કાનો પરિવાર [1. કાનો, માસાનોબુ (જ. 1434; અ. 1530, ક્યૉટો, જાપાન); 2. કાનો, મોટોનોબુ (જ. 28 ઑગસ્ટ 1476; અ. 5 નવેમ્બર 1559, ક્યૉટો, જાપાન); 3. કાનો, એઇટોકુ (જ. 16 ફેબ્રુઆરી, ક્યૉટો, જાપાન; અ. 12 ઑક્ટોબર 1590, ક્યૉટો, જાપાન); 4. કાનો શાન્રાકુ (જ. 1559, જાપાન; અ. 30 ઑક્ટોબર 1635, ક્યૉટો, જાપાન); 5. કાનો, ટાન્યુ (જ. 4 માર્ચ 1602, ક્યૉટો, જાપાન; અ. 4 નવેમ્બર 1674, એડો (ટોકિયો), જાપાન); 6. કાનો, નાઓનોબુ (જ. 25 નવેમ્બર 1607, ક્યૉટો, જાપાન; અ. 7 મે 1650, એડો (ટોકિયો), જાપાન] : 200 વરસના ગાળામાં સાત પેઢી સુધી પથરાયેલા એક કુટુંબના છ જાપાની ચિત્રકારો.
જાપાનના લશ્કરી સેનાપતિઓ અને શાસકો કાનો પરિવારના ચિત્રકારોના આશ્રયદાતા બનેલા. કાનો પરિવારનો પ્રથમ ચિત્રકાર કાગેનોબુ છે, પણ તેના અંગે કોઈ ખાસ માહિતી નથી; પરંતુ તેના પુત્ર મોટોનોબુથી કાનો પરિવારની પ્રતિષ્ઠા થઈ.
માસાનોબુ આશિકાગા નામના લશ્કરી પરિવારનો આશ્રિત હતો. શાહી વડે ચિત્ર આલેખવાની ચીની પદ્ધતિ તેણે અપનાવેલી. તે હંમેશાં એકરંગી (monochromatic) ચિત્રો ચીતરતો. જાપાની ચિત્રકાર શુબુનની શૈલીએ તે સંતો અને બોધિસત્વોને ચિત્રોમાં આલેખતો. તેનાં બે ચિત્રો – ‘સારસ’ (‘ધ ક્રેન્સ’) અને ‘ધ સેજ ચોઉ મોઉ શુ ઇન અ લોટસ-પૉન્ડ’ જાણીતાં છે.
માસાનોબુનો પુત્ર મોટોનોબુ પણ આશિકાગા પરિવારનો આશ્રિત હતો. પિતાની જેમ જ મોટોનોબુ પણ ચીની શૈલીમાં શાહી વડે એકરંગી ચિત્રો ચીતરતો. તેનો સસરો વિખ્યાત જાપાની ચિત્રકાર મિત્સુનોબુ ટોસા હતો. ટોસાના પ્રભાવ હેઠળ તેણે ભડક રંગોનો ઉપયોગ ચિત્રોમાં કરવો શરૂ કરેલો. નિસર્ગર્દશ્યો ઉપરાંત પુષ્પો અને પંખીઓનું આલેખન કરવામાં પણ તે ખૂબ પાવરધો હતો.
મોટોનોબુના પૌત્ર એઇટોકુએ કાનો-શૈલીનો વિકાસ કર્યો. એણે સોનાના વરખ ચિત્રોમાં ચોંટાડવાનું શરૂ કર્યું; ઉપરાંત, આકૃતિઓને ઘાટી અને જાડી બહિર્રેખાઓ વડે બાંધવી શરૂ કરી. પંખીઓ, પશુઓ, વૃક્ષો, પુષ્પો અને ખડકો તેના પ્રિય વિષયો હતા. તે ઓડા નાબુનાગા તથા ટૉયોટૉમી હિદેયોશી એ બે લશ્કરી પરિવારોનો આશ્રિત હતો. એનાં ચીતરેલાં સિંહોનાં ચિત્રો ખૂબ આકર્ષક છે.
એઇટોકુનો દત્તક પુત્ર શાન્રાકુ પણ ઓડા નોબુનાગા તથા ટૉયોટૉમી હિદેયોશી પરિવારોનો આશ્રિત હતો. એણે વાઘ, વૃક્ષો, લતાઓ, પુષ્પો, પંખીઓ, પતંગિયાં અને નિસર્ગની ખૂબ જ કોમળતાપૂર્વક ચિત્રોમાં રજૂઆત કરી. પંખીઓમાં ગીધ, સમડી, બાજ અને ગરુડ જેવાં હિંસક પંખીઓનો જુસ્સો તેણે ચિત્રોમાં હૂબહૂ આલેખ્યો. વાઘ સાથે તે લતાઓ અને પુષ્પોની સંવેદનશીલ સહોપસ્થિતિ આલેખતો.
એઇટોકુનો પૌત્ર ટાન્યુ બધા જ કાનો ચિત્રકારોમાંથી સૌથી વધુ પ્રભાવક ગણાય છે. તેનાં ચિત્રોનો વિષય કન્ફ્યૂશિયસના જીવનને લગતો છે. આછા ઝાંખા રંગો વડે તેણે અત્યંત ઋજુ રજૂઆત કરી છે. જીવનમાં અત્યંત નાની ઉંમરે તેણે સફળતા અને પ્રતિષ્ઠા મેળવેલી. માત્ર 17 વરસની ઉંમરે તેને આશ્રયદાતા લશ્કરી ટોકુગાવા પરિવારે જાગીર આપેલી. એણે કન્ફ્યૂશિયસના જીવનપ્રસંગો નિજો કિલ્લામાં, તથા ક્યૉટોના રાજવી મહેલની ભીંતો પર આલેખ્યા. 34 વરસની ઉંમરે તે બૌદ્ધ મંદિરમાં સાધુ બન્યો અને એ પછી બે વરસે તે મઠાધિકારી બન્યો. ‘કન્ફ્યૂશિયસ ઍન્ડ ટુ ડિસાઇપલ્સ’ તેનું શ્રેષ્ઠ ચિત્ર ગણાય છે.
નાઓનોબુ કાનો પરિવારનો સાતમી પેઢીનો ચિત્રકાર – છેલ્લો સિતારો હતો. એણે મુખ્યત્વે એકરંગી શાહી વડે ચિત્રો ચીતર્યાં છે. એની પીંછીના પહોળા લસરકામાં એનો આત્મવિશ્વાસ ડોકાતો જોવા મળે છે. નિસર્ગ એનો પ્રિય વિષય હતો. એણે તેરમી સદીના પ્રારંભના ચીની ચિત્રકાર મુચી ફાચાન્ગનો પ્રભાવ સ્વીકારેલો. એ રીતે એણે ચીતરેલાં ચિત્રો ખૂબ પ્રખ્યાત છે. તેમાં આઠ ચિત્રોની શ્રેણી ‘એઇટ વ્યૂઝ ઑવ્ ધ સિયાઓ ઍન્ડ સિયાન્ગ રિવર્સ’ શ્રેષ્ઠ ગણાય છે.
અમિતાભ મડિયા