કાત્યાયન શ્રાદ્ધકલ્પ : પારસ્કર ગૃહ્યસૂત્રના પરિશિષ્ટ રૂપે સંગૃહીત ગ્રંથ. કાત્યાયન શ્રાદ્ધકલ્પ, શૌચસૂત્ર, સ્નાનસૂત્ર અને ભોજનસૂત્ર એકત્રિત મળે છે. આ સૂત્રોની પુષ્પિકાઓમાં તેમને કાત્યાયનપ્રોક્ત કહ્યાં છે તેથી સમજાય છે કે તે સ્વયં કાત્યાયને રચ્યાં નથી પણ કાત્યાયનબોધિત પરંપરાનાં અને પાછળથી શબ્દબદ્ધ થયેલાં છે. શ્રાદ્ધકલ્પ ઉપર કર્કોપાધ્યાયની ટીકા છે તેથી વિક્રમની બારમી શતાબ્દી પહેલાં તે શબ્દબદ્ધ થઈ ગયો હશે એમ અનુમાન કરી શકાય. હેમાદ્રિને આ પ્રાચીન પાઠ મળેલો છે. પારસ્કર ગૃહ્યસૂત્ર માધ્યંદિનીશાખીય હોવાથી કાત્યાયન શ્રાદ્ધકલ્પ આદિ તેના પરિશિષ્ટ રૂપે મુકાયાં છે. શ્રાદ્ધકલ્પ ઉપર કર્કોપાધ્યાય ઉપરાંત ગદાધરનું સપ્રયોગ ભાષ્ય અને એક કાશિકાવિવૃતિ પણ છે.
આ ગ્રંથમાં નવ કંડિકાઓ છે. છેલ્લી બે કંડિકાઓ પર કર્કભાષ્ય નથી. ગદાધરભાષ્ય અને કાશિકા નવેય કંડિકાઓ પર છે. પહેલી ત્રણ કંડિકાઓમાં માસશ્રાદ્ધનું નિરૂપણ છે. ચતુર્થ કંડિકામાં એકોદ્દિષ્ટ (એક મૃતકને ઉદ્દેશી કરાતું) શ્રાદ્ધ, પંચમ કંડિકામાં સપિંડીકરણ અને ષષ્ઠ કંડિકામાં આભ્યુદયિક શ્રાદ્ધ(નાન્દીશ્રાદ્ધ)નું નિરૂપણ છે. સપ્તમ અને અષ્ટમ કંડિકામાં શ્રાદ્ધમાં અપાતા વિવિધ ભોજ્ય પદાર્થો વડે પિતૃઓને મળતી તૃપ્તિ અને નવમ કંડિકામાં કામ્યશ્રાદ્ધનાં ફળનું નિરૂપણ છે.
અપર પક્ષ એટલે કે કૃષ્ણપક્ષમાં શ્રાદ્ધ કરવું. ચતુર્થી પછીનો જે દિવસ પ્રથમ પિતૃની મરણતિથિ હોય તે દિવસ વધારે સારો. માસશ્રાદ્ધમાં વૈશ્વદેવિક શ્રાદ્ધ સાથે પિતૃઓને પિંડદાન થાય. પિતા અને માતામહ એ બે પાર્વણો લેવાય. દેવો માટે બે અને પિતૃઓ માટે ત્રણ બ્રાહ્મણો બેસાડાય. બંને માટે એક એક બ્રાહ્મણ પણ ચાલે. બ્રાહ્મણોને પૂર્વ દિને નિમંત્રણ આપવું. સ્નાતક, યતિ સંન્યાસી કે આચારશીલ વૃદ્ધ શ્રોત્રિય ગૃહસ્થને નિમંત્રણ આપવાનો પણ કેટલાકનો મત છે. આમાંથી કોઈ ન મળે તો નિયમનિષ્ઠ શિષ્યને નિમંત્રવો. ચર્મરોગી, અતિશ્વેત, શ્વેત કુષ્ઠવાળા, શ્યામ દાંતવાળા, વીંધેલી જનનેન્દ્રિયવાળા, રોગી, વિકલાંગ કે વિકૃત નખવાળાને નિમંત્રણ ન આપવું.
અનિન્દ્ય ગૃહસ્થે આપેલા નિમંત્રણને પાછું ન ઠેલવું. નિમંત્રણ સ્વીકાર્યા પછી અન્યત્ર શ્રાદ્ધભોજન ન કરવું કે તન્નિમિત્ત આમાન્ન (કાચા અન્નનું સીધું) ન સ્વીકારવું. વૈશ્વદેવ નિમિત્તના બ્રાહ્મણોને પૂર્વાભિમુખ બેસાડવા. પિતૃનિમિત્ત બ્રાહ્મણોને ઉત્તરાભિમુખ બેસાડવા. વૈશ્વદેવ નિમિત્તે બે અને પિતૃનિમિત્તે પ્રત્યેકના એક એમ ત્રણ ત્રણ બ્રાહ્મણ બેસાડવા અથવા દેવનિમિત્તે એક અને પિતૃનિમિત્તે એક બ્રાહ્મણ બેસાડવો. સર્વ પ્રકારનાં શ્રાદ્ધોમાં આમ વ્યવસ્થા થાય. શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું. સ્થિતિ અનુસાર ઉપચાર કરવા. શાકાહાર વડે પણ શ્રાદ્ધ તો કરવું જ. ચૂકવું નહિ. ‘પ્રતિમાસ તમને ભોજન મળશે’ એવી શ્રુતિનું પાલન કરવું.
