કાર્યક્ષમતા, આર્થિક : ઉત્પાદનનાં સાધનો તથા અન્ય નિવેશ(inputs)નાં ઉપયોગ અને ફાળવણીની કાર્યસાધકતા. ઓછામાં ઓછા ખર્ચે, સાધનોના દુર્વ્યય વિના તથા તકનીકી કાર્યક્ષમતા સહિત મહત્તમ ઉત્પાદન હાંસલ કરવાથી ઉત્પાદનની કાર્યક્ષમતાનો ઇષ્ટ સ્તર જાળવી શકાય છે. અર્થશાસ્ત્રમાં આ ખ્યાલ પેઢી, આર્થિક એકમો, વ્યવસ્થાપદ્ધતિ (system) તથા શ્રમના ઘટકની ક્ષમતા (performance) સાથે સંબંધ ધરાવે છે.
ઔદ્યોગિક ક્રાંતિ સુધી ‘આર્થિક કાર્યક્ષમતા’ શબ્દપ્રયોગ સામાન્ય અર્થમાં થતો હતો. અઢારમી સદીમાં પ્રથમ ઇજનેરી વિદ્યાશાખામાં અને ત્યારબાદ અર્થશાસ્ત્રમાં પેઢી, ઉદ્યોગ અને શ્રમના સંદર્ભમાં ઔદ્યોગિક કાર્યક્ષમતા માપવા માટે ચોક્કસ આધારની શોધ માટે પ્રયત્નો થયા. ઇજનેરી વિદ્યા અને ખાસ કરીને યંત્રવિદ્યા-(mechanical engineering)માં ઊર્જાશક્તિ તથા અન્ય જે સાધનો અને નિક્ષેપો દ્વારા ઉપયોગી ઉત્પાદન મેળવવામાં આવે છે તે બંને વચ્ચેના સંબંધ ઉપરથી યંત્રની કાર્યક્ષમતા મૂલવવામાં આવે છે.
કાર્યક્ષમતાનો ખ્યાલ ઉત્પાદકતાના ખ્યાલ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. ઘણા વિચારકો કાર્યક્ષમતા અને ઉત્પાદકતાને સમાનાર્થી ગણે છે; પરંતુ પી. એસ. ફ્લૉરેન્સ અને એ. જે. બ્રાઉન જેવા વિચારકોના મંતવ્ય મુજબ ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વચ્ચે ભેદ છે. હવે આ ભેદ સારી રીતે સમજાયો છે.
વિવિધ સમય, સંજોગો તથા વાતાવરણમાં વિભિન્ન ઉત્પાદકીય એકમોની કાર્યક્ષમતા એ પણ એક અગત્યની બાબત છે. ચોક્કસ સમય, સંજોગો તથા વાતાવરણમાં શ્રેષ્ઠ કામગીરી હાંસલ કરવા પેઢીએ કયો સ્તર પ્રાપ્ત કરવો છે તે અંગેનો ખ્યાલ કદ-આધારિત (scale) કાર્યક્ષમતા સાથે સંબંધ ધરાવે છે.
લઘુતમ ઉત્પાદનખર્ચ, મહત્તમ ઉત્પાદન અને ગુરુતમ નફો એ આર્થિક કાર્યક્ષમતા માપવા માટેના ત્રણ મુખ્ય માપદંડ છે અને તે પરસ્પર સંકળાયેલા છે. પૅરેટો જેવા અર્થશાસ્ત્રીઓએ મહત્તમ સામાજિક કલ્યાણના સંદર્ભમાં અર્થતંત્રમાં સાધનોની ફાળવણી દ્વારા આર્થિક કાર્યક્ષમતા માપવાનો ખ્યાલ વિકસાવ્યો છે.
હર્ષદ ઠાકર