કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ
August, 2023
કામરાજ કુમારસ્વામી – કે. કામરાજ (જ. 15 જુલાઇ 1903, વિરુધુનગર, તમિલનાડુ અ. 2 ઑક્ટોબર 1975, ચેન્નાઇ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ. મદ્રાસ રાજ્યના ત્રીજા મુખ્યપ્રધાન.
પિતા કુમારસ્વામી નાદર અને માતા શિવકામી અમ્મલ. તેમનું મૂળ નામ કામાચી હતું, જે પાછળથી કામરાજર થઈ ગયું. તેમના પિતા વેપારી હતા. તેમને 1907માં પરંપરાગત શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા અને 1908માં તેમને યેનાધિ નારાયણ વિદ્યા સલાઈમાં દાખલ કરવામાં આવ્યા હતા. 1909માં તેમને વિરુદુપટ્ટી હાઇસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા. તેઓ જ્યારે છ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. 1914માં તેમણે પરિવારને ટેકો આપવા માટે શાળા છોડી દીધી. તેમણે તેમના કાકાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન તેમણે હોમ રુલ ચળવળની જાહેર સભાઓ અને સરઘસોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. અખબારો વાંચીને પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિઓમાં રસ કેળવ્યો.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી તેમણે દેશની આઝાદી માટે લડવાનું નક્કી કર્યું. 1920માં 18 વર્ષની ઉંમરે તેઓ રાજકારણમાં સક્રિય થયા અને કૉંગ્રેસમાં જોડાયા. ગાંધીજી 21 સપ્ટેમ્બર, 1921ના રોજ મદુરાઈની મુલાકાતે ગયા ત્યાં ગાંધીજીને પ્રથમ વખત મળ્યા. 1923-25માં તેમણે નાગપુર ધ્વજ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તેમણે 1927માં ચેન્નાઇમાં તલવાર સત્યાગ્રહ શરૂ કર્યો. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેઓ જૂન 1930માં બે વર્ષ માટે જેલમાં ગયા હતા. વિરુધુનગરમાં તેમના નેતૃત્વ હેઠળ સરઘસ અને પ્રદર્શનો થયાં. તેમની જાન્યુઆરી 1932માં ફરી ધરપકડ કરવામાં આવી હતી અને એક વર્ષની જેલની સજા કરવામાં આવી. 1933માં વિરુધુનગર બોમ્બ કેસમાં તેમના પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો.
તેમણે 34 વર્ષની ઉંમરે 1937ની ચૂંટણીમાં સત્તુર બેઠક પર જીત મેળવીને વિધાનસભામાં પ્રવેશ કર્યો. જ્યારે મદ્રાસના ગવર્નર આર્થર હોપ બીજા વિશ્વયુદ્ધ માટે ભંડોળમાં ફાળો એકત્ર કરી રહ્યા હતા ત્યારે કામરાજે રાજ્યભરમાં ઝુંબેશ ચલાવી લોકોને યુદ્ધ ભંડોળમાં ફાળો ન આપવા જણાવ્યું. ડિસેમ્બર 1940માં યુદ્ધભંડોળમાં યોગદાનનો વિરોધ કરતા ભાષણો માટે ગુંટુર ખાતે તેમની ફરી ધરપકડ કરવામાં આવી હતી. સત્યાગ્રહીઓની યાદી માટે ગાંધીજીની મંજૂરી મેળવવા માટે તેઓ વર્ધા જઈ રહ્યા હતા ત્યારે તેમને વેલ્લોર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જેલમાં હતા ત્યારે તેઓ વિરુધુનગરના મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. નવ મહિના પછી નવેમ્બર 1941માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમણે આ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઑગસ્ટ 1942માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે ત્રણ વર્ષ સુધી અટકાયતમાં રહ્યા. જૂન 1945માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. તેમને તેમની સ્વતંત્રતા તરફી પ્રવૃત્તિઓ માટે અંગ્રેજો દ્વારા છ વખત જેલમાં પૂરવામાં આવ્યા હતા, જેમાં 3,000 દિવસથી વધુ જેલમાં રહેવું પડ્યું હતું. 1966માં ગૌહત્યા વિરોધી આંદોલન દરમિયાન સંસદની નજીક કામરાજનું ઘર હિન્દુત્વવાદી જૂથોએ સળગાવી દીધું હતું. તેઓ 1946માં ભારતની બંધારણ સભામાં અને બાદમાં 1952માં સંસદમાં પણ ચૂંટાયા હતા.
તેમણે 13 એપ્રિલ 1954થી 2ઑક્ટોબર 1963 સુધી મદ્રાસ રાજ્ય (તમિલનાડુ)ના મુખ્યમંત્રી તરીકે ત્રણ ટર્મ સુધી સેવા આપી હતી. તેઓ તેમની સાદગી અને પ્રામાણિકતા માટે જાણીતા હતા. મુખ્યપ્રધાન તરીકે કામરાજે અગાઉની સરકારમાં બંધ કરાયેલી 6000 શાળાઓ ફરીથી શરૂ કરી અને 12,000 વધુ નવી શાળાઓ ખોલી. કામરાજે અગિયારમા ધોરણ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ શરૂ કરીને નિરક્ષરતા દૂર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે મધ્યાહન ભોજન યોજના રજૂ કરી. તેમણે યુવા મનમાં જાતિ, સંપ્રદાય અને વર્ગના ભેદોને દૂર કરવા માટે મફત શાળા ગણવેશની રજૂઆત કરી. તેમના વહીવટના નવ વર્ષ દરમિયાન તમિલનાડુ ભારતના શ્રેષ્ઠ વહીવટી રાજ્યોમાંના એક તરીકે જાણીતું બન્યું.
1963માં તેમણે નહેરુને સૂચન કર્યું કે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ સંગઠનાત્મક કાર્ય કરવા માટે મંત્રીપદ છોડી દેવું જોઈએ. આ સૂચન ‘કામરાજ યોજના’ તરીકે જાણીતું બન્યું. તેઓ 9 ઑક્ટોબર, 1963ના રોજ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. 1964માં નેહરુના અવસાન પછી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના પ્રમુખ તરીકે તેમણે પોતે વડા પ્રધાન બનવાનો ઇનકાર કર્યો હતો. 1964માં લાલ બહાદુર શાસ્ત્રી અને 1966માં ઈન્દિરા ગાંધીને સત્તામાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આથી તેઓ “કિંગમેકર” તરીકે જાણીતા બન્યા. જ્યારે 1969માં કૉંગ્રેસનું વિભાજન થયું ત્યારે તેઓ તમિલનાડુમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ (ઓર્ગેનાઈઝેશન) (INC(O))ના નેતા બન્યા. તેઓ 1975માં તેમના મૃત્યુ સુધી INC(O)ના નેતા રહ્યા.
મુખ્ય મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જ્યારે વિરુધુનગરની નગરપાલિકાએ તેમના વતનના ઘરને સીધું પાણીનું જોડાણ પૂરું પાડ્યું હતું ત્યારે તેમણે તાત્કાલિક જોડાણ કાપી નાખવાનો આદેશ આપ્યો હતો. તેમણે તમિલનાડુના મુખ્ય મંત્રી તરીકે આપવામાં આવેલી Z-સ્તરની સુરક્ષાનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો હતો. હૃદયરોગના હુમલાને કારણે તેમનું નિદ્રામાં જ મૃત્યુ થયું હતું.
તેમને 1976માં મરણોત્તર ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1972માં કૉપર બોન્ડ ઍવૉર્ડ એનાયત થયો હતો. યુએસ વાઇસ-પ્રેસિડેન્ટ હુબર્ટ હમ્ફ્રેએ જાન્યુઆરી 1966માં કામરાજને “વિશ્વના મહાન રાજકીય નેતાઓમાંના એક” તરીકે ઓળખાવ્યા હતા. 2004માં ભારત સરકારે તેમની શતાબ્દીની ઉજવણી નિમિત્તે 100 રૂ. અને 5 રૂ. મૂલ્યનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો. ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ટર્મિનલ-1નું નામ ‘કામરાજ ટર્મિનલ’ રાખવામાં આવ્યું છે. ચેન્નાઈમાં એન્નોર પોર્ટનું નામ બદલીને ‘કામરાજર પોર્ટ લિમિટેડ’ કરવામાં આવ્યું. મરાઈમલાઈ નગર રેલવે સ્ટેશનનું નામ પણ તેમના નામ પરથી મરાઈમલાઈ નગર કામરાજર રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે. તેમનું સન્માન કરવા માટે તેમની પ્રતિમા ભારતની સંસદ અને મરિના બીચમાં બનાવવામાં આવી છે. તેમના માનમાં મદુરાઈ યુનિવર્સિટીનું નામ બદલીને મદુરાઈ કામરાજ યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. બેંગાલુરુમાં નોર્થ પરેડ રોડ અને નવી દિલ્હીમાં સંસદ રોડને ‘કામરાજ રોડ’ તરીકે નામ આપવામાં આવ્યું હતું. ચેન્નાઈમાં મરિના બીચ રોડ અને થુથુકુડીમાં એટ્ટાયપુરમ રોડને ‘કામરાજર સલાઈ’ તરીકે નામ આપવામાં આવ્યું હતું. 2004માં કામરાજની જીવનકથા પર આધારિત કામરાજ નામની તમિલ ભાષામાં ફિલ્મ બનાવવામાં આવી હતી.
તેમને ‘કાલવી થંથાઈ’ પણ કહેવામાં આવે છે, જેનો અર્થ ‘શિક્ષણના પિતા’ થાય છે. તેઓ 1962થી 1967 સુધી મદુરાઈ મતવિસ્તારમાંથી સંસદના સભ્ય હતા. તેમના ગાંધીવાદી સિદ્ધાંતો માટે તેમને ‘મદુરાઈના ગાંધી’ પણ કહેવામાં આવતા હતા.
અનિલ રાવલ