કાઇહો, યુશો (જ. 1533, ઓમી, જાપાન; અ. 1 માર્ચ 1615;  ક્યોતો) : આઝુચી-મોમોયામા સમયનો જાપાનનો મહત્ત્વનો ચિત્રકાર.

લશ્કરી કારકિર્દીની પરંપરા ધરાવતા કુટુંબમાં તેનો જન્મ થયેલો. ક્યોતો જઈને તે સાધુ બનેલો. સંભવત: એઇતોકુ નામના ચિત્રકાર પાસે તેણે ચિત્રકળાની તાલીમ લીધી. એઇતોકુની માફક તેનાં ચિત્રોમાં પણ ઝળહળતા રંગીન રંગો જોવા મળે છે. વળી તે ઝેન સાધુઓની પ્રણાલિકામાં ઝાંખા રંગો વડે પણ ચિત્રો કરતો હતો. તેરમી સદીના ચીની ચિત્રકાર લિયાન કાઈની શૈલીમાં પીંછીના ઓછામાં ઓછા (લઘુતમ) લસરકા વડે તે માનવઆકૃતિઓને ફલક ઉપર ચિત્રિત કરી શકતો હતો. (આ પદ્ધતિએ ચીતરેલાં ચિત્રો ‘ફૂકુરો-ઇ’ નામે ઓળખાય છે.) સમ્રાટ ગો-યોઝેઇ (Go-Yzei) અને તોયોતોમી હિડેયોશીનો તે આશ્રિત હતો.

ક્યોતોના મોશીન્જી મ્યુઝિયમ અને ક્યોતો ઓનીશી મ્યુઝિયમ ઑવ્ આર્ટમાં કાઇહોનાં ચિત્રો સંઘરાઈને પ્રદર્શિત થયેલાં છે. તેનાં શ્રેષ્ઠ ચિત્રોમાં ‘પાઇન ટ્રી ઍન્ડ મેના બર્ડ્ઝ’, ‘પ્લમ ટ્રી’ અને ‘ફિશિન્ગ નેટ્સ’નો સમાવેશ પામે છે. તેમાં લાવણ્યસભર રેખાઓ સાથે તેજસ્વી રંગોનું સંયોજન જોવા મળે છે.

અમિતાભ મડિયા