કામાયની (1935) : કવિ જયશંકર ‘પ્રસાદ’(1889-1937)નું મહાકાવ્યની ગરિમા ધરાવતું રૂપકકાવ્ય. ઋગ્વેદસંહિતા તથા શતપથ બ્રાહ્મણને આધારે મનુ, ઈડા તથા શ્રદ્ધાનું કથાનક લઈને, કવિએ એની પર કલ્પનાનો પુટ ચડાવી એમની લાક્ષણિક શૈલીમાં રૂપકકાવ્યની રચના કરી છે. એ કાવ્યની રચનાના સમયે બુદ્ધિવાદનું પ્રાબલ્ય હતું અને શ્રદ્ધાનું અવમૂલ્યન થતું જતું હતું. એથી આ કથાનક દ્વારા, શ્રદ્ધાની પુન: સ્થાપનાના ઉદ્દેશથી કાવ્યરચના કરી છે. કાવ્યમાં ત્રણ પાત્રો છે : મનુ, શ્રદ્ધા અને ઈડા. કથાતંતુને બરાબર જાળવીને કવિએ કાવ્યનો ધ્વનિ પરોક્ષ રીતે સ્ફુટ થવા દીધો છે. કાવ્યનો નાયક મનુ ભારતીય ઇતિહાસનો આદિપુરુષ છે. કથામાં તેનાં ત્રણ રૂપો નિરૂપાયાં છે. એના ઐતિહાસિક રૂપમાં એ દેવસૃષ્ટિનો અવશેષ છે અને માનવનો અગ્રદૂત છે. કથા પૌરાણિક જળપ્રલયના પ્રસંગથી શરૂ થાય છે. મનુ પ્રલયથી અત્યંત ચિંતાગ્રસ્ત છે. ત્યાં એને શ્રદ્ધાનો સંપર્ક થાય છે. શ્રદ્ધા પ્રત્યે એ આકર્ષાય છે. બન્નેનો પ્રેમ દાંપત્યમાં પરિણમે છે. શ્રદ્ધા મનુને કાર્યોન્મુખ બનાવે છે. એ યજ્ઞયાગાદિ પ્રવૃત્તિમાં રત બને છે. શ્રદ્ધાનું પાત્ર પણ પુરાણમાંથી લીધું છે. શ્રદ્ધા કાવ્યની નાયિકા છે. મનુની પ્રેરક શક્તિ છે. પરંતુ કવિએ પોતાનું જીવનદર્શન પ્રસ્તુત કરવા એ બન્ને પાત્રોમાં પરિવર્તન કર્યું છે. મનુ સ્વેચ્છાચારી અને પ્રમાદી છે. એટલે શ્રદ્ધા ગર્ભવતી થતાં, એ શ્રદ્ધાને છોડીને ચાલ્યો જાય છે. મનુ નવા સ્થળમાં જાય છે, ત્યાં એને ઈડાનો સંપર્ક થાય છે. ઈડા પણ પૌરાણિક પાત્ર છે. ઋગ્વેદ અનુસાર ઈડા ભારતી અને સરસ્વતી જેવી દેવી છે, જે માનવને ચેતના અર્પે છે. ઋગ્વેદનાં સૂત્રોને આધારે ‘પ્રસાદે’ ઈડાના પાત્રને ઘડ્યું છે. પ્રસાદની ઈડા તર્કમયી, જ્ઞાનવિજ્ઞાનનો વિકાસ કરતી, સુખસાધનોની વૃદ્ધિ કરતી શક્તિ છે. એ અહીં બુદ્ધિવાદના પ્રતીક તરીકે રજૂ થઈ છે. આ રીતે એ કલ્યાણમયી હોવા છતાં, અહીં એને સફળતા વરતી નથી; પ્રજાની ભેદબુદ્ધિ વધારવામાં તથા મનુની અતૃપ્તિ વધારવામાં એ કારણભૂત બને છે. ઈડાની પ્રેરણાથી એ સારસ્વતનગરની સ્થાપના કરે છે. એ નગર પર શાસન કરે છે અને તેનો ભૌતિક વિકાસ કરે છે. મનુ ઈડા ઉપર પૂર્ણ અધિકાર જમાવવાનો પ્રયત્ન કરે છે. તેથી એને દેવોની નારાજગી વહોરી લેવી પડે છે. મનુની પ્રજા એની સામે વિદ્રોહ કરે છે અને એ ઘાયલ થાય છે. શ્રદ્ધા હવે માતા બની છે અને વાત્સલ્યની અજસ્રધારા તેના હૃદયમાંથી વહ્યા કરે છે. તેને મનુ પર આવનારી આપત્તિનો પૂર્વાભાસ સ્વપ્ન દ્વારા થાય છે. તે પુત્રને લઈને સારસ્વતનગરમાં આવે છે અને ત્યાં પોતાના પતિને ઘાયલ અવસ્થામાં જુએ છે. એની શુશ્રૂષા કરે છે; એની એ દશા જેને કારણે થઈ છે તે ઈડાને એ ક્ષમા આપે છે. એને પ્રેરણા આપે છે. એને પોતાની નબળાઈની પણ જાણ થાય છે. મનુને સંજ્ઞા પ્રાપ્ત થતાં, એને પોતાની નબળાઈનું ભાન થાય છે. એ આત્મગ્લાનિ અનુભવે છે અને પાછો ભાગી જાય છે. સન્નિષ્ઠ શ્રદ્ધા એને પુન: શોધી કાઢે છે. એ પોતાનો પુત્ર ઈડાને સોંપી દે છે અને પ્રવ્રજ્યા લઈને મનુની સાથે માનસરોવર જાય છે, જ્યાં એને સામરસ્ય પ્રાપ્ત થાય છે. આખા કાવ્યમાં શ્રદ્ધાનું પાત્ર મહત્વનું છે. એનામાં દયા, મમતા, વાત્સલ્ય, ક્ષમા આદિ માનવીય ગુણોનું નિરૂપણ થયું છે; એ જ મનુને સન્માર્ગે વાળે છે.
આ કાવ્ય રૂપકકાવ્ય છે. એમાં મનુ એ માનવ છે. એના જીવનનું સંચાલન કરનાર બે તત્ત્વો તે મન અને હૃદય. ઈડા એ મનનું એટલે કે બુદ્ધિનું પ્રતીક છે, જ્યારે શ્રદ્ધા એ હૃદયના ઉદાત્ત ભાવોનું પ્રતીક છે. આજના બુદ્ધિવાદના અને તર્કનું પ્રાધાન્ય હોય એવા યુગમાં કવિને હૃદયના ભાવોનું મહત્વ દર્શાવવું હતું. બુદ્ધિ પર હૃદયનો અંકુશ રહે, બીજી રીતે કહીએ તો બુદ્ધિની પ્રેરકશક્તિ હૃદયના ભાવો બને એ સંદેશો આપવા એમણે શ્રદ્ધાના પાત્રનું સર્જન કર્યું છે. શ્રદ્ધાનું પાત્ર એ કારણે હિન્દી કાવ્યસાહિત્યનું એક ચિરંજીવ પાત્ર બન્યું છે. ઈડાનું પાત્ર એના પૌરાણિક સ્વરૂપને અનુરૂપ છે. એ પાત્ર બુદ્ધિનું પ્રતીક છે. માત્ર બુદ્ધિથી દોરવાયેલા માનવની કેવી અવદશા થાય તે કવિએ મનુના પાત્ર દ્વારા આલેખ્યું છે.
ર્દશ્યનિરૂપણ તથા ભાવનિરૂપણમાં કવિની ઉત્કૃષ્ટ શક્તિનાં દર્શન થાય છે. પ્રલય, રાત્રિ, ત્રિપુર વગેરેનાં ચિત્રણ કલાત્મક છે.
ચન્દ્રકાન્ત મહેતા