કામ્બ્લે, નામદેવ ચંદ્રભાન (જ.1 જાન્યુઆરી 1948, શિરપુરજૈન, માલેગાંવ, મહારાષ્ટ્ર) : જાણીતા મરાઠી વાર્તાકાર, નવલકથાકાર અને કવિ. તેમને તેમની નવલકથા ‘રાઘવવેળ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઘણી જ મુશ્કેલીઓ વેઠીને તેમણે પોતાની બી.એ. તથા બી.એડ્.ની પદવી મેળવી. અભ્યાસ પૂરો કરવા શાળાના ચોકીદાર તરીકે પણ કાર્ય કર્યું. ત્યારબાદ વાશિમમાં બાલવિદ્યાલયના અધ્યાપક બન્યા.
1917માં કાવ્યો લખવાનો પ્રારંભ. તેમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘માટીચે ધાન કો’ને અનુષ્ટુભ કથા પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમની પ્રથમ નવલકથા ‘અસ્પર્શ’ 1990માં પ્રગટ થઈ. તે એક વ્યાપક ફલક પર રચવામાં આવેલી કથા છે. તેમાં એક સંવેદનશીલ દલિતના ખંડિત અસ્તિત્વ સાથેના સંઘર્ષનું યથાર્થ ચિત્રાંકન છે. 1994માં તેમનો વાર્તાસંગ્રહ ‘પાર્ટીબંદ’ પ્રગટ થયો છે. તેમનાં કાવ્યો 1971થી સામયિકોમાં પ્રગટ થતાં આવ્યાં છે.
તેમની પુરસ્કૃત નવલકથા ‘રાઘવવેળ’માં ગ્રામીણ ક્ષેત્રે દલિતોના મુશ્કેલીભર્યા જીવનનું ચિત્રાંકન છે. આ કૃતિને સાહિત્ય અકાદમી પુરસ્કાર ઉપરાંત ચાર અન્ય પુરસ્કાર પ્રાપ્ત થયા છે. તેમાં બી.એસ. મર્ઢેકર પુરસ્કાર; હરિનારાયણ આપટે પુરસ્કાર તથા દલિત સાહિત્ય અકાદમીની ફેલોશિપનો સમાવેશ થાય છે. ભારત સરકારે તેમને પદ્મશ્રીથી 2021માં સન્માનિત કર્યાં છે. માનવમૂલ્યો પ્રત્યે ઊંડી ચિંતા, સહજ છતાં ગંભીર શૈલી અને વિશિષ્ટ લોકસુરભિને કારણે આ કૃતિ ભારતીય સામાજિક નવલકથામાં મહત્ત્વનું પ્રદાન છે.
બળદેવભાઈ કનીજિયા