કાપ, યુજિન (જ. 26 મે 1908, એસ્ટૉનિયા; અ. 29 ઑક્ટોબર 1996, એસ્ટૉનિયા) : એસ્ટૉનિયન સંગીતકાર અને સ્વરનિયોજક. એસ્ટૉનિયન સંગીતકાર કુટુંબમાં જન્મ. દાદા ઑર્ગનવાદક, કન્ડક્ટર અને સંગીતશિક્ષક હતા. પિતાએ સેન્ટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાં રિમ્સ્કી-કોર્સાકૉવ હેઠળ સ્વરનિયોજનની તાલીમ લીધી હતી. યુજિન કાપ એસ્ટૉનિયાની તાલીન કૉન્ઝર્વેટરીમાં 1922માં સંગીત અને સ્વરનિયોજનની તાલીમ લેવા વિદ્યાર્થી તરીકે દાખલ થયા. કાપને આ અભ્યાસ દરમિયાન જ એસ્ટૉનિયન લોકસંગીતમાં ઊંડો રસ જાગ્યો. કાપનો લોકસંગીતમાંનો રસ તેમને રશિયા, પોલૅન્ડ અને સ્પેનના લોકસંગીતના અભ્યાસમાં ખેંચી ગયો. 1932માં તેમણે તાલીન કૉન્ઝર્વેટરીમાંથી સંગીતની સ્નાતક પદવી ગ્રહણ કર્યા પછી મૌલિક કૃતિઓ સર્જવી શરૂ કરી, જેમાં તેમણે કરેલા લોકસંગીતના સંશોધન-અભ્યાસનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળે છે. આ કૃતિઓમાં અગત્યની છે : ‘ધ ડાન્સ ફૉર વાયોલિન ઍન્ડ પિયાનો’ (1934), ‘નૉર્ધર્ન મૅલડી ફૉર સ્ટ્રિન્ગ્ઝ’ (1934), ‘સૉનાટા ફૉર વાયોલિન ઍન્ડ પિયાનો’ (1936), ગીત ‘ફૉર ધ ફ્રીડમ ઑવ્ ધ કન્ટ્રી’ (1936), ‘સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ’ (1935), સિમ્ફનિક ઓવર્ચર ‘કાલેવિપોયેગ’ (‘ધ સન ઑવ્ કાલેપ’) (1936) અને ‘ડાન્સ સ્વીટ’ (1936).

1940માં સોવિયેત સરકારે મૉસ્કોમાં એસ્ટૉનિયન સંગીત અને કલાના મહોત્સવની ઉજવણી ગોઠવવાનું નક્કી કર્યું. આ માટે એસ્ટૉનિયન મહાકાવ્ય ‘કાલેવિપોયેગ’ માટે તૈયાર કરાવેલા બૅલેમાં કાપે સંગીત આપ્યું; પરંતુ આ ઑપેરાનું પ્રથમ મંચન બીજા વિશ્વયુદ્ધને કારણે મોકૂફ રહેતાં 1948માં થયું. 1941માં તેમણે ઑપેરા ‘ધ ફાયર્સ ઑવ્ વેન્જિયન્સ’ લખ્યો. એ પછી તેમણે ‘પૅટ્રિયોટિક સિમ્ફની’ અને ‘કન્ચતિનો ફૉર ટુ પિયાનોઝ’ લખ્યા.

બીજા વિશ્વયુદ્ધ પછી કાપે નવો ઑપેરા ‘ધ બાર્ડ ઑવ્ ફ્રીડમ’ લખ્યો. આ ઑપેરામાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એસ્ટૉનિયાની પ્રજાએ આપેલી લડત અને વેઠેલા સંઘર્ષનું નિરૂપણ કરવામાં આવ્યું છે. 1949માં કાપે કૅન્ટાટા ‘ધ પાવર ઑવ્ ધ પીપલ’ લખ્યો. એનું પ્રથમ ગાન અને મંચન 1950માં તેરમા ‘ઑલ એસ્ટૉનિયન સૉન્ગ ફેસ્ટિવલ’ તાલીન નગરમાં થયું. 1953માં કાપે એસ્ટૉનિયન લોકસંગીતની સૂરાવલિઓ અને લય પર આધારિત સિમ્ફની ‘એસ્ટૉનિયા’ લખી. 1955માં તેમણે ફિનલૅન્ડની મુલાકાત લઈ ફિનિશ લોકસંગીતનો અભ્યાસ કર્યો. એ લોકસંગીત પર આધારિત એક ઓવર્ચર 1957માં લખ્યું : ‘ધ ફિનિશ થીમ્સ’. સેન્ટ પીટર્સબર્ગ નગરની સ્થાપનાની 250મી જયંતી પ્રસંગે તેમણે 1958માં ‘લેનિનગ્રાડ સ્વીટ’ લખ્યો.

પછી કાપે બાળકો માટે કૃતિઓ લખી. તેમાં એક સ્વીટ ‘યન્ગ પાયોનિયર’, ઑપેરા ‘એ વિન્ટર ટેલ’ તથા બૅલે ‘ધ ગોલ્ડ સ્પિનર્સ’નો સમાવેશ થાય છે.

કાપે પાંચ કેન્ટાટા લખ્યા છે : ‘ધ પાવર ઑવ્ પીપલ’ (1949), ‘ઇન ધ માઉસોલિયમ’ (1950), ‘સૉન્ગ અબાઉટ લેનિન’ (1950), ‘ધ બાલ્ટિક સી’ (1959) તથા ‘ઑક્ટોબર ઍન્ડ જૂન’ (1967). 1965માં કાપે ઑપેરેટા (એકાંકી ઑપેરા) ‘આસોલ’ લખ્યો. તેનો લિબ્રેતો (પટકથા અને સંવાદો) આઈ. સેવૉલ્ઝ્કીએ લખેલો.

ડી. કૅડ્રીનના નાટક ‘રૅમ્બ્રાં’ ઉપરથી કાપે તે જ શીર્ષક હેઠળ ઑપેરા લખ્યો. 1977માં ‘અર્ન્સ્ટ થાલ્માન’ નામનો ઑપેરા એમ. કેસામાના કાવ્યને સંગીતબદ્ધ કરી લખ્યો.

કાપનું ચેમ્બર-સંગીત પણ અગત્યનું છે. તેમાં આ કૃતિઓ ખાસ આકર્ષક છે : ‘સૉનાટા ઇન સી માઇનૉર ફૉર એલો ઍન્ડ પિયાનો’ (1948), ‘સૉનાટા ઇન G માઇનોર ફૉર પિયાનો’ (1948); ગીત-શ્રેણી ‘નેટિવ લૅન્ડસ્કેપ’ (1953), ‘24 પ્રિલ્યુડ્ઝ ફૉર ધ પિયાનો’ (1965-67) અને ‘ફોર એસ્ટૉનિયન ડાન્સિસ ફૉર વાયોલિન ઍન્ડ પિયાનો’ (1973).

આ ઉપરાંત કાપે ચાળીસ વૃંદગાનો લખ્યાં છે; ઘણી ફિલ્મો અને નાટકો માટે સંગીત લખ્યું છે તથા ઘણાં કન્સર્ટો પણ લખ્યાં છે.

એક સંગીતશિક્ષક તરીકે પણ કાપનું મહત્ત્વ છે. પોતાના પછીની પેઢીમાં ઘણા એસ્ટૉનિયન સંગીતકારોને તેમણે તૈયાર કર્યા છે.

અમિતાભ મડિયા