કાયદાશાસ્ત્ર

ન્યાયી સમાજવ્યવસ્થા અને જીવનમૂલ્યોનું જતન કરે તેવી વ્યવસ્થા માટેના કાયદાનું શાસ્ત્ર. કાયદાનું શાસન સુસંસ્કૃત સમાજ માટે અનિવાર્ય ગણાય છે. કાયદાના શાસનમાં કાયદાના નિયમો પ્રમાણે વ્યવસ્થિત રીતે ન્યાયી સમાજવ્યવસ્થા વિકસે અને માનવીય મૂલ્યોનું જતન થાય એવી વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આમ થવા માટે કાયદાના સુનિશ્ચિત સિદ્ધાંતો અને જોગવાઈઓ હોવાં જરૂરી છે. સમાજની વ્યવસ્થા ગોઠવવા માટે તથા ગતિશીલ સમાજમાં નવાં સામાજિક અને આર્થિક પરિબળોના સમાવેશ માટે કાયદામાં ફેરફાર થતો રહે એ જરૂરી છે. આમ કાયદા કરવાની પ્રક્રિયા નિરંતર ચાલુ રહે તે સમાજના હિતમાં જરૂરી છે, જેથી પ્રત્યેક સામાજિક સમસ્યાના ઉકેલ માટે યોગ્ય કાયદો ઘડી તે પ્રમાણે ધાર્યું પરિણામ લાવી શકાય. આમ કાયદા, કાયદા ઘડવાની સંસ્થા તથા કાયદાનો અમલ કરનારી વ્યવસ્થા એ વ્યવસ્થિત સમાજનાં અનિવાર્ય અંગો છે.

પ્રાચીન કાળમાં કાયદાની મહત્તા સ્વીકારાયેલી હોવાનું જણાય છે. પ્રાચીન ગ્રીસમાં પ્લેટોએ કાયદાની મહત્તા સ્વીકારેલી અને કાયદાના ગ્રંથોને પ્રજાના શ્રેષ્ઠ સાહિત્ય તરીકે ગણાવ્યા હતા અને કાયદાએ પ્રજાનું શાણપણ વધારવાનું કાર્ય કરવું જોઈએ એમ જણાવ્યું છે. ઍરિસ્ટોટલે પણ રાજકારણ કરતાં કાયદાને વધારે મહત્વ આપ્યું છે કારણ કે રાજકારણથી તાત્કાલિક પ્રશ્નોનો નિકાલ કરી શકાય, પણ કાયદાથી તો લાંબા ગાળાની અસરો નિપજાવી શકાય. રોમનકાળમાં, સામ્રાજ્યની વહીવટી વ્યવસ્થા માટે તથા તેની પ્રજાઓમાં સમાજજીવન વ્યવસ્થિત રાખવા માટે કાયદાની જરૂરિયાત વધારે સમજાઈ હતી. સિસેરોએ તો જણાવ્યું હતું કે કાયદો એટલે લિખિત તર્ક.

પ્રાચીન ભારતમાં પણ શ્રુતિ, સ્મૃતિ અને ધર્મશાસ્ત્રો વગેરેને કાયદાનાં પ્રમાણભૂત ઉદભવસ્થાનો ગણવામાં આવતાં અને તત્કાલીન સમાજજીવન આ ગ્રંથોના અંતર્ગત સિદ્ધાંતો પર આધારિત વ્યવહાર પર મંડાયું હતું. આ શાસ્ત્રોનો કાયદો પ્રણાલીગત અને ધાર્મિક માન્યતા પર આધારિત હતો. શાસ્ત્રોમાં કાયદાને રાજ્યસત્તા કરતાં પણ ઉચ્ચતર ગણાવ્યો છે અને તે રાજાઓનો પણ રાજા છે એમ જણાવ્યું છે. આવા લિખિત શાસ્ત્રીય કાયદા ઉપરાંત ઘણી જ્ઞાતિઓ અને જાતિઓના વણલખ્યા પ્રણાલીગત રૂઢિરિવાજો પણ સંબંધિત લોકો પાળતા હોવાથી, તેને પણ કાયદાનું સ્વરૂપ પ્રાપ્ત થયેલું હતું. છેક આજ સુધી તેનો અમલ થતો જોવામાં આવે છે.

આધુનિક સંદર્ભમાં, રાજ્યના કાયદા પ્રજાની ઇચ્છાઓ અને આકાંક્ષાઓની અભિવ્યક્તિરૂપે જણાય છે. સંબંધિત પ્રજા નૈતિકતાના જે નિયમો પાળતી હોય અને ધોરણો જાળવતી હોય તેને અનુરૂપ ત્યાંનો કાયદો હોવો જોઈએ. આવા કાયદાના પાલન માટે બળનો પ્રયોગ પણ અનિવાર્ય બને છે.

રાજ્યની જાળવણી માટે, વ્યક્તિના સ્વાતંત્ર્ય માટે તથા સમાજજીવન નીતિમય ધોરણે ચાલે તે માટે કાયદો જરૂરી હોય એેટલી ન્યૂનતમ કક્ષાએ નૈતિકતા જાળવી શકે. માનવોના આંતરિક વિચારોને કે અંગત જીવનને તે સ્પર્શી શકતો નથી તે એની મર્યાદા છે. કાયદાની કોઈ પણ પદ્ધતિમાં, કાયદા હેઠળની ફરજ અને નૈતિક ફરજ હંમેશાં એકસરખી હોઈ શકે નહિ. કાયદાના અને નીતિના નિયમો વચ્ચેનો તાત્વિક ભેદ સમજવો આવશ્યક છે. કાયદાના નિયમો કાયદામાં ફેરફાર કરીને બદલી શકાય છે, નીતિના નિયમો કાયદાથી ફેરવી શકાતા નથી. કોઈ પણ કાયદાનું નીતિના ધોરણે મૂલ્યાંકન કરીને તેને બદલવાનું યોગ્ય લાગે, તો તે બદલી શકાય છે, પણ જ્યાં સુધી તે બદલવામાં ન આવે ત્યાં સુધી તે કાયદા તરીકે બંધનકર્તા રહે છે.

કાયદાશાસ્ત્રીઓના જુદા જુદા અભિગમોને લઈને કાયદા અંગેની શાસ્ત્રીય વિચારણામાં અનેક વિચારસરણીઓ અને પદ્ધતિઓ વિકસી છે. તે પૈકી મહત્વની ચાર વિચારસરણીઓનો ઉલ્લેખ પ્રસ્તુત બને છે : (1) નૈસર્ગિક (કુદરતી) કાયદાનો સિદ્ધાંત, (2) આજ્ઞાર્થ કાયદાનો સિદ્ધાંત, (3) વાસ્તવિકતાવાદ, અને (4) સામાજિકતાવાદ.

કુદરતી કાયદાનો સિદ્ધાંત : આ સિદ્ધાંત પ્રમાણે કાયદો શું છે, તે ઉપરાંત તે કેવો હોવો જોઈએ તેની ચર્ચા કરવામાં આવે છે. કાયદો તર્કસંગત અને નીતિસંગત હોવો જોઈએ એવો આ વિચારસરણીનો આગ્રહ છે. આ વિચારસરણી પ્રાચીન ગ્રીક અને રોમન સમયથી અત્યાર સુધી યુરોપ અને અમેરિકામાં પ્રચલિત રહી છે. પ્રાચીન ભારતનાં ધર્મશાસ્ત્રો અને તત્વજ્ઞાનમાં તેનું મહત્ત્વનું સ્થાન હતું. તે અનુસાર કાયદાના નિયમો કુદરતના અને તર્કના સિદ્ધાંતોને અનુરૂપ હોવા જોઈએ. મનુષ્ય કુદરતી રીતે અમુક રીતે વર્તે છે. મનુષ્યે સહજ નૈસર્ગિક વૃત્તિ પ્રમાણે વર્તવું જોઈએ. નૈસર્ગિક પ્રવૃત્તિ નૈતિક બને છે. તેવી પ્રવૃત્તિ કુદરતના નિયમો પર આધારિત હોય છે અને તેવા નિયમો એ જ કુદરતી કાયદો છે. મનુષ્ય અને તેનું જીવન પ્રકૃતિનું અંગ છે અને તેના જીવનનું પણ કુદરતે કોઈ વિશિષ્ટ પ્રયોજન ધાર્યું હોય છે. માનવજીવનના પ્રયોજનની સિદ્ધિ પ્રકૃતિના નિયમો પ્રમાણે જીવન ગાળવામાં રહેલી છે. કુદરતે ધારેલું પ્રયોજન માનવે પોતાની તર્કબુદ્ધિથી શોધી કાઢવાનું હોય છે.

કુદરતી કાયદાના સમર્થનમાં એક અભિગમ એ છે કે મનુષ્યનો સ્વભાવ, તેની વૃત્તિઓ અને આવશ્યકતાઓને સંતોષી શકે તેવા કેટલાક સર્વસામાન્ય સિદ્ધાંતોનું સંકલન કરીને કુદરતી કાયદાના સિદ્ધાંતો અને નિયમોની રચના થઈ શકે. આ વિચારસરણીના કાયદાશાસ્ત્રીઓ કુદરતી ધોરણે અન્યાયી ઠરતા કાયદાને કાયદો માનતા નથી અને વ્યક્તિને તે બંધનકર્તા નથી એમ માને છે.

આજ્ઞાર્થ કાયદાનો સિદ્ધાંત : વિધાનવાદ : આ સિદ્ધાંત પ્રમાણે, કાયદાશાસ્ત્રે નક્કી કરેલાં ધોરણો પ્રમાણે નિર્મિત અને પ્રમાણિત નિયમો અને સિદ્ધાંતોને અનુલક્ષીને કાયદાના સ્વરૂપની ચર્ચા કરવામાં આવે છે. કાયદો એ રાજ્યનો આદેશ અથવા આજ્ઞા છે એ સિદ્ધાંતનું અનુસરણ કરવામાં આવે છે. સાર્વભૌમ સત્તાની આજ્ઞા કાયદાસ્વરૂપે વ્યક્ત થાય છે. વિધાનવાદ તરીકે ઓળખાતા આ સિદ્ધાંતમાં, અમુક નિયમ કાયદેસર છે કે નહિ તેની જ ચર્ચા કરવામાં આવે છે. તે નિયમ નૈતિક છે કે નહિ તેની ચર્ચા કરવામાં આવતી નથી. કાયદાના નિર્માણ માટે કયાં ઉદભવસ્થાનો કાયદેસર  ઔપચારિક રીતે માન્ય છે અને તેમાંથી કાયદો કેવી રીતે બને છે, તે ચર્ચા જ વિધાનવાદીઓ કરે છે. નૈતિક નિયમો આપોઆપ કાયદાના નિયમો બનતા નથી. તેમને કાયદા દ્વારા માન્યતા આપવામાં આવે ત્યારે જ તે કાયદાના નિયમો બને છે. કાયદાના નિયમો નીતિથી અસંગત હોય તેથી તેમની કાયદેસરતા ઘટતી નથી. આનો અર્થ એ નથી કે કાયદાના નિયમોનું નૈતિક મૂલ્યાંકન ન કરવું પણ તેવું મૂલ્યાંકન કરી, જરૂર જણાય તો તેમાં કાયદેસર પ્રક્રિયાથી સુધારાવધારા કરવા જોઈએ. જ્યાં સુધી આવો ફેરફાર ન થાય ત્યાં સુધી તે કાયદેસરના નિયમો અમલમાં રહીને બંધનકર્તા રહે છે. કાયદા પાછળ સાર્વભૌમ સત્તાનું પીઠબળ હોય છે.

વિધાનવાદીઓના મતે આજ્ઞાર્થ કાયદાનાં ત્રણ તત્ત્વો છે : સાર્વભૌમ સત્તા, તેનો આદેશ અને સત્તા દ્વારા કરાવાતું આદેશનું પાલન.

વાસ્તવિકતાવાદ : આ સિદ્ધાંત પ્રમાણે કાયદાના સ્વરૂપ અને કાયદાનું પ્રતિબિંબ કોર્ટોમાં કેવું પડે છે અને કાયદો હકીકતમાં કેવી રીતે કાર્યાન્વિત થાય છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. કાયદો એ કોર્ટોની કાર્યપદ્ધતિ અને પ્રક્રિયામાંથી અસ્તિત્વ પામે છે અને તે દ્વારા જ પ્રમાણિત થાય છે. આ વિચારસરણી પ્રમાણે સાર્વભૌમ સત્તાની ઇચ્છા કાયદાસ્વરૂપે વ્યક્ત થાય છે, પરંતુ તે વિધાનમંડળો દ્વારા નહિ, પણ કોર્ટો દ્વારા. કોર્ટોના નિર્ણયો પર કાયદાનો આધાર છે. કાયદાનું નિર્માણ ગમે તે રીતે થતું હોય, પણ છેવટે તો કોઈ નિયમ કાયદેસર છે કે નહિ તેનો નિર્ણય તો કોર્ટો જ કરે છે. આથી કાયદાનું સ્વરૂપ જાણવા માટે કોર્ટ તરફ જ ર્દષ્ટિ રાખવી જોઈએ. કોર્ટ નક્કી કરે તે જ કાયદો. અમેરિકાના સુપ્રસિદ્ધ ન્યાયાધીશ હોમ્સના મંતવ્ય પ્રમાણે કાયદો એટલે કોર્ટો હકીકતમાં શું નક્કી કરશે તેની આગાહી; તે સિવાય બીજું કંઈ નથી.

સામાજિકતાવાદ : સમાજશાસ્ત્રીય કાયદાશાસ્ત્રનો ઉદગમ ઓગણીસમી સદીના અંતભાગમાં થયો અને વીસમી સદીમાં તેનો પૂર્ણ વિકાસ થયો. આ વિચારસરણી અનુસાર કાયદો એક સામાજિક હકીકત છે. કાયદો સમાજમાં જન્મે છે અને સમાજજીવનને વ્યવસ્થિત કરે છે તેથી કાયદાનું મૂલ્યાંકન તેની સામાજિક ઉપયોગિતાને ધોરણે થવું જોઈએ. કાયદાના સ્વરૂપનો નિર્ણય પણ કોઈ પૂર્વનિર્ણીત સિદ્ધાંત કે પ્રક્રિયા દ્વારા થઈ શકે નહિ. તેનો નિર્ણય સમાજજીવનના અભ્યાસ અને પરીક્ષણ દ્વારા જ થઈ શકે. વ્યક્તિએ સમાજ પ્રત્યે પોતાની ફરજો બજાવવાની હોય છે અને રાજ્યે સામાજિક સેવા આપવાની ફરજો બજાવવાની હોય છે. સમાજ નીતિના જે નિયમો આવશ્યક અને ઉપયોગી સમજી અપનાવે છે તે કાયદાના નિયમો બને છે. રાજ્ય વિધાન દ્વારા નવા કાયદાનું નિર્માણ કરતું નથી, પરંતુ સમાજમાં પ્રચલિત નિયમો હોય તેને વ્યવસ્થિત કરે છે. કાયદાનો આધાર સમાજની સંગઠિત વ્યવસ્થા પર હોય છે. સમાજના સંગઠનની ભાવનાથી પ્રેરાયેલા કાયદાના નિયમો કે સિદ્ધાંતો સમાજને આવશ્યક અને ઉપકારક બને છે.

કાયદો અસ્તિત્વમાં આવે તે પહેલાં સમાજનું અસ્તિત્વ હોવું જોઈએ. આ સમાજને પોતાનાં જીવનમૂલ્યો અને આદર્શો હોય છે, જેના પર તે ટકી રહે છે. સમાજ કાયદાની વ્યવસ્થાનું નિર્માણ કરે છે. આ વ્યવસ્થા દ્વારા કાયદાના નિયમોનું નિર્માણ અને પાલન થાય છે. કાયદો ન્યાય કરવાનું સાધન છે. કાયદેસર અપાતો ન્યાય માનવસમાજની વ્યવસ્થાની મર્યાદામાં રહીને અપાતો ન્યાય છે. કાયદાના પાલન માટે મોટેભાગે રાજ્યનું પીઠબળ કામ કરતું હોય છે, પણ રાજ્યના પીઠબળથી જ કાયદાનું પાલન થાય છે એમ કહી શકાય નહિ. પ્રજાજનોની કાયદા પ્રત્યે સન્માનની ભાવના વિના કાયદો ટકી શકે નહિ. પ્રજાજનો મોટા પ્રમાણમાં કાયદાને બંધનકર્તા ન માને તો કાયદાની વ્યવસ્થા ભાંગી પડે છે.

કાયદો અને સામાજિક પ્રગતિ : લોકશાહી રાજ્યવ્યવસ્થાને લીધે પ્રજાની આકાંક્ષાઓ રાજ્યના કાયદાઓમાં મૂર્ત થવા લાગી છે. રાજ્ય દ્વારા કાયદાના માધ્યમથી પ્રજાની આકાંક્ષાઓ પૂરી થઈ શકશે એવો ખ્યાલ લોકશાહી વ્યવસ્થાને કારણે બળવત્તર બનતો જાય છે. રાજ્યની કાયદા કરવાની ક્ષમતાથી વિવિધ ક્ષેત્રોમાં જરૂરી સુધારાવધારા કરવા માટે કાયદાનો આશ્રય લેવામાં આવે છે.

ફ્રાન્સની રાજ્યક્રાન્તિને પરિણામે રાજ્યે પ્રજાના જીવનમાં વિધેયાત્મક ભાગ ભજવવાનો રહે છે એ નક્કી થયું. બેન્થમે પોતાના ક્રાન્તિકારી ધારાકીય પ્રયાસોથી કાયદાનું ક્ષેત્ર વિસ્તાર્યું, જે તે પછી ઉત્તરોત્તર વિસ્તરતું જ રહ્યું છે. સમાજવ્યવસ્થામાં કાયદાથી પરિવર્તન લાવી શકાય છે એવી માન્યતા ર્દઢ બનતી જાય છે. માત્ર સમાજમાંનાં દૂષણોને દૂર કરવા માટે જ નહિ, પણ સમાજસુધારણાનાં તથા પુનર્નિર્માણનાં કાર્યોમાં પણ કાયદાનું મહત્ત્વનું સ્થાન સ્વીકાર પામતું ગયું.

કાયદા દ્વારા કરવામાં આવતું પરિવર્તન એ શાંતિમય પ્રકારનું જ હોઈ શકે. કોઈ મહત્વના આમૂલ ક્રાન્તિકારી ફેરફારો કાયદા દ્વારા લાવી શકાય નહિ. કાયદાથી તો પ્રવર્તમાન માળખાની મર્યાદામાં રહીને, તેમાં જ્યાં દૂષણો કે દુર્વ્યવસ્થા જણાતાં હોય તે દૂર કરવાનો પ્રયત્ન થઈ શકે.

રાજ્યે કાયદાના માધ્યમથી, નાણાકીય અને અન્ય નીતિઓના યોગ્ય સંચાલનથી પરિસ્થિતિ પર પરોક્ષ રીતે પ્રભાવ પાડવો કે સીધા જ સંબંધિત ક્ષેત્ર અંગે કાયદા કરી ધારેલી વ્યવસ્થા ઊભી કરવી એ અંગે તે રાજ્યની રાજકીય ફિલસૂફી અનુસાર નિર્ણય લેવામાં આવે છે. પ્રગતિના માર્ગમાં અવરોધક જણાતા વ્યવહારો કાયદા દ્વારા દૂર કરવા પ્રયત્ન કરી શકાય.

જો કાયદા પ્રજાની તત્કાલીન પ્રવર્તમાન પરિસ્થિતિ અને આકાંક્ષાઓ ધ્યાનમાં ન લેતા હોય તો તેવા કાયદાનું પાલન પ્રજા કરે નહિ અને તે કાયદા માત્ર પોથીમાં જ રહે, સમાજ સુધી તે પહોંચે જ નહિ; તેથી તે નિષ્ફળ અને નિરર્થક રહે છે. જો કાયદાનું વહીવટી તંત્ર વ્યવસ્થિત અને સરળ હોય તો પ્રજાના આચારવિચાર પર તેનો પ્રભાવ પડે છે.

ભારતમાં કાયદાની પ્રગતિ ધીમી થઈ છે. પહેલાં બિનવિવાદાસ્પદ ક્ષેત્રોમાં ફોજદારી કાયદા થયા. ત્યારપછી વ્યાપારી ક્ષેત્રોમાં કરારનો કાયદો, વટાઉ ખતનો કાયદો, કંપનીને લગતા કાયદા, મિલકત-હસ્તાંતરનો કાયદો વગેરે કાયદા થયા. સામાજિક પરિસ્થિતિને લગતા હિંદુ કાયદા અને મુસ્લિમ કાયદાનાં ક્ષેત્રોમાં બહુ ધીમે ધીમે અને સંભાળપૂર્વક સુધારા કરતા કાયદા કરવામાં આવ્યા. જનમત તૈયાર થતો ગયો તેમ તેમ આવા સમાજસુધારણાના કાયદા કરવામાં આવ્યા. કોઈ કાયદો વાસ્તવિક પરિસ્થિતિને લક્ષમાં લીધા સિવાય કરવામાં આવે – જેમ કે બાળલગ્ન-પ્રતિબંધક ધારો કે દહેજ-પ્રતિબંધક ધારો – ત્યારે તેનું પાલન સફળ રીતે થયેલું જોવા મળતું નથી. આવા કાયદા સમાજ સમક્ષ એક આદર્શ જરૂર રજૂ કરે છે, પણ તેનું પાલન થતું ન હોવાને લીધે કાયદાની વ્યવસ્થા તેટલે અંશે નબળી દેખાય છે.

સમાજવ્યવસ્થામાં થતાં પરિવર્તનોને સંગીન અને ચિરસ્થાયી સ્વરૂપ આપવા માટે કાયદાનો આધાર અનિવાર્ય અને આવશ્યક છે. તેને લોકજાગૃતિ, શિક્ષણ અને સતત પ્રચારકાર્ય દ્વારા ટકાવી જનમતનો અંતર્ગત ભાગ બનાવવાનું કાર્ય સમાજનાં અન્ય પરિબળોનું છે.

ભારતમાં કાયદાની વિધેયાત્મક પ્રક્રિયા દ્વારા સામાજિક પરિવર્તન લાવવાનું ધ્યેય સ્વીકૃત બન્યું છે; તેથી ભારતમાં સામાજિક ક્ષેત્રે જરૂરી સુધારા કરવા કાયદાનો પ્રયોગ કરવામાં આવે છે. હિંદુ સમાજના વ્યક્તિને લગતા કાયદા  લગ્ન, વારસાહક, દત્તકવિધાન, ભરણપોષણ વગેરેને લગતા કાયદા; મહિલાઓનો સામાજિક દરજ્જો સુધારવા માટેના કાયદા; બાળકલ્યાણના કાયદા; પછાત વર્ગોના વિકાસ માટેના કાયદા; જાહેર સ્વાસ્થ્યને લગતા કાયદા; કામદાર-કલ્યાણને લગતા કાયદા જેવા વિવિધ ક્ષેત્રે સમાજસુધારણા લાવવા તથા વ્યક્તિનો સામાજિક દરજ્જો વધારવા અને તેનો સામાજિક ઉત્કર્ષ કરવા, ભારતમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ ઘણા નોંધપાત્ર કાયદા થયા છે. જનમતની જાગૃતિ દ્વારા તથા સરકાર અને રાજકીય પક્ષોના વિધેયાત્મક વલણથી આ શક્ય બન્યું છે. આ વિધાયક પ્રક્રિયામાં સમાજને અત્યંત ઉપકારક કાયદાનું સ્વરૂપ મૂર્તિમંત થતું જણાય છે.

કાયદો અને આર્થિક વિકાસ : કાયદાના ક્ષેત્રમાં આર્થિક વિચારસરણીનું મહત્ત્વ ઇંગ્લૅન્ડના આદ્યઅર્થશાસ્ત્રી ઍડમ સ્મિથે (1723-1790) તેમના ‘વેલ્થ ઑવ્ નેશન્સ’ નામના (1776) ગ્રંથ દ્વારા પ્રતિપાદિત કર્યું. કુદરતી સ્વાતંત્ર્યના સિદ્ધાંતોનો આર્થિક ક્ષેત્રે પ્રયોગ કરતાં ઇંગ્લૅન્ડમાં વ્યાપાર પરનાં ઘણાં નિયંત્રણો દૂર થયાં અને આર્થિક પ્રગતિ સાધી શકાઈ. કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિખ્યાત અર્થશાસ્ત્રી માર્શલે (1849-1924) આર્થિક ક્ષેત્રમાં માનવતાવાદી ધોરણોનો આગ્રહ રાખ્યો. માનવનું આર્થિક વર્તન પોતાની જરૂરિયાતોની તુષ્ટિ અને નુકસાન નિવારવાની ર્દષ્ટિએ પ્રયોજાય છે. સરકારે સત્તાવાર આપેલા આંકડા અને વિગતો પરથી તેમણે અભ્યાસ કરી યોગ્ય ભલામણો કરી. તેમણે મૂડીપતિઓ તથા વ્યાપારી વર્ગ પર કાયદા દ્વારા નિયંત્રણ રાખવાની હિમાયત પણ કરી. તેમણે કામદાર સંઘોનું સમર્થન કર્યું અને ન્યૂનતમ વેતન તથા જરૂર જણાય ત્યારે રાજ્ય દ્વારા રોજગારી આપવાની પણ ભલામણ કરી.

ત્યારપછી જ્હૉન મેનાર્ડ કેઇન્સે આવક અને રોજગારીના સિદ્ધાંતમાં આર્થિક મંદીના સમયમાં સરકાર દ્વારા જાહેર બાંધકામના કાર્યક્રમો હાથ ધરીને તથા કથળતા અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો દાખલ કરીને રોજગારીને પ્રોત્સાહિત કરવા હિમાયત કરી. આ સિદ્ધાંતનો અમલ અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે તેમની ‘ન્યૂ ડીલ’ની નીતિઓમાં તથા કાર્યક્રમોમાં કર્યો.

આમ અર્થશાસ્ત્રના સિદ્ધાંતોએ તેમની સમકાલીન પરિસ્થિતિ પર પ્રભાવ પાડ્યો છે અને ક્રમશ: રાજ્યનો હસ્તક્ષેપ આમજનતાનાં હિતોના રક્ષણ માટે આર્થિક ક્ષેત્રમાં વધતો રહ્યો છે. આર્થિક ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા, ઉત્પાદક પ્રક્રિયાથી ઉપસ્થિત થતી સામાજિક સમસ્યાઓનો ઉકેલ લાવવા, રાજ્યની આવક વધારવા, રાજ્યની નાણાકીય નીતિઓથી પ્રજાનું હિત સાધવા, આમ વિવિધ હેતુઓ માટે અને વિવિધ સ્તરે રાજ્ય કાયદા દ્વારા આર્થિક ક્ષેત્રે – ખાસ કરીને કલ્યાણરાજ્યના સંદર્ભમાં – મહત્વનો ભાગ ભજવી શકે છે. લોકશાહી રાજ્યવ્યવસ્થા હેઠળ, કલ્યાણકારી રાજ્ય કાયદાના શાસન દ્વારા ચલાવવાનું હોવાથી કાયદાનું ક્ષેત્ર વિસ્તૃત બનતું જાય છે.

સમાજવાદી અને સામ્યવાદી વિચારસરણી અનુસાર રાજ્ય અને કાયદાનું ક્ષેત્ર અમર્યાદિત બને છે, તેથી આર્થિક ક્ષેત્રમાં પુનર્વ્યવસ્થા માટે કાયદાને અબાધિત અધિકાર પ્રાપ્ત થાય છે. આમ પ્રવર્તમાન સંદર્ભમાં વૈચારિક સ્તરે પણ રાજ્યને આર્થિક ક્ષેત્રે બજાવવાનાં કાર્યો અંગે સર્વાનુમતિ પ્રવર્તે છે. વિચારસરણી અનુસાર તેમાં થોડોઘણો ફેરફાર થતો રહે છે, પણ આર્થિક ક્ષેત્રે રાજ્યે કાયદા દ્વારા મહત્વનો ભાગ ભજવવાનો છે એ વિચારનો વિરોધ થતો નથી.

ભૂમિવિષયક કાયદા : કૃષિવિષયક અર્થતંત્રમાં ભૂમિને લગતા કાયદાનું મહત્વ ઘણું છે. સંપત્તિના ઉત્પાદનમાં ભૂમિનું તત્વ મહત્વનો ભાગ ભજવે છે. ભૂમિ અંગે સંપાદન, માલિકી, તેનો ઉપયોગ, તેની તબદીલી, વારસાહક વગેરે અંગેની જોગવાઈઓ સંપત્તિના વિકાસમાં ખૂબ પ્રસ્તુત બને છે.

અનુભવે એમ પણ જણાયું છે કે જમીનની માલિકીને કારણે સામાજિક દૂષણો પેદા થતાં રહ્યાં છે. જમીનદારી પ્રથાનાં દૂષણોથી ભારતનું ગ્રામઅર્થતંત્ર દરિદ્ર બન્યું છે, તેથી ગણોતિયાના તથા ભૂમિહીન ખેતમજૂરોના હિત માટે તથા તેમના કલ્યાણ માટે વિવિધ કાયદા કરવા જરૂરી બને છે. ભારતમાં જમીનદારી-નાબૂદી અંગેના કાયદા, જમીન ધારણ કરવા માટે વિવિધ વચેટિયાં હિતોની નાબૂદી, ખેડનારને જમીનના હકો, જમીનની ટોચમર્યાદા અંગેના કાયદા, ગણોતિયાઓના રક્ષણની જોગવાઈઓ, ખેતમજૂરોના ન્યૂનતમ વેતનની તથા તેમના કલ્યાણ અંગેની અન્ય જોગવાઈઓ  આ બધાથી કાયદાએ કૃષિના ક્ષેત્રે સમાજહિતાર્થે મહત્ત્વનું પ્રદાન કર્યું છે.

સંપત્તિ સંબંધી કાયદાઓ : સંપત્તિનો અધિકાર લોકશાહી રાજ્યવ્યવસ્થામાં કાયદા દ્વારા રક્ષાયેલો અધિકાર રહ્યો છે. સમાજવાદી વિચારસરણીના ઉદભવ પહેલાંની વિચારસરણીઓ સંપત્તિના અધિકારને માનવના નૈસર્ગિક પવિત્ર અધિકાર તરીકે સ્વીકારતી. આવા અધિકારને કાયદા દ્વારા માન્યતા આપી રક્ષણ આપવામાં આવે છે.

માનવઇતિહાસમાં એવા તબક્કા જરૂર હતા જ્યારે માણસનું વ્યક્તિત્વ તેણે શ્રમથી પેદા કરેલી સંપત્તિથી વ્યક્ત થતું. આવી સંપત્તિનું રક્ષણ કરવાની રાજ્યની ફરજ બની રહેતી. કાળક્રમે ઉત્પાદનની વ્યવસ્થા બદલાઈ અને સંપત્તિનું સ્વરૂપ બદલાયું. ઉત્પાદનનાં નવાં પરિબળોને પરિણામે સંપત્તિનું એકત્રીકરણ થવા લાગ્યું અને સંપત્તિસંચય સત્તાનું કેન્દ્ર બની ગયું. વ્યક્તિત્વના વિકાસનું અને અભિવ્યક્તિનું માધ્યમ રહેવાને બદલે સંપત્તિ શોષણનું સાધન બનવા લાગી. તેથી પલટાયેલા સંજોગોમાં સમાજના હિતમાં સંપત્તિના અધિકાર પર વાજબી નિયંત્રણો મૂકવાં યોગ્ય ગણાયાં. આમ કલ્યાણકારી રાજ્યવ્યવસ્થામાં સંપત્તિ પર રાજ્યના કાયદાથી કરેલાં નિયંત્રણો સ્વીકારાયાં અને સંપત્તિનો ભોગવટો સમાજના હિતની સાથે સુમેળ સાધીને જ કરી શકાય એવા કાયદા કરવાની વિધાનમંડળોને સત્તા આપવામાં આવી અને એવા કાયદા કરવામાં આવ્યા.

ભારતમાં કાયદાની વિધેયાત્મક પ્રક્રિયા દ્વારા સામાજિક પરિવર્તન લાવવાનું ધ્યેય સ્વીકૃત બન્યું છે, તેથી ભારતમાં સામાજિક તથા આર્થિક ક્ષેત્રે જરૂરી સુધારા કરવા કાયદાનો વિનિયોગ કરવામાં આવે છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ ભારતમાં સામાજિક તથા આર્થિક ક્ષેત્રે કાયદાથી મહત્ત્વના સુધારા થયા છે.

બંધારણીય કાયદો : રાજ્યનો વહીવટ ચલાવવા માટેના મૂળભૂત કાયદાને બંધારણીય કાયદો કહેવામાં આવે છે. તેમાં નાગરિકોના મૂળભૂત અધિકારો, રાજ્યનું વહીવટી માળખું, રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંડળ, સંસદ, ન્યાયતંત્ર, કેન્દ્ર અને રાજ્યોનાં વિવિધ ક્ષેત્રોના સંબંધો, નાણાકીય વ્યવસ્થા, કટોકટીની જાહેરાતો વગેરે અંગે જોગવાઈઓ કરવામાં આવતી હોય છે. ખાસ કરીને રાજ્યની સાર્વભૌમ સત્તા તેનાં વિવિધ અંગો મારફત વ્યક્ત થતી રહે છે અને તે વિવિધ અંગોના પરસ્પર સંબંધો અને પરસ્પરની મર્યાદાઓ અંગે તેમાં વિસ્તૃત વ્યવસ્થા હોય છે.

વહીવટી કાયદો : વહીવટી કાયદામાં વહીવટી તંત્રે પાળવા જોઈતા નિયમો, કાર્યરીતિઓ અને પ્રક્રિયાઓ અંગે નિરૂપણ હોય છે. પ્રવર્તમાન સંદર્ભમાં, કાયદા બનાવવાની સત્તા ગૌણ સત્તામંડળોને સોંપવામાં આવતી હોઈ, આવાં પ્રત્યાયુક્ત વિધાન અંગેની જરૂરી જોગવાઈઓ, નૈસર્ગિક ન્યાયના સિદ્ધાંતો, વહીવટી તંત્રની સત્તાના દુરુપયોગ સામે નાગરિકોને મળતું રક્ષણ, વહીવટી તંત્ર દ્વારા સત્તાના દુરુપયોગ સામે કાર્યવાહી કરવા માટે ટ્રિબ્યૂનલોની રચના વગેરે માટે જોગવાઈ કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે વર્તમાન શાસન કાયદાઓનું નહિ, પણ પેટા કાયદાઓનું છે.

ફોજદારી કાયદા : જાહેર શાંતિ અને સલામતીને લગતા કાયદા થતા રહે છે. ભારતીય દંડ સંહિતા (Indian Penal Code) તથા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ (Criminal Procedure Code) એ ફોજદારી ક્ષેત્રના મુખ્ય કાયદા છે. તદુપરાંત સામાજિક અને આર્થિક દૂષણો પર પ્રતિબંધ રાખવા પ્રસંગોપાત્ત સમયોચિત કાયદા કરવામાં આવે છે, જેમાં પ્રતિબંધક અટકાયત કાયદા, આંતરિક સુરક્ષા અંગેના કાયદા, (1) કોફેપોસા COFEPOSA – Conservation of Foreign Exchange and Prevention of Smuggling Act; (2) ટાડા TADA – Terrorist and Disruptive Activities (Prevention) Act; (3) પાસા PASA – Prevention of Black Marketing and Maintenance of Supplies of Essential Commodities Act; વગેરે કાયદાનો સમાવેશ થાય છે.

કૌટુમ્બિક કાયદા : સમાજમાં કૌટુમ્બિક જીવનને લગતા કાયદા  હિંદુ કાયદા અને મુસ્લિમ કાયદા  અમલમાં છે. હિંદુ સમાજમાં સુધારણા લાવવા નીચે પ્રમાણે મહત્ત્વના કાયદા કરવામાં આવ્યા છે :

(1) હિંદુ લગ્ન અધિનિયમ, 1955

(2) હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956

(3) હિંદુ દત્તકવિધાન અને ભરણપોષણ અધિનિયમ, 1956

(4) હિંદુ સગીરાવસ્થા તથા વાલીપણા અધિનિયમ, 1956

મુસ્લિમ સમાજને લાગુ પડતા વ્યક્તિગત કાયદાનો મુસ્લિમ કાયદામાં સમાવેશ થાય છે. કુરાને શરીફ અને મહમ્મદ પયગમ્બર સાહેબના ઉપદેશોની સંયુક્ત અસર હેઠળ મુસ્લિમ કાયદો બન્યો છે. આ કાયદામાં પણ વકફ અધિનિયમ (1954) થયો છે.

દહેજ પ્રતિબંધક અધિનિયમ, 1961 બધી જ્ઞાતિઓના લોકોને લાગુ પડે છે. આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્નોને રક્ષણ આપતો સ્પેશિયલ મૅરેજ ઍક્ટ કરવામાં આવ્યો છે. આ બધા કાયદાથી સમાજમાં મહિલાઓનો દરજ્જો વધ્યો છે અને સામાજિક સમાનતામાં વધારો થયો છે. આ કાયદાઓ અંગે કોર્ટની કાર્યવાહીઓ થતાં સેંકડોની સંખ્યામાં હાઈકોર્ટોના ચુકાદા પણ આવ્યા છે.

મજૂર કાયદા : ઔદ્યોગિક ક્ષેત્રમાં માલિક-મજૂર વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપવા તથા કારખાનાંમાં કામ કરતા કામદારોનાં સ્વાસ્થ્ય અને સુખાકારીને રક્ષણ આપવા કાયદા કરવામાં આવ્યા છે. કામદાર સંઘોના કાર્યક્ષેત્રને રક્ષણ આપવા તથા તેમની કાર્યવાહીઓને સાર્થક બનાવવા પણ કાયદા કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, કામદાર સંઘ અધિનિયમ, કારખાનાં અધિનિયમ, કામદાર વળતર અધિનિયમ વગેરે કાયદા ઉપરાંત ખાસ ક્ષેત્રોના કામદારોનાં હિત રક્ષવા ખાણ અધિનિયમ જેવા કાયદા પણ કરવામાં આવ્યા છે. આ કાયદાઓનો હેતુ ઔદ્યોગિક શાંતિ જાળવી, કામદારોનાં હિતનું રક્ષણ કરી રાષ્ટ્રહિત જાળવવાનો છે. ઔદ્યોગિક ટ્રિબ્યૂનલોની જોગવાઈ પણ કરવામાં આવી છે.

વ્યાપારી કાયદા : ભારતમાં 1972માં એકસમાન કરારનો કાયદો અમલમાં આવ્યો. કરારના કાયદા ઉપરાંત ભાગીદારીનો કાયદો, માલવેચાણનો કાયદો, એજન્સીનો કાયદો, વટાઉ ખતનો કાયદો, કંપની કાયદો, મોનૉપોલીને લગતા કાયદા, પેટન્ટ, કૉપીરાઇટ અને ટ્રેડમાર્કને લગતા કાયદા, કૉર્પોરેશનને લગતા કાયદા વગેરે વ્યાપારી ક્ષેત્રના કાયદાથી વ્યાપારી અને આર્થિક પ્રવૃત્તિઓનું નિયમન થતું રહે છે.

નાણાકીય કાયદા : નાણાકીય કાયદાઓથી રાજ્ય કરવેરા જેવા સાધન રૂપે નાણાં વસૂલ કરે છે અને રાજ્યવ્યવસ્થા માટે ખર્ચે છે. કરવેરા નાખવાની અને નાણાં ખર્ચવાની અનેક પદ્ધતિઓ છે. ભારતના સંવિધાનમાં કેન્દ્રને ને રાજ્યોને જુદા જુદા કરવેરા નાખવાની સત્તા આપવામાં આવી છે. તે જોગવાઈ અનુસાર કેન્દ્ર સરકારે આવકવેરા, બક્ષિસવેરા, સંપત્તિવેરા, એસ્ટેટ ડ્યૂટી જેવા સીધા કરવેરા અને કસ્ટમ્સ ડ્યૂટી, આબકારી જકાત જેવા પરોક્ષ કરવેરા અંગે કાયદા કર્યા છે. તે જ પ્રમાણે રાજ્યોની સરકારે તેમની સત્તામાં આવતા, વેચાણવેરા, વીજળીવેરા, વાહનવેરા, મનોરંજન કર, વ્યવસાયવેરા જેવી બાબતો અંગે કાયદા કર્યા છે.

નાણાકીય કાયદાની નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. તેનું કાર્ય માત્ર રાજ્યના ખર્ચ માટે નાણાં એકઠાં કરવાનું નથી, પણ તેનું ખરું સામાજિક કાર્ય તો એ છે કે આર્થિક પ્રવૃત્તિને મંદ પાડ્યા સિવાય નાણાં એકઠાં કરવાં અને આર્થિક વિકાસને વેગ તથા રોજગારીને ઉત્તેજન મળે એ રીતે કરકસરથી ખર્ચની વ્યવસ્થા ગોઠવવી. સામાજિક ન્યાય, આર્થિક વિકાસ, રાજકીય સ્થિરતા અને નાણાકીય સધ્ધરતાની બાબતો નાણાકીય વ્યવસ્થામાં લક્ષમાં રાખવી જોઈએ.

કોર્ટોની રચના : કાયદાના અર્થઘટન માટે તથા તેનો અમલ કરાવવા માટે કોર્ટની રચના કરવામાં આવે છે. ફોજદારી કાયદાના અમલ માટે ફોજદારી કોર્ટ અને દીવાની કાયદાના અમલ માટે દીવાની કોર્ટ હોય છે. પ્રત્યેક કોર્ટને તેની ચોક્કસ પ્રાદેશિક હકૂમત હોય છે. કલ્યાણકારી રાજ્યના સંદર્ભમાં સમાજના વિવિધ વર્ગોને પ્રાપ્ત થયેલ લાભો અને હિતોની રક્ષા માટે ત્વરિત ન્યાય મળે અને કાયદાની આંટીઘૂંટીઓ ઓછી થાય એ હેતુથી જુદા જુદા વિષયો અંગે ટ્રિબ્યૂનલોની રચના કરવામાં આવે છે, જેમ કે ઔદ્યોગિક ટ્રિબ્યૂનલ, વેચાણવેરા ટ્રિબ્યૂનલ, મુલકી સેવા ટ્રિબ્યૂનલ, કૌટુમ્બિક કોર્ટ વગેરે.

સમગ્ર ભારતની સર્વોચ્ચ કોર્ટ તરીકે સુપ્રીમ કોર્ટ છે. ભારતના રાષ્ટ્રપતિ આ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની તથા તેમની જોડે વિચારવિમર્શ કરીને તે કોર્ટના અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે. સુપ્રીમ કોર્ટની મૂળ હકૂમત આ પ્રમાણે છે :

(1) ભારત સરકાર અને એક અથવા વધારે રાજ્યો વચ્ચેની, અથવા

(2) એક તરફ ભારત સરકાર તથા કોઈ રાજ્ય કે રાજ્યો અને બીજી તરફ બીજાં એક કે વધુ રાજ્યો વચ્ચેની, અથવા

(3) બે અથવા વધારે રાજ્યો વચ્ચેની કાયદાકીય તકરારમાં સુપ્રીમ કોર્ટને જ મૂળ હકૂમત રહે છે. અન્ય કોઈ કોર્ટ આવી તકરાર સાંભળી શકે નહિ.

સુપ્રીમ કોર્ટ નાગરિકોના મૂળભૂત અધિકારોને રક્ષે છે તથા બંધારણના રખેવાળ તરીકે કાર્ય બજાવે છે.

સુપ્રીમ કોર્ટની અપીલીય હકૂમતમાં, રાજ્યોની હાઈકોર્ટોના દીવાની, ફોજદારી કે બંધારણીય મુકદ્દમાના ચુકાદા ઉપર અપીલ સાંભળી યોગ્ય નિર્ણય આપવાનો અધિકાર છે. ટ્રિબ્યૂનલોના ચુકાદા ઉપર પણ સુપ્રીમ કોર્ટ અપીલ સાંભળે છે. સુપ્રીમ કોર્ટે પ્રતિપાદિત કરેલો કાયદો સમગ્ર ભારતની તમામ કોર્ટોને બંધનકર્તા રહે છે.

દરેક રાજ્યમાં એક હાઈકોર્ટ હોય છે. ભારતના રાષ્ટ્રપતિ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની તથા તેના અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે. હાઈકોર્ટને બંધારણ મુજબ તથા અન્ય કાયદા હેઠળ પ્રાપ્ત થયેલી હકૂમત હોય છે. રાજ્યની જિલ્લા કોર્ટોના તથા ટ્રિબ્યૂનલોના ચુકાદા ઉપર તે અપીલ સાંભળે છે.

પ્રત્યેક જિલ્લામાં એક જિલ્લા કોર્ટ  દીવાની અને ફોજદારી મુકદ્દમા માટે  હોય છે. તેની નીચે વિવિધ સ્તરે દીવાની અને ફોજદારી કોર્ટો હોય છે.

ન્યાય મેળવવો મોંઘો ન પડે તે માટે નબળા વર્ગના તથા ગરીબ પક્ષકારો માટે મફત કાનૂની સહાયની યોજના પણ અમલમાં આવી છે. કોર્ટોમાં કામનો ભરાવો ઓછો કરવા તથા બિનખર્ચાળ પદ્ધતિથી સમાધાન કરાવવા લોકઅદાલતનો પ્રયોગ પણ હવે ઉપયોગી જણાયો છે.

હ. છ. ધોળકિયા