કાયાકલ્પ : આયુર્વેદના પ્રાચીન કાળના આચાર્યો તથા ભારતના અનેક ઋષિમુનિઓએ માનવજીવનને દીર્ઘઆયુષી તથા યુવાનસશ સ્વસ્થ રાખવાની શોધેલી એક વિશિષ્ટ ચિકિત્સાપદ્ધતિ.
‘કાયાકલ્પ’ એટલે કાયા(દેહ)નું નવીનીકરણ, આમૂલ પરિવર્તન કે નવજીવન પામ્યાથી થતું દેહનું રૂપાંતરણ. ‘કલ્પ’ શબ્દ કોઈ ખાસ વિશિષ્ટ આહારદ્રવ્ય કે ઔષધિનો શરીરમાં ઉપયોગ કરવાની વિશિષ્ટ પદ્ધતિ માટે વપરાય છે. તેથી ‘કાયાકલ્પ’નો શબ્દશ: અર્થ થાય કોઈ વિશિષ્ટ આહારદ્રવ્ય કે ઔષધિની મદદથી શરીરનું આમૂલ નવીનીકરણ કે પરિવર્તન.
આયુર્વેદના મૂળ પ્રાચીન ગ્રંથોમાં દેહને વૃદ્ધાવસ્થા તથા રોગોથી મુક્ત કરાવી, તેને પુન: નવીન, યુવાન, સ્વસ્થ અને દીર્ઘઆયુષી બનાવનાર ‘કાયાકલ્પ’ વિશે પૂરી વિગતે માર્ગદર્શન આપેલ છે.
‘કાયાકલ્પ’ પ્રયોગો બે પદ્ધતિએ થાય છે : (1) કુટિપ્રવેશ-વિધિ દ્વારા અને (2) આતપસેવનીય પદ્ધતિએ.
(1) કુટિપ્રવેશ–વિધિથી કાયાકલ્પ : પ્રાચીન કાળમાં ચ્યવન નામના ઋષિએ ચ્યવનપ્રાશ(આમળાના અવલેહ)નો પ્રયોગ કરી કાયાકલ્પ કર્યો હતો. દેવોના વૈદ્ય-બંધુઓ અશ્વિનીકુમારોએ અતિશય વૃદ્ધ, અશક્ત, નિર્વીર્ય, ર્દષ્ટિ અને દાંતરહિત ચ્યવન ઋષિ કે જેમનાં લગ્ન યુવાન રાજકન્યા સાથે થયાં હતાં, તેમની પર ‘ચ્યવનપ્રાશ’ ઔષધિનો કુટિપ્રવેશ-વિધિથી કાયાકલ્પ કર્યો હોવાનું પુરાણો અને આયુર્વેદના ગ્રંથોમાં નોંધેલ છે. આ ઉપરાંત વિંધ્ય પર્વતમાં રહેલા માંડવ્ય નામના ઋષિએ એક ઔષધિ-અર્કના પ્રયોગથી કાયાકલ્પ કરી કાયમી જુવાની, નવજીવન અને દીર્ઘાયુષ્ય મેળવેલ. 19મી સદીમાં સદગત રાષ્ટ્રીય નેતા મદનમોહન માલવિયાએ પણ કાયાકલ્પનો આ પ્રયોગ કર્યો હતો.
કાયાકલ્પ એક એવી ઔષધિ ઉપચારપ્રક્રિયા છે, જેથી વૃદ્ધ અને નિર્બળ શરીરને તેની પૂર્વની અદૂષિત (સ્વસ્થ) યુવાની અને શક્તિ પાછાં મળે છે. તે સાથે વ્યક્તિને સ્વસ્થ દીર્ઘજીવન પણ મળે છે. કુટિપ્રવેશ કાયાકલ્પ પ્રયોગ મનુષ્યના શરીરના મૂળ પાયાના ધારક-પોષક તત્વો વાયુ, પિત્ત અને કફની કુદરતી સમતુલા સ્થાપીને તેને સંપૂર્ણ સ્વસ્થ કરે છે. શરીરની રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય આ સાતેય ધાતુઓને તેના કુદરતી (સમતોલ) રૂપમાં લાવીને દેહનાં બધાં દર્દોને મટાડે છે. આવા ‘કાયાકલ્પ’નો પ્રયોગ કરતાં પૂર્વે અનુભવી અને જાણકાર વૈદ્યો વ્યક્તિ ઉપર ‘પંચકર્મ’ (સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન, બસ્તિ જેવી) નામની દેહશુદ્ધિની પ્રક્રિયા કરે છે. તે પછી જ મુખ્ય ચિકિત્સાપ્રયોગ શરૂ કરાય છે. ‘કુટિપ્રવેશ’ એટલે ખાસ પ્રકારની કુટિર(ઝૂંપડી)માં પ્રવેશ-નિવાસ કરી, ઔષધિપ્રયોગ દ્વારા કાયાકલ્પ. આ પ્રયોગ ચિકિત્સાના ખાસ અનુભવી અને ક્રિયાકુશળ વૈદ્યોની સતત દેખરેખ, તેમનાં માર્ગદર્શન અને સહાય વિના થઈ શકતો નથી.
‘કુટિપ્રવેશ’ દ્વારા કાયાકલ્પનો પ્રયોગ કુલ 45 દિવસ સુધી ચાલે છે. આ પ્રયોગમાં એકની અંદર બીજી, બીજાની અંદર ત્રીજી એમ ત્રણ કુટિર (ઝૂંપડી-નિવાસગૃહ) એવી રીતે બનાવાય છે કે ત્રણેય કુટિરમાં ફક્ત એક જ પ્રવેશદ્વાર રખાય છે. તેમાં અન્ય કોઈ બારી રખાતી નથી. પ્રથમ કુટિરના પ્રવેશદ્વારની વિપરીત સામેની દિશામાં બીજી કુટિરનું દ્વાર રખાય છે, જ્યારે ત્રીજી કુટિરનું પ્રવેશદ્વાર બીજી કુટિરની સામેની વિપરીત દિશામાં રખાય છે. જેથી છેલ્લી ત્રીજી કુટિરમાં રહેલ વ્યક્તિને બહારના વાયુની સીધી અસર ન થાય, પણ તેને જરૂરી હવા યોગ્ય પ્રમાણમાં મળી રહે. આ પ્રયોગમાં દેહશુદ્ધ કરેલ દર્દીને આમળાનો કે અન્ય કોઈ દીર્ઘજીવન આપનાર દિવ્ય ઔષધિની બનાવટ રોજ નિયમસર માત્રામાં અપાય છે. દર્દીએ 45 દિવસ સુધી કુટિરની અંદર જ રહેવાનું હોય છે. તેણે શરીર અને મનથી સંપૂર્ણ આરામ કરવાનો હોય છે. આવા દર્દીની દેખરેખ રાખનાર વૈદ્ય સવાર-સાંજ બે વાર તપાસ કરે છે અને કોઈ ઉપદ્રવો હોય તો તેની ચિકિત્સા કરે છે. આ રીતે 45 દિવસનો પ્રયોગ પૂરો થતાં વ્યક્તિના હયાત વાળ, દાંત તથા નખ સાવ પડી જાય છે અને ત્વચા નીકળી જાય છે. તે જૂના અંગના સ્થળે તદ્દન નવા વાળ, દાંત, નખ અને ત્વચા આવી જાય છે. આ પ્રયોગના અંતે વ્યક્તિના શરીર ઉપર વૃદ્ધત્વદર્શક ત્વચાની કરચલીઓ અને તમામ રોગો નાશ પામે છે. વ્યક્તિ યુવાની અને સ્વાસ્થ્યનો આશ્ચર્યજનક તરવરાટ અનુભવે છે. તેના શરીરની બધી ઇંદ્રિયોની શક્તિઓ વધી જાય છે. તેની ર્દષ્ટિ એટલી તેજ બને છે કે ઘીના દીવાના ઝાંખા પ્રકાશમાં પણ વ્યક્તિ ચશ્માં વિના સારી રીતે વાંચી શકે છે કે સોયમાં દોરો પરોવી શકે છે. કુટિપ્રવેશ-વિધિના કાયાકલ્પથી આ સિવાય પણ બીજાં અનેક આશ્ચર્યકારક પરિણામો મળે છે. આ પ્રયોગના અંતે ખરેખર વ્યક્તિ નવીન જન્મ મળ્યો હોય તેવો સ્વસ્થ અને દીર્ઘજીવી બને છે. આયુર્વેદવિજ્ઞાનની આ એક વિશિષ્ટ, અદ્વિતીય અને અદભુત ચિકિત્સાપદ્ધતિ છે.
(2) આતપસેવનીય કાયાકલ્પ : આ પદ્ધતિમાં વ્યક્તિએ કુટિપ્રવેશ કર્યા વિના તે સાધારણ જીવન જે રીતે જીવતો હોય, તે રીતે તાપ-પવનના સામાન્ય સેવન સાથે પણ કોઈ વિશિષ્ટ ઔષધિના ખાસ પ્રયોગથી કરવામાં આવે છે. આ પ્રયોગમાં પણ પંચકર્મથી દેહશુદ્ધિ કરાય તો પરિણામ વધુ ઉત્તમ મળે છે. આમ છતાં સામાન્ય રીતે આવા દર્દીને જુલાબ આપીને પેટ-આંતરડાં સાફ કરીને કોઈ ખાસ ઔષધિનો અમુક (21-42) દિવસ સુધી વિશિષ્ટ રીતે સેવન કરાય છે; જેમાં પ્રાય: બીજો કશો ખોરાક લેવાતો નથી. આ પ્રકારના પ્રયોગનું પરિણામ ‘કુટિપ્રવેશ-વિધિ’ જેવું ઉત્તમ નહિ, પણ મધ્યમ પ્રકારે ઉત્તમ મળે છે. જેનાથી શરીરના રોગો તથા નબળાઈ દૂર થઈ સંપૂર્ણ સ્વાસ્થ્ય અને દીર્ઘજીવનનો લાભ મળે છે. આ પ્રયોગ પણ અનુભવી-જાણકાર વૈદ્યના માર્ગદર્શન તથા દેખરેખ નીચે કરવો હિતાવહ ગણાય છે. આમ છતાં આ અંગેનાં માર્ગદર્શક પુસ્તકોની મદદથી પણ આ પ્રયોગ થાય છે.
‘આતપસેવનીય કાયાકલ્પ’ પ્રયોગમાં જે ખાસ (ઔષધિઓના) પ્રયોગો થાય છે, તે આ મુજબ છે : દુગ્ધ-કલ્પ, તક્ર-કલ્પ, બ્રાહ્મી-કલ્પ, નિમ્બ-કલ્પ, પુનર્નવા-કલ્પ, પલાશ(ખાખરો)-કલ્પ, અશ્વગંધા-કલ્પ, ગોરખમુંડી-કલ્પ, શાલ્મલી-કલ્પ, નિર્ગુંડી-કલ્પ, ભૃંગરાજ-કલ્પ, ત્રિફલા-કલ્પ, મુસલી-કલ્પ, ચિત્રક-કલ્પ, બિલી-કલ્પ, રુદ્રવંતી-કલ્પ, જ્યોતિષ્મતિ-કલ્પ, શ્વેતાર્ક-કલ્પ, ચ્યવનપ્રાશ-કલ્પ, એરંડ-કલ્પ, સૂંઠી-કલ્પ આદિ.
‘આતપસેવનીય કાયાકલ્પ’ના પ્રયોગો સામાન્ય લોકો આહાર-વિહારના થોડાક નિયમોના પાલન સાથે કરીને, સ્વાસ્થ્ય-સુધારણા અને આયુષ્ય લંબાવવાનો લાભ મેળવી શકે છે; જેમાં પ્રાય: દિવ્ય ઔષધિઓનો જ ઉપયોગ કરવામાં આવે છે.
બળદેવપ્રસાદ પનારા