કાંબળે, જી. (જ. 23 જુલાઈ 1918, કોલ્હાપુર, મહારાષ્ટ્ર; અ. 21 જુલાઈ 2002, કોલ્હાપુર) : ‘પોસ્ટર પેઇન્ટિંગના બાદશાહ’ના નામથી જાણીતા પોર્ટ્રેટ ચિત્રકાર. આખું નામ ગોપાળ બળવંત કાંબળે. કારમી ગરીબીને લીધે શાળા-કૉલેજનું ઔપચારિક શિક્ષણ તથા ચિત્રકલાનું વિધિસર શિક્ષણ મેળવી શક્યા નહીં, અને માનવંતા ચિત્રકારના માર્ગદર્શનથી પણ તેઓ વંચિત રહેલા. પોતાની પ્રતિભાનું સંમાર્જન કરવા માટે મુંબઈ ગયા. આર્થિક ટેકા વિના શરૂઆતનું જીવન ત્યાં પણ ગરીબીમાં વીતેલું માત્ર ચણા ખાઈને દિવસો પસાર કરવા પડતા. જુદા જુદા ફિલ્મ સ્ટુડિયોમાં આંટાફેરા કરીને કામ મેળવવાના પ્રયાસ કરતા; જેમાં ફિલ્મસિટી, રણજિત સ્ટુડિયો, બૉમ્બે ટૉકીઝ, નૅશનલ સ્ટુડિયો જેવાંનો સમાવેશ થતો હતો. કેટલાક સ્ટુડિયો માટે તેમના દ્વારા નિર્મિત ચલચિત્રોનાં પોસ્ટર તૈયાર કરવાની શરૂઆત કરી. વિખ્યાત ચલચિત્રનિર્માતા અને દિગ્દર્શક વી. શાંતારામે તેમને રાજકમલ કલામંદિરમાં કામ આપ્યું; જ્યાંથી વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત થઈ. શકુંતલા અને વસંતઋતુનું સાક્ષાત દર્શન કરાવતું 66 ફૂટ લાંબું રંગીન પોસ્ટર કાંબળેએ માત્ર બે દિવસમાં તૈયાર કર્યું. ત્યારબાદ રાજકમલ કલામંદિર દ્વારા નિર્મિત એક પછી એક ઘણાં પોસ્ટર્સ તેમણે તૈયાર કર્યાં; જેમાં ‘દો આંખે બારહ હાથ’, ‘અપના દેશ’, ‘તુફાન ઔર દિયા’, ‘ઝનક ઝનક પાયલ બાજે’, ‘નવરંગ’, ‘સેહરા’, ‘ગીત ગાયા પથ્થરોંને’, ‘અમર ભૂપાળી’, ‘સાવતા માળી’ વગેરેનો સમાવેશ થયો હતો. ‘દહેજ’ ચલચિત્રનું કાંબળેએ તૈયાર કરેલું પોસ્ટર વી. શાંતારામને એટલું બધું ગમ્યું કે તેમણે કાંબળેને બક્ષિસ તરીકે હિલમૅન મોટર ભેટમાં આપી. કે. આસિફ દ્વારા 1960માં નિર્મિત ‘મુગલ-એ-આઝમ’ ચલચિત્ર માટે કાંબળેએ એટલા બધા રંગોનો ઉપયોગ કