કાયદેસરનું ચલણ : ચુકવણી માટે પરિપક્વ થયેલા દેવાની પતાવટ માટે યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે દેવાદાર દ્વારા રજૂ કરવામાં આવેલું એવું ચલણ, જે કાયદેસર હોવાથી લેણદારે સ્વીકારવું જ પડે છે. જે લેણદાર દેવાની પતાવટ સામે તેવું ચલણ સ્વીકારવાની ના પાડે તે પોતાનો ધારણાધિકાર (lien) ગુમાવે છે અને તે પછીના સમય માટે તે દેવાદાર પાસેથી કોઈ વ્યાજ આકારી શકતો નથી; જોકે તેવા કિસ્સામાં મૂળ દેવું અને તેના પરનું તે સમય સુધીનું કાયદેસર વ્યાજ વિસર્જિત થતું નથી. ‘કાયદેસર ચલણ’ માટે બે શરતોનું પાલન અનિવાર્ય હોય છે : (1) નાણાં ચૂકવવાની દરખાસ્ત બિનશરતી હોવી જોઈએ. (2) ચુકવાતાં નાણાંની રકમ દેવાની રકમ જેટલી એટલે કે સર્વથા ચોક્કસ હોવી જોઈએ, તેમ છતાં જો દેવાદાર દેવાની પતાવટ દરમિયાન લેણદારને વધુ રકમ આપે તો દેવાની ચોક્કસ રકમ ઉપરાંતની વધારાની રકમ દેવાદારને પરત ચૂકવવા લેણદાર બંધાયેલો હોય છે. આવી વધારાની રકમની પરત ચુકવણીને પણ કાયદેસર ચલણના નિયમો સર્વથા લાગુ પડે છે. દેવાની પતાવટ દરમિયાન કાયદેસર ચલણમાંથી કયા ચલણની મહત્તમ કેટલી રકમ ચૂકવી શકાય તે અંગેના પણ નિયમો હોય છે. સામાન્ય રીતે ઓછું નાણાકીય મૂલ્ય ધરાવતા સિક્કાને મહત્તમ ચુકવણી અંગેની મર્યાદા લાગુ પડે છે; દા.ત., નિકલના સિક્કા. તેટલે અંશે આવા સિક્કા મર્યાદા ઉપરાંતના દેવાની પતાવટ માટે કાયદેસર ચલણ ગણાય નહિ.
સામાન્ય રીતે દેશની સરકારે બહાર પાડેલું ચલણ ‘કાયદેસર ચલણ’ની કક્ષામાં આવે છે. કેટલાક દેશોમાં સરકાર દ્વારા આવું ચલણ બહાર પાડવાની સત્તા દેશની મધ્યસ્થ બૅંક આપેલી હોય છે, જેથી મધ્યસ્થ બૅંક દ્વારા ફરતું કરવામાં આવેલું અમુક મૂલ્ય સુધીનું ચલણ ‘કાયદેસર ચલણ’ બને છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે