કાચ દે વસ્તર : સોહનસિંઘ મીશાનો પંજાબી ભાષાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિક મળ્યું. કાવ્યો મહદંશે શહેરી નિમ્ન મધ્યમ વર્ગના વિશ્વને સ્પર્શે છે, આ વર્ગના લોકો તેમની શ્રદ્ધા અને માન્યતાઓને વસ્ત્રોની જેમ પહેરે છે અને પોતાને ઢંકાયેલા તથા રક્ષાયેલા માને છે; પરંતુ આ વસ્ત્રો જાણે કે કાચનાં બનેલાં છે જે નથી ઢાંકતાં કે નથી રક્ષણ પણ કરતાં. તેથી માત્ર પાખંડ દ્વારા ભ્રમ ચાલુ રહે છે. કાવ્યો બોલચાલની શૈલીમાં અલંકારના ઠઠારા વગરનાં છે, પરંતુ અત્યંત ભાવદર્શક તથા અનુભૂતિ અને વિચારોથી સભર છે.
ગુરુબક્ષસિંહ