કાબાલેવ્સ્કી, દ્મિત્રી (જ. 30 ડિસેમ્બર 1904, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા; અ. 14 ફેબ્રુઆરી 1987, મોસ્કો, રશિયા) : વિશ્વપ્રસિદ્ધ આધુનિક રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક.

1925માં મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં કાબાલેવ્સ્કી પિયાનોવાદન અને સ્વરનિયોજનનો અભ્યાસ કરવા વિદ્યાર્થી તરીકે દાખલ થયા. સંગીતકાર એન. મ્યાસ્કૉવ્સ્કી અહીં તેમના શિક્ષક હતા. કાબાલેવ્સ્કીએ વિદ્યાર્થીકાળથી જ રશિયન લોકસંગીતનો પ્રભાવ ઝીલવો શરૂ કર્યો હતો. વિદ્યાર્થીકાળની તેમની બે કૃતિઓ ‘ફર્સ્ટ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ’ અને ‘ફર્સ્ટ કન્સર્ટો ફૉર પિયાનો ઍન્ડ ઑર્કેસ્ટ્રા’નું વાદન 1931માં મૉસ્કોના બૉલ્શૉય થિયેટરમાં કરવામાં આવ્યું. કારકિર્દીના પ્રારંભકાળની તેમની કૃતિઓમાં બીજી અને ત્રીજી સિમ્ફનીઓ તથા ઑપેરા ‘કોલાસ બ્રૂન્યોં’ (Colas Breugnon) છે. પ્રસિદ્ધ ફ્રેન્ચ સાહિત્યકાર રોમાં રોલાંના આ જ શીર્ષક હેઠળના પુસ્તક પરથી પ્રેરણા લઈ લખવામાં આવેલા આ ઑપેરાની રશિયન સાહિત્યકાર મૅક્સિમ ગૉર્કીએ પેટ ભરીને પ્રશંસા કરી હતી. આ ઑપેરા જોઈ ખુદ રોમાં રોલાં પણ પ્રસન્ન થયા હતા. 1938ના ફેબ્રુઆરીની બાવીસમીએ આ ઑપેરાનું પ્રથમ મંચન સેન્ટ પીટર્સબર્ગમાં થયેલું.

પ્રથમ વિશ્વયુદ્ધના પ્રારંભ સાથે કાબાલેવ્સ્કીની સર્જનાત્મકતાનો બીજો તબક્કો શરૂ થયો. આ તબક્કામાં તેમણે વિરાટકાય ઑર્કેસ્ટ્રાઓને બદલે થોડાં વાદ્યોને ઉપયોગમાં લેતી કૃતિઓ લખવી શરૂ કરી. તેમણે પિયાનોની સંગત સાથે માનવ એકલ (solo) કંઠ માટે ગીતો બેસાડ્યાં. તેમાં રશિયન ગીતો ‘ધ હસ્બન્ડ વૉન્ટેડ ટુ ડિસ્ટ્રૉય હિઝ વાઇફ’, ‘ઇન ધ ન્યૂ વિલેજ’, ‘એ મિલિટન્ટ સૉન્ગ’, ‘એ બિહેસ્ટ ટુ ધ સન’, ‘વી કૅનનૉટ બી ડિફિટેડ’, ‘ઇન ધ ડાર્ક થિક ગ્રોવ’ તથા કવિ એસ. માર્શેકના ગીત ‘ફૉર યુનાઇટેડ ચિલ્ડ્રન’નો સમાવેશ થાય છે. પછી ‘થર્ડ પિયાનો સૉનાટા’, ‘સેકન્ડ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ’, એક કૅન્ટાટા ‘ધ પીપલ્સ એવેન્જર્સ’ તથા એક ઑપેરા ‘તારાસ ફૅમિલી’ લખ્યા. બી. ગૉર્બાતૉવની કથા ‘ધી અન્વૅન્ક્વિશ્ડ’ ઉપરથી આ ઑપેરા લખવામાં આવેલો.

બીજા વિશ્વયુદ્ધના અંતે 1950થી કાબાલેવ્સ્કીના સર્જનોન્મેષનો ત્રીજો તબક્કો શરૂ થયેલો ગણાય છે. તેમાં પ્રથમ તેમણે ‘ધ ફૉર્થ સિમ્ફની’ અને ઑપેરા ‘નિકિતા વર્શિનીન’ લખ્યાં. પછી ફિલ્મો માટે સંગીત લખ્યું. આ ફિલ્મોમાં સમાવેશ પામે છે : ‘મુસોર્ગ્સ્કી’, ‘એકૅડેમિશિયન ઇવાન પાવલૉવ’, ‘ફ્રીમૅન’ તથા ઍલેક્સી તૉલ્સ્તૉયની નવલત્રયી ‘ધી ઓર્ડિયલ’ ઉપરથી તે જ શીર્ષક હેઠળ બનેલી ફિલ્મ. ત્યારબાદ મ્યુઝિકલ ફિલ્મ ‘સ્પ્રિન્ગ સિન્ગ્સ’ માટે સંગીત લખ્યું.

1960માં કાબાલેવ્સ્કીએ શેક્સપિયરનાં દસ સૉનેટને સંગીતમાં ઢાળ્યાં. એ પછી ‘કન્સર્ટો ફૉર ચૅલો ઍન્ડ ઑર્કેસ્ટ્રા’ તથા ‘સૉનાટા ફૉર ચૅલો ઍન્ડ પિયાનો’ લખ્યાં.

1963માં કાબાલેવ્સ્કીએ રૉબર્ટ રોઝ્ડેસ્ત્વેન્સ્કીનાં શોકગીતોને ‘રિક્વિયમ’ રૂપે સંગીતમાં ઢાળ્યાં. અલગ અલગ બે બાળ ગાયકવૃંદો ઉપરાંત વિશાળ પુખ્ત ગાયકવૃંદ અને વિરાટ ઑર્કેસ્ટ્રા માટેની આ મહત્વાકાંક્ષી કૃતિ મૉસ્કો, રીગા, કીવ, સેન્ટ પીટર્સબર્ગ જેવાં સોવિયેત નગરોમાં જ નહિ; પણ અમેરિકા, બ્રિટન, હંગેરી, જર્મની જેવા દેશોમાં પણ શ્રોતાઓની પ્રીતિપાત્ર થતી ગઈ. બીજા વિશ્વયુદ્ધમાં હોમાઈ ગયેલા માનવીઓ પ્રત્યે શોકમગ્ન અનુકંપા અર્પતી આ કૃતિ બધાના દિલને સહેલાઈથી સ્પર્શી ગઈ.

કાબાલેવ્સ્કીએ પિયાનો અને ઑર્કેસ્ટ્રા માટેનાં થોડાં કન્સર્ટો પણ લખ્યાં છે.

અમિતાભ મડિયા