કાર્યપ્રણાલી-સંશોધન

January, 2006

કાર્યપ્રણાલી-સંશોધન (Operational Research) : ઇજનેરી અને ઔદ્યોગિક સંચાલન જેવી જટિલ પ્રણાલીઓને ગણિતના વ્યાપક વિનિયોગ દ્વારા વર્ણવતી કાર્યપદ્ધતિ. કાર્યપ્રણાલી-સંશોધન (OR) બીજા વિશ્વયુદ્ધની ફલશ્રુતિ છે. યુદ્ધમાં ટાઇમ-બૉમ્બના ઉપયોગ માટે અને જુદી જુદી વ્યૂહરચનાઓ માટે કાર્યપ્રણાલી-સંશોધનનો ઉપયોગ થયો હતો. યુદ્ધ બાદ ઉદભવેલી આર્થિક મંદીના ઝડપી સુધારા માટે યુ.કે.માં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનાં ઘણાં અનુકૂળ પરિણામો આવ્યાં. તેથી વધુ પદ્ધતિસર પ્રયત્નો દ્વારા કાર્યપ્રણાલી-સંશોધને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પ્રવેશ મેળવ્યો. તેમાં મળેલી સફળતાને લઈને તેનો ઉપયોગ શૈક્ષણિક તેમજ સરકારી કાર્યસંસ્થાઓ સહિત અન્ય ક્ષેત્રોમાં પણ થવા લાગ્યો.

1953માં યુ.એસ.એ.માં કાર્યપ્રણાલી-સંશોધનની રાષ્ટ્રીય સમિતિ રચાઈ અને 1957માં આંતરરાષ્ટ્રીય કાર્યપ્રણાલી-સંશોધનસંસ્થાની સ્થાપના કરવામાં આવી. ત્યારપછી ઘણાં કાર્યક્ષેત્રોમાં તેનો ઉપયોગ થવા લાગ્યો. કાર્યપ્રણાલી-સંશોધન વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જટિલ પરિસ્થિતિઓ અને પ્રભાવક પરિબળોને કારણે પ્રણાલિકાગત નિર્ણય કરવામાં નડતી મુશ્કેલીઓ અને મર્યાદાઓને તે દૂર કરે છે. કાર્ય દરમિયાન ઉદભવતા પ્રશ્નોનો યોગ્ય ઉકેલ મેળવવામાં બીજી પદ્ધતિઓની સરખામણીમાં તે વિશેષ મદદરૂપ થાય છે. આમ કાર્યપ્રણાલી-સંશોધન એ નિર્ણય નથી પણ યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થતી રીત છે. તેમાં નમૂના ઉપર પ્રયોગ કરી ભાવિ અસરોનું કથન કરી શકાય છે. આ રીતે વિજ્ઞાનની બીજી શાખાઓથી તે જુદું પડે છે. નીચેનાં સોપાનો દ્વારા કાર્યપ્રણાલી-સંશોધનમાં યોગ્ય નિર્ણય લઈ શકાય છે : (1) કોયડાને ગણિતીય રૂપ આપવું, (2) ઇષ્ટતમ (optimum) ઉકેલનું વર્ણન, (3) ગણિતીય રૂપ(model)ની ચકાસણી કરવી તથા (4) કોયડાનો અમલ અને નિયંત્રણ કરવાં.

ઉત્પાદનક્ષેત્રમાં મર્યાદિત સાધનો દ્વારા મહત્તમ ઉત્પાદન અથવા તો ન્યૂનતમ ઉત્પાદનખર્ચ, વિતરણવ્યવસ્થામાં ઓછામાં ઓછા અંતરમાં બધી જગ્યાએ જરૂરી માલનું વિતરણ, પરિવહનક્ષેત્રે ઉપલબ્ધ સાધનો દ્વારા સમયબદ્ધ રીતે મહત્તમ ક્ષેત્રોને સંતોષવાં, મહત્વની અને કીમતી વસ્તુની ડિઝાઇનમાં ઓછામાં ઓછું વજન કે મહત્તમ ગુણવત્તા એમ અનેક ક્ષેત્રના કોયડાઓ કાર્યપ્રણાલી-સંશોધન દ્વારા ઉકેલાય છે.

આ રીતે કાર્યપ્રણાલી-સંશોધન નિર્ણય કરવાની પ્રક્રિયામાં ખૂબ મદદરૂપ બને છે. આ પ્રક્રિયામાં વિવિધ ક્ષેત્રોને લગતા નિષ્ણાતો ઉદભવતી સમસ્યાઓને સમગ્ર રીતે નિહાળી, તેનો અભ્યાસ કરી, પોતાનાં મંતવ્યો રજૂ કરે છે. તેથી કાર્યપ્રણાલી-સંશોધનોનો ઉપયોગ કોઈ પણ ધંધાકીય પરિસ્થિતિ કે સમસ્યાનું વિશ્લેષણ કરવા અને યોગ્ય નિર્ણય લેવા માટે થાય છે. ગણિતશાસ્ત્રની મદદથી અનેક વિભિન્ન પદ્ધતિઓનો વિનિયોગ કરવામાં આવે છે.

કાર્યપ્રણાલી-સંશોધન (OR) દ્વારા જુદા જુદા ક્ષેત્રના કોયડા ઉકેલવા નીચે પ્રમાણેની રીતો ઉદભવી છે અને બહોળા પ્રમાણમાં વપરાય છે : (1) રેખીય પ્રોગ્રામિંગ, (2) બિનરેખીય પ્રોગ્રામિંગ, (3) ટ્રાન્સપોર્ટેશન રીત, (4) વેઇટિંગ લાઇન અથવા ક્યુઇંગ થીઅરી, (5) ગેમ થીઅરી, (6) સીક્વન્સિંગ થીઅરી વગેરે.

સુ. ર. ઓઝા

ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