કારીગર તાલીમ યોજના : વિવિધ ઉદ્યોગો અને સેવાક્ષેત્રોની ઉત્પાદન અને સેવાની લગતી બાબતોમાં ઉત્પાદકતા અને ગુણવત્તામાં સુધારો અને વધારો થાય તે માટેની તાલીમ યોજના.
તેના મુખ્ય ઉદ્દેશો છે –
(1) જરૂરી કૌશલ્યો ધરાવતું માનવબળ ઉપલબ્ધ બનાવવું,
(2) જુદા જુદા ક્ષેત્રે વિકસતી જતી ટેકનૉલોજીથી ઉમેદવારોને સતત સજ્જ કરતા રહેવું, તથા
(3) વેતન અને સ્વરોજગારી માટે ઉમેદવારોને તાલીમ આપી તૈયાર કરવા.
આ યોજનાનો પ્રારંભ ભારત સરકારે સૌપ્રથમ 1940માં રાષ્ટ્રીય ધોરણે ‘યુદ્ધ ટેકનિશિયન તાલીમ યોજના’ તરીકે કર્યો હતો. તે સમયે આ યોજના દેશના સંરક્ષણ દળોની તાકીદની જરૂરિયાત પૂરી કરવા માટે અને સંરક્ષણને લગતાં ક્ષેત્રોમાં રોકાયેલા ઔદ્યોગિક એકમો માટે કુશળતા ધરાવતા કારીગરોનું માનવબળ ઊભું કરવા માટે આરંભાઈ હતી. આ રીતે આરંભાયેલી આ યોજનાની સમીક્ષા કરવા માટે 1944માં રચાયેલી સમિતિએ – ટેકનિકલ તાલીમ સલાહકાર સમિતિએ – આ યોજનાને યુદ્ધ અને સંરક્ષણ પૂરતું સીમિત રાખવાને બદલે આ યોજના દ્વારા રાષ્ટ્રીય ધોરણે સમગ્ર દેશના ઔદ્યોગિક એકમો અને સેવાક્ષેત્રો માટે નિર્દિષ્ટ તમામ ઉદ્દેશો લાગુ પાડવાના આશય સાથે ‘રાષ્ટ્રીય કારીગર તાલીમ યોજના’ તૈયાર કરી હતી અને રાષ્ટ્રીય કારીગર પ્રમાણપત્ર એનાયત કરવા સહિતની યોજના અમલમાં મૂકવા ભલામણ કરી હતી.
પ્રથમ તબક્કે યુદ્ધ સિવાયના શાંતિના સમયમાં, દેશના માજી સૈનિકોને તાલીમ માટે ઉપયોગમાં લેવાની શરૂઆત કરવામાં આવી. આ માજી સૈનિક તાલીમ યોજનાનો ખર્ચ રાષ્ટ્ર અને રાજ્યો વચ્ચે 60 : 40ના પ્રમાણથી ભોગવાતો હતો. આ માજી સૈનિક તાલીમ યોજના 1950 સુધી અમલમાં રહ્યા બાદ 1951થી રાષ્ટ્રના નાગરિકો માટે આ યોજના શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. આ યોજના નાગરિકો માટે શરૂ કરાયા પછી તુરત ‘અનંતશયનમ કમિટી’ની ભલામણ અનુસાર અખિલ ભારતીય ટ્રેડ સર્ટિફિકેશન બૉર્ડ રચાયું અને 1952માં આ તાલીમ યોજનાનું રોજબરોજનું સંચાલન રાજ્યો હસ્તક તબદીલ કરી 60 % ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે અને 40 % ખર્ચ જે તે રાજ્ય ભોગવે તે રીતે યોજના આગળ વધારાઈ. 1956માં આ યોજનાના અસરકારક અમલ માટે ‘નૅશનલ કાઉન્સિલ ફૉર ટ્રેનિંગ ઇન વૉકેશનલ ટ્રેડ્ઝ’(NCTVT; હવે નૅશનલ કાઉન્સિલ ફૉર વૉકેશનલ ટ્રેડ્ઝ – NCVT)ની સ્થાપના કરાઈ. આ સંસ્થા કારીગર તાલીમ યોજના માટે ભારત સરકારને સલાહસૂચન આપતી સર્વોચ્ચ સંસ્થા બની, જે સમય જતાં પોતાનાં ક્ષેત્રો વિકસાવતી આજે પણ પોતાની કામગીરી અસરકારક રીતે બજાવી રહી છે. 1969થી કારીગર તાલીમ યોજના હેઠળના સંપૂર્ણ ખર્ચની જવાબદારી રાજ્યોને શિરે છે.
કારીગર તાલીમ યોજનાની મુખ્ય મુખ્ય વિગતો :
આ યોજના અંતર્ગત મુખ્યત્વે બે પ્રકારના પૅટર્ન ધરાવતા વ્યવસાયો અમલમાં છે –
1. નૅશનલ કાઉન્સિલ ફૉર વૉકેશનલ ટ્રેનિંગ (NCVT) – પૅટર્નના વ્યવસાયો; એટલે કે રાષ્ટ્રકક્ષાની વૉકેશનલ ટ્રેનિંગ અને
2. ગુજરાત કાઉન્સિલ ફૉર વૉકેશનલ ટ્રેનિંગ (GCVT) – પૅટર્નના વ્યવસાયો; એટલે કે રાજ્યકક્ષાની વૉકેશનલ ટ્રેનિંગ.
હાલ 2004માં NCVT પૅટર્ન હેઠળ 65 જેટલા વ્યવસાયો અને GCVT પૅટર્ન હેઠળ હાલ 42 જેટલા વ્યવસાયો અંગે કૌશલ્યનિર્માણ કરતી કારીગર તાલીમ યોજના અમલમાં છે.
આ યોજના અંતર્ગત વ્યવસાયોનો તાલીમગાળો એક વર્ષથી 3 વર્ષ સુધીનો હોય છે. સમગ્ર તાલીમગાળા દરમિયાન વેકેશન હોતું નથી. જોકે કેટલાક ટ્રેડની તાલીમનો ગાળો 6 માસનો પણ છે. દરરોજ સરેરાશ 6થી 8 કલાકનો સમય હોય છે. જે પૈકી 4થી 5 કલાકની પ્રાયોગિક તાલીમ હોય છે. તમામ ઉમેદવારો માટે ન્યૂનતમ વય 14 વર્ષ અને ઉચ્ચતમ વય 40થી વધુ નહિ – તે અનિવાર્ય છે; પરંતુ વિધવા, ત્યક્તા, માજી સૈનિકો, અપંગો, પછાત વર્ગો વગેરે માટે વયમર્યાદામાં છૂટછાટની જોગવાઈ છે. વિવિધ પ્રકારના વ્યવસાયો(trades)ને મુખ્યત્વે બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવેલા છે : 1. ઇજનેરી વ્યવસાયો, 2. બિનઇજનેરી વ્યવસાયો. જે તે વ્યવસાયના અભ્યાસક્રમની જરૂરિયાત અનુસાર નક્કી કરાયેલ પ્રવેશ-લાયકાત પણ ભિન્ન ભિન્ન છે; જેમાં ધોરણ 10 + 2ની પદ્ધતિમાં – ધોરણ 7 પાસ, ધોરણ 8 પાસ, એસ.એસ.સી.ની પરીક્ષા ગણિત અને વિજ્ઞાન સાથે પાસ, એસ.એસ.સી. પાસ, ધો. 12 પાસ, ધો. 12 અમુક ખાસ વિષયો સાથે પાસ – વગેરેનો સમાવેશ થાય છે.
રાજ્યકક્ષાના કે રાષ્ટ્રકક્ષાના અભ્યાસક્રમો સામાન્ય પ્રકારના, ખાસ અંગભૂત યોજના હેઠળના, આદિવાસીઓ માટેના, મહિલાઓ માટેના, અંધ-અપંગો માટેના પણ છે.
(ક) NCVT-પૅટર્નના વ્યવસાયોની તાલીમ માટે જે તે સંસ્થાએ રાજ્યસરકારની સંસ્થા હોય, અનુદાન સહાય લેતી હોય કે સ્વનિર્ભર પ્રકારની ખાનગી માન્ય સંસ્થા હોય તોપણ જે તે ટ્રેડ માટે ભારત સરકારના શ્રમ-મંત્રાલયના D.G.E.T.ની અનુમતિ મેળવેલ હોવી જોઈએ. આવી અનુમતિ મેળવેલ હોય તે ટ્રેડની તે સંસ્થામાં તાલીમ લેતા ઉમેદવારો જ અખિલ ભારતીય વ્યાવસાયિક કસોટી(All India Trade Test)માં બેસી શકે છે.
(ખ) GCVT-પૅટર્નના વ્યવસાયોની તાલીમ માટે જે તે સંસ્થાએ રાજ્યના ડિરેક્ટરેટ ઑવ્ એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ ટ્રેનિંગ હેઠળની કાઉન્સિલ ફૉર વૉકેશનલ ટ્રેડ્ઝ(GCVT)ની અનુમતિ મેળવેલ હોવી જોઈએ.
(ગ) આ યોજના હેઠળના NCVT-પૅટર્નના વ્યવસાયની તાલીમ લઈ, અખિલ ભારતીય કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારને ‘રાષ્ટ્રીય તાલીમ પ્રમાણપત્ર’ (National Trade Certificate) D.G.E.T દ્વારા અને GCVT-પૅટર્નના વ્યવસાયની તાલીમ લઈ રાજ્યકક્ષાની તાલીમ કસોટીમાં ઉત્તીર્ણ થનાર ઉમેદવારને GCVT હેઠળ ડિરેક્ટરેટ ઑવ્ એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ ટ્રેનિંગ દ્વારા State Trade Certificate આપવામાં આવે છે.
(ઘ) ગુજરાત રાજ્યમાં કારીગર તાલીમ યોજના હેઠળના વ્યવસાયોની તાલીમ ચાર પ્રકારની સંસ્થાઓ મુખ્યત્વે આપે છે.
(1) ડિરેક્ટરેટ ઑવ્ એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ ટ્રેનિંગ, ગુજરાત સ્ટેટ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ-સંસ્થાઓ (Govt. I.T.I.S.)
(2) ડિરેક્ટરેટ ઑવ્ એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ ટ્રેનિંગ, ગુજરાત રાજ્ય હેઠળના – અનુદાન-સહાય લેતાં ઔદ્યોગિક તાલીમ-કેન્દ્રો (Grant- In Aid Industrial Training Centres)
(3) ડિરેક્ટરેટ ઑવ્ ટેકનિકલ એજ્યુકેશન, ગુજરાત રાજ્ય હેઠળની સરકારી ટેકનિકલ હાઈસ્કૂલો/સંસ્થાઓ/કેન્દ્રો.
(4) ડિરેક્ટરેટ ઑવ્ એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ ટ્રેનિંગ દ્વારા માન્ય થયેલી – અનુદાન-સહાય ન લેતી બિનસરકારી-સ્વનિર્ભર સંસ્થાઓ.
(ચ) સરકારી ઔદ્યોગિક તાલીમ-સંસ્થાઓ અને અનુદાન સહાય લેતાં ઔદ્યોગિક તાલીમ-કેન્દ્રોમાં પ્રવેશ-તાલીમ સંબંધી બધી જ કાર્યવહી ડિરેક્ટરેટ ઑવ્ એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ ટ્રેનિંગ, ગુજરાત રાજ્ય હેઠળ છે; જ્યારે બાકીની-બે પ્રકારની-તાલીમ આપતી સંસ્થાઓ પ્રવેશ-કાર્યવહી પોતાની રીતે હાથ ધરે છે અને તાલીમ, પરીક્ષા વગેરે માટે ડિરેક્ટર ઑવ્ એમ્પ્લૉયમેન્ટ ઍન્ડ ટ્રેનિંગ, ગુજરાત રાજ્યની સૂચનાઓ અને નિયંત્રણ મુજબ કાર્ય કરે છે.
(છ) આ કારીગર તાલીમ યોજના અંતર્ગત સમયની માંગ અને બદલાતી જતી ટેકનૉલોજીને ધ્યાનમાં લેતાં વ્યવસાયોના પ્રકાર અને તેમનાં સ્વરૂપોમાં આમૂલ પરિવર્તન લાવવાના સતત પ્રયાસો થતા રહે છે.
કમ્પ્યૂટર-યુગના પ્રવેશથી ‘Skill-oriented training’નું સ્થાન ‘Knowledge-oriented training’ અને ‘Manufacturing-oriented training’નું સ્થાન ‘Service-oriented training’ના અભિગમે લેવા માંડ્યું છે. પરિણામે ટર્નર, ફિટર, કાર્પેન્ટર, ડ્રાફ્ટ્સમૅન-મિકેનિકલ, ડ્રાફ્ટ્સમૅન-સિવિલ જેવા અનેક વ્યવસાયો ઉપરાંત મેડિકલ ટ્રાન્સ્ક્રિપ્શન, નેટવર્ક ટેકનિશિયન, ડેસ્ક-ટૉપ પબ્લિશિંગ, મિકેનિક-મેકાટ્રૉનિક્સ, ઇવેન્ટ-મૅનેજમેન્ટ આસિસ્ટન્ટ, ફૅશન-ટેકનૉલોજી જેવા અનેક વ્યવસાયો અમલમાં આવ્યા છે.
ઔદ્યોગિક તાલીમ-સંસ્થાઓ, વિવિધ વ્યવસાયો તથા તાલીમાર્થીઓની સંખ્યાઓ ઉપરાંત વિધવિધ યોજનાઓ અંતર્ગત ખાસ પ્રકારના તાલીમ કાર્યક્રમોનો વ્યાપ પ્રતિ વર્ષ વધતો જતાં અસરકારક વહીવટ અને વહીવટના પ્રમાણસરના વિકેન્દ્રીકરણ દ્વારા ઝડપ લાવવાના હેતુથી અમદાવાદ, વડોદરા, સૂરત અને રાજકોટ – એમ ચાર વિભાગ પાડીને આ ચાર સ્થળોએ પ્રાદેશિક નાયબ નિયામકની કચેરીઓ ઊભી કરી જે તે વિભાગની તાલીમ-સંસ્થાઓ જે તે વિભાગના સીધા નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી છે.
આ કારીગર તાલીમ યોજનાને મહત્તમ ઉપયોગી, હેતુલક્ષી અને નિરંતર આધુનિક બનાવવા માટે રોજગાર અને તાલીમખાતું, ગુજરાત રાજ્ય સતત કાર્યરત છે.
આ યોજના હેઠળ તાલીમ લઈ, અખિલ ભારતીય વ્યવસાય કસોટી ઉત્તીર્ણ કરનાર ઉમેદવારોને ઍપ્રેન્ટિસ યોજના અને ઍપ્રેન્ટિસ ઍક્ટ હેઠળ રાજ્યના ઔદ્યોગિક એકમોમાં સમાવવાની યોજના પણ સુનિયંત્રિત રીતે અમલમાં છે. આમ થવાથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કે તે પ્રકારની સંસ્થામાં તાલીમ લેનાર ઉમેદવારને વિવિધ ઔદ્યોગિક એકમો પૈકીના સાનુકૂળ એકમમાં એક શિખાઉ કારીગર (એપ્રેન્ટિસ) તરીકે જોડાવાનો અવકાશ મળતો હોવાથી પછીના તબક્કે આવા ઉમેદવાર વેતન-રોજગારી સહેલાઈથી મેળવી શકે છે.
વળી કારીગર તાલીમ યોજના હેઠળ વિવિધ વ્યવસાયોની તાલીમ લઈ અંતિમ કસોટી ઉત્તીર્ણ કરનાર ઉમેદવારોએ જે ટ્રેડનાં શિક્ષણ અને તાલીમ લીધેલાં હોય તેના અભ્યાસક્રમના વિવિધ વિષયોના પાઠ્યક્રમોના વિષયવસ્તુને ધ્યાનમાં રાખીને તેમને અનુરૂપ એવા ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ આપવામાં આવે છે અને ‘મલ્ટિપૉઇન્ટ એન્ટ્રી ઍન્ડ ક્રેડિટ સિસ્ટિમ’ હેઠળ ક્રેડિટ આપવામાં આવે છે. આ રીતે કારીગર તાલીમ યોજના અંતર્ગત તૈયાર થયેલા ઉમેદવારો માટે ઊર્ધ્વગમન-vertical mobility-ની તક પણ હવે પ્રાપ્ય બની છે.
વી. જે. જાની
ઘનશ્યામભાઈ હરગોવિંદભાઈ ધુવાડ