કામત, વાસુદેવ તારાનાથ
August, 2025
કામત, વાસુદેવ તારાનાથ (જ. 27 એપ્રિલ 1956, કરકલા, કર્ણાટક) : અગ્રણી આધુનિક ભારતીય ચિત્રકાર.
મુંબઈ ખાતેની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરીને ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. મુંબઈ ખાતેના ગ્લોબલ વિપશ્યના પગોડામાં તેમના શિષ્યોએ તેમણે (કામતે) તૈયાર કરેલાં રેખાચિત્રોના આધારે તેમના માર્ગદર્શન હેઠળ બુદ્ધના જીવન અંગેના એકસો દસ મોટા કદનાં રંગીન ચિત્રો ચીતરીને મૂક્યાં. દિલ્હી ખાતેના અક્ષરધામ મંદિર માટે કામતે તૈયાર કરેલાં રેખાચિત્રોને આધારે તેમના શિષ્યોએ તેમના માર્ગદર્શન હેઠળ સ્વામી સહજાનંદ અને સ્વામિનારાયણ સંપ્રદાય અંગેનાં સેંકડો ચિત્રો તૈયાર કર્યાં તથા તેમની ડિઝાઇનને અનુસરીને શિલ્પો તૈયાર કર્યાં.

વાસુદેવ તારાનાથ કામત
જાપાન ખાતે નારા નગરમાં ત્સુબોસાકાડેરા મંદિર માટે બુદ્ધના જીવન અંગેનાં ચિત્રો તેમણે ચીતર્યાં છે. મહારાષ્ટ્રમાં જલગાંવ ખાતે ‘ગાંધી અનુસંધાન કેન્દ્ર’ માટે ગાંધીજીના જીવનની કેટલીક ઘટનાઓ રજૂ કરતી પૅનલ તેમણે ચીતરી છે. અયોધ્યા ખાતે નવા બનેલા રામમંદિર માટે રામનું જીવન રજૂ કરતી કેટલીક અર્ધમૂર્ત શિલ્પની પૅનલો માટેની મૂળભૂત ડિઝાઇન તેમણે તૈયાર કરી છે. તેમણે પોતાની કલાનાં પચીસથી વધુ એકલ-પ્રદર્શનો કર્યાં છે તથા અનેક સામૂહિક પ્રદર્શનોમાં ભાગ લીધો છે. તેમણે ચિત્રકલા વિશે પુસ્તકો લખ્યાં છે : ‘સ્કૅચિંગ ઍન્ડ ડ્રૉઇંગ’, ‘પૉર્ટેટ્સ’ તથા ‘માય પેઇન્ટિંગ્સ ઍન્ડ માય થૉટ્સ’. તેમના માર્ગદર્શન હેઠળ ભારતભરમાં અનેક યુવાન ચિત્રકારો તૈયાર થયા છે.
તેઓ અનેક ખિતાબોથી નવાજાયા છે, જેમાંના કેટલાક આ પ્રમાણે છે :
સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ તરફથી અપાતો ઉષા દેશમુખ ગોલ્ડ મેડલ, 1977; બૉમ્બે આર્ટ સોસાયટી ઍવૉર્ડ, 1982; ડ્રેપર ગ્રેન્ડ ઍવૉર્ડ, 2006; કાલિદાસ સન્માન પુરસ્કાર, 2012; કેન્દ્રીય લલિત કલા અકાદમી પુરસ્કાર, 2019; પૉર્ટ્રેટ સોસાયટી ઑવ્ અમેરિકા ઍવૉર્ડ, 2019; ભારત સરકાર તરફથી અપાતો પદ્મશ્રી ઍવૉર્ડ, 2025.
અમિતાભ મડિયા