શ્રાદ્ધને દિવસે યજમાન અને નિમંત્રિતોએ સર્વથા શુદ્ધ રહેવું. ક્રોધ, ઉતાવળ, પ્રમાદ ન કરવાં. સ્ત્રીસંગ, સ્વાધ્યાય, મુસાફરી ટાળવાં. વાણી પર સંયમ રાખવો. અપસવ્ય કરી દક્ષિણામુખે, વામજાનુ નીચે રાખી બેસવું, વગેરે બધું પિંડપિતૃયજ્ઞની જેમ કરવું. દેવનિમિત્ત દર્ભ વાળવા નહિ. પિતૃનિમિત્ત દર્ભ બેવડા વાળવા. પવિત્ર (વીંટી) ધારણ કરવું. બેઠાં બેઠાં પિંડદાન કરવું. તૃપ્તિપ્રશ્ન પંક્તિના મુખ્ય બ્રાહ્મણને કરવો. પિતૃઓનાં આસનો પર દર્ભ પાથરવા. પિંડદાન કર્યા પછી ઘૃતયુક્ત ઓદન વડે હોમ કરવો, પછી બ્રાહ્મણોને જમાડવા. તેમના જમી રહ્યા પછી તેમની પાસે ગોત્રવર્ધન આદિના આશીર્વાદ માગવા. ભોજન ચાલુ હોય ત્યારે પુરુષસૂક્ત, મધુમતી ઋચાઓ આદિનો પાઠ કરવો. સર્વ શ્રાદ્ધ માટે આ સામાન્ય વિધિ છે.
મૃતકને વર્ષ પૂરું થયા પછી કે ત્રણ પક્ષ કે બાર દિવસ પછી સપિંડીકરણ શ્રાદ્ધ કરવું. તેમાં ચાર પાત્રોમાં તિલ અને ચંદનમિશ્ર પાણી લેવું અને મૃતકનિમિત્તના પાત્રનું જળ પિતૃનિમિત્તનાં ત્રણ પાત્રોમાં મેળવી દેવું. પિતૃઓના ત્રણ પિંડોમાં મૃતકના પિંડને ભેળવી દેવો. સપિંડીકરણથી મૃતકને પિતૃ તરીકે શ્રાદ્ધ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.
મંગલ કાર્યમાં આભ્યુદયિક શ્રાદ્ધ (નાન્દીશ્રાદ્ધ) કરવું. યજ્ઞોપવીત સવ્ય રાખવું. ઉત્તર કે પૂર્વ અભિમુખે બેસવું. તિલને સ્થાને યવનો ઉપયોગ કરવો. બોર અને દહીં નાખી પિંડ કરવા. નાંદીમુખ નામે પિતૃઓને પૂજવા. બે બ્રાહ્મણો જમાડવા.
ઉગાડેલાં અન્ન અને ઔષધિથી પિતૃઓને એક માસ સુધી તૃપ્તિ થાય. આરણ્યક (વગડામાં એની મેળે ઊગી નીકળેલું) ધાન્ય, ઔષધિ પણ વાપરી શકાય. માંસ પણ આપી શકાય.
વર્ષાઋતુમાં મઘાશ્રાદ્ધ કરવું. તેમાં વેદપાઠી અગ્નિહોત્રી બ્રાહ્મણોને જ નિમંત્રવા. પ્રતિપદાએ શ્રાદ્ધ કરવાથી સુંદર સ્ત્રીનો લાભ થાય. દ્વિતીયાએ કરવાથી પુત્રીલાભ થાય. તૃતીયાએ કરવાથી અશ્વલાભ થાય. ચતુર્થીએ ક્ષુદ્ર પશુ મળે. પંચમીએ પુત્રલાભ થાય. ષષ્ઠીએ શ્રાદ્ધ કરવાથી દ્યૂતમાં લાભ થાય. સપ્તમીએ કૃષિસમૃદ્ધિ, અષ્ટમીએ વેપારમાં લાભ, નવમીએ એક ખરીવાળાં પશુઓનો લાભ, દશમીએ ગાયો, એકાદશીએ પરિચારકો, દ્વાદશીએ ધનધાન્ય, ત્રયોદશીએ હિરણ્ય આદિ બહુમૂલ્ય ધાતુ અને જ્ઞાતિમાં પ્રતિષ્ઠા મળે. યુવાન મૃતકનું શ્રાદ્ધ પણ ત્રયોદશીએ થાય. શસ્ત્રઘાતથી મરેલાનું ચતુર્દશીએ શ્રાદ્ધ થાય. સર્વનું શ્રાદ્ધ અમાવાસ્યાએ થાય.
નટવરલાલ યાજ્ઞિક