કામઠી : મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાનું નાગપુર-જબલપુર ધોરીમાર્ગ પર આવેલું ઐતિહાસિક સ્થળ. નાગપુરથી ઈશાન તરફ 15 કિમી.ના અંતરે ગીચ ઝાડીમાં તે વસેલું છે. નાગપુર-હાવરા રેલમાર્ગ ત્યાંથી પસાર થાય છે. કપાસ, મૅંગેનીઝ, ઇમારતી પથ્થર તથા આરસપહાણ વગેરેનું તે મોટું વ્યાપારી કેન્દ્ર છે. આજુબાજુના વિસ્તારમાં કપાસની મોટી ખેતી થાય છે. અહીં સાગ, ટીમરુ, વાંસ, ખેરનાં વૃક્ષો જોવા મળે છે. સુતરાઉ કાપડ, ચામડાની બનાવટો, રંગ, બીડી, ઈંટો તથા નળિયાં બનાવવાનાં કારખાનાં ત્યાં વિકસ્યાં છે. ગામની બાજુમાંથી કન્હાન નદી વહે છે. અહીં એન.સી.સી.ના અધિકારીઓનું પ્રશિક્ષણ કેન્દ્ર આવેલું છે. મરાઠા શાસનકાળ દરમિયાન વ્યાપારી કેન્દ્ર ઉપરાંત નાગપુરના ભોંસલે શાસકોના લશ્કરની છાવણી અહીં હોવાથી કામઠીનું ઐતિહાસિક મહત્વ રહ્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે