કાર્ય અને રોજગારી : વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કાર્ય. તેને રોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્ય એ સવેતન કે અવેતન ઉદ્યમ હોઈ શકે, પરંતુ રોજગારી અનિવાર્ય રીતે એવા કાર્યનો સંકેત આપે છે જેના બદલામાં નાણાં અથવા અન્ય પ્રકારનું વળતર ચૂકવવામાં આવે. કેટલાંક કાર્યો શારીરિક કે માનસિક મહેનત માગી લેતાં હોય તોપણ તેમાંનાં ઘણાં માત્ર નિજાનંદ માટે અથવા બદલાની અપેક્ષા વિના સ્વૈચ્છિક રીતે હાથ ધરવામાં આવતાં હોય છે; દા. ત., શરીરસૌષ્ઠવ માટે કસરત કરવી, મનોરંજન માટે રમતગમત કે આનંદપ્રમોદનાં કાર્યો હાથ ધરવાં, સમાજના ઉત્થાન માટે સેવાનાં કાર્યો કરવાં વગેરે.
પરંતુ રોજગારી એ આર્થિક વિભાવના છે અને તેથી તેનો હેતુ કાર્યના બદલામાં વળતર પ્રાપ્ત કરવાનો હોય છે. રોજગારી એ ભૌગોલિક વિસ્તાર અથવા કોઈ વ્યવસાય કે ઉદ્યોગના સંદર્ભમાં કામ કરનાર શ્રમદળની સંખ્યા અથવા ટકાવારીનો નિર્દેશ કરે છે, જેના પરથી બેકારીનો અંદાજ કાઢવામાં આવે છે. કલ્યાણલક્ષી રાજ્યમાં રોજગારીનું વિસ્તરણ કરી બેકારીનું પ્રમાણ ઓછામાં ઓછું રાખવા અંગેની નીતિ સમગ્ર આર્થિક નીતિનો અગત્યનો ભાગ ગણવામાં આવે છે. બેકારીની ગણતરી કરતી વેળાએ, કામ કરવાની ઇચ્છા, કામ કરવાની લાયકાત અને શ્રમબજારમાં પ્રવર્તમાન વેતનદરે કામ સ્વીકારવા તૈયાર હોય છતાં જેમને આજીવિકાલક્ષી કામ મળતું ન હોય તેમની જ ગણતરી બેકારોમાં કરવામાં આવે છે. વિશ્વના ઘણા પ્રગતિશીલ દેશોમાં કામ કરવાનો એટલે કે રોજગારી મેળવવાનો અધિકાર (right to work) મૂળભૂત હક તરીકે સ્વીકારવામાં આવ્યો છે અને જે સંભાવ્ય (prospective) શ્રમિકોને રાજ્ય દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવતી નથી તેમને બેકારીના ગાળા દરમિયાન રાહત (dole) ચૂકવવામાં આવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે