ્ડ લવ’ તથા ‘પીટર પૅન’(1950)માં ભજવેલ ભૂમિકાઓ પ્રશંસા પામી હતી. રંગમંચ ઉપરાંત મૃત્યુ સુધી તેઓ અવારનવાર આકાશવાણી તથા દૂરદર્શન જેવાં પ્રસારમાધ્યમો દ્વારા લોકોને મનોરંજન પૂરું પાડતા રહ્યા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે