કાનો, આલૉન્સો (જ. 19 માર્ચ 1601, ગ્રૅનેડા, સ્પેન; અ. 3 સપ્ટેમ્બર 1667, ગ્રૅનેડા, સ્પેન) : સ્પૅનિશ બરોક ચિત્રકાર, શિલ્પી અને સ્થપતિ. ભયાનક પાપો આચરીને હિંસક જીવન જીવનાર તે એક ક્રૂર વ્યક્તિ હોવા છતાં ઋજુ સંવેદના પ્રકટાવનાર ધાર્મિક ચિત્રો અને શિલ્પો પણ તે સર્જી શક્યો છે.
1614માં સેવિલે નગરમાં જઈને શિલ્પી જુઆન માર્ટિનેઝ મૉન્ટાનેઝ પાસે શિલ્પકલા તથા ચિત્રકાર ફ્રાંસિસ્કો પાચિઓ પાસે ચિત્રકલા શીખ્યો. ચિત્રકાર લાનો ઇ વાલ્દેસ સાથે 1637માં તલવારબાજી ખેલતાં હારવાને કારણે કાનોએ સેવિલે છોડવું પડ્યું. ભાગીને તે મૅડ્રિડ ગયો, અને મૅડ્રિડના રાજદરબારની પનાહ મેળવી તે દરબારી ચિત્રકાર બન્યો; પરંતુ 1644માં મૅડ્રિડના દરબારી ચિત્રકાર તરીકેની તેની કારકિર્દીનો અંત આવ્યો, કારણ કે દરબારીઓને શંકા થઈ કે તેની પત્નીનું ખૂન ખુદ કાનોએ જ કર્યું છે. તેથી તે ત્યાંથી વાલેન્ચિયા ભાગ્યો. ત્યાંથી તે ગ્રૅનેડા ગયો અને રાજા ફિલિપ ચોથાને મળ્યો. ફિલિપ ચોથા સાથેની વાટાઘાટોને અંતે ગ્રૅનેડા કેથીડ્રલમાં એક પાદરીનો હોદ્દો તે 1652માં મેળવી શક્યો; પરંતુ ત્યાં તેની બદમાશીભરી વર્તણૂકને કારણે 1656માં ગ્રૅનેડા કેથીડ્રલે તેને તગેડી મૂક્યો. પછી મૅડ્રિડ જઈ તેણે પવિત્રતાના શપથ લીધા અને ગ્રૅનેડા કેથીડ્રલના મુખ્ય સ્થપતિ તરીકેનો હોદ્દો મેળવ્યો. મૃત્યુપર્યંત તે આ હોદ્દા પર રહ્યો.
સેવિલે, મૅડ્રિડ અને ગ્રૅનેડામાં કાનોએ ઘણાં ચિત્રો કર્યાં. ઇટાલિયન બરોક ચિત્રકાર કારાવાજિયોની માફક સેવિલે-નિવાસ દરમિયાન સર્જન પામેલાં કાનોનાં ચિત્રોમાં કાળાભેંકાર પડછાયા જોવા મળે છે. આ ચિત્રોમાંથી બે જાણીતાં છે : ‘વિયા ક્રુચિસ’ અને ‘સેન્ટ ફ્રાન્સિસ બોર્જિયા’. મૅડ્રિડ-નિવાસ દરમિયાનનાં તેનાં ચિત્રોમાં કાળા પડછાયાને સ્થાને આછા પડછાયા જોવા મળે છે અને પીંછીના લસરકા હવે પછી સો વરસે જન્મ લેનારા પ્રભાવવાદી ચિત્રકારો જેવા થોડા મુક્ત જોવા મળે છે. મહાન સ્પૅનિશ ચિત્રકાર વાલાસ્ક્વેથની શૈલીનું પૂર્વપ્રતિબિંબ પણ મૅડ્રિડ-નિવાસ દરમિયાનનાં કાનોનાં ચિત્રોમાં જોવા મળે છે. તેમાંથી ‘‘સેન્ટ ઇસિદોરે’ઝ મિરેકલ ઑવ્ ધ વૅલ’’ શ્રેષ્ઠ ગણાયું છે. ગ્રૅનેડા-નિવાસ દરમિયાનના કાનાના છેલ્લા તબક્કાનાં ચિત્રોમાં રેનેસન્સ ચિત્રો જેવા ભાવો અને રંગોનો સુમેળ જોવા મળે છે. તેમાંથી શ્રેષ્ઠ છે ‘મિસ્ટરિઝ ઑવ્ ધ વર્જિન ઇન ધ કેથીડ્રલ’.
સેવિલે-નિવાસ દરમિયાન અને મૅડ્રિડ-નિવાસ દરમિયાન કાનોએ સર્જેલાં શિલ્પોમાંથી આજે એક પણ હયાત નથી. એના ગ્રૅનેડા-નિવાસ દરમિયાનનાં છેલ્લા તબક્કાનાં શિલ્પોમાંથી ઘણાં શિલ્પો આજે મોજૂદ છે. આ બધાં જ શિલ્પો લાકડાંમાંથી કંડારેલાં છે અને એમની પર વાળ, ત્વચા, આંખ, કપડાં, ઇત્યાદિ ઘટકો માટેનું વિવિધરંગી રંગરોગાન કર્યું છે. તેમાંથી તેનું શ્રેષ્ઠ શિલ્પ ગણાય છે : ‘સાન ડિયેગો દ આલ્ચાલા’.
આ ઉપરાંત તેનું શિલ્પ ‘ઇમાક્યુલેટ કન્સેપ્શન’ (Immaculate conception) પણ ખૂબ સુંદર છે. તેનાં બધાં જ શિલ્પોમાં ભાવાભિવ્યક્તિ ઘણી સ્ફુટ છે.
સ્થપતિ તરીકેની કાનોની શ્રેષ્ઠ સિદ્ધિ ગ્રૅનેડા કેથીડ્રલનો ફસાદ ગણાય છે. સમગ્ર સ્પૅનિશ સ્થાપત્યની સૌથી વધુ મૌલિક કૃતિઓમાં તેની ગણના થાય છે.
અમિતાભ મડિયા