કામ્બ્લે, કિશન વિરપ્પા (જ. 1 ઑક્ટોબર 1944, કોડામુરા, આંધ્રપ્રદેશ) : આંધ્રપ્રદેશમાં જન્મેલા મૂળ મહારાષ્ટ્રિયન આધુનિક ગુજરાતી ચિત્રકાર.

કિશન વિરપ્પા કામ્બ્લે

કામ્બ્લે દ્વારા ચિત્રિત એક ચિત્ર
મુંબઈમાં અભ્યાસ કરી સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ગવર્નમેન્ટ ડિપ્લોમા ઇન પેઇન્ટિન્ગ મેળવ્યો. પછી અમદાવાદ આવી શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલમાં 1965થી કલાશિક્ષક તરીકે જોડાયા અને અહીંથી 2000માં નિવૃત્ત થયા. આ દરમિયાન તેમણે અમદાવાદ અને મુંબઈમાં પોતાનાં ચિત્રોના ઘણાં વૈયક્તિક તથા બીજા ચિત્રકારો-શિલ્પકારો સાથે સમૂહ-પ્રદર્શનો પણ યોજ્યાં. તેમનાં ચિત્રોમાં શાંત સ્વપ્નિલ વાતાવરણ જોવા મળે છે. ઘોડાના મોં, માણસના હાથ, પગ, ધડ, મોં, પંખી, ગિટાર, સિતાર જેવી આકૃતિઓ ગુરુત્વાકર્ષણના નિયમનું ઉલ્લંઘન કરીને અવકાશમાં મુક્ત વિહાર કરતી હોય તેવું કલ્પનોત્તેજક વાતાવરણ આ ચિત્રો ખડું કરે છે. તૈલચિત્રણ કરતાં જળરંગોના માધ્યમમાં તેઓ વધુ સફળ નીવડ્યા છે. તેમને ગુજરાત લલિત કલા અકાદમીનાં ઘણાં ઇનામો મળ્યાં છે.
અમિતાભ મડિયા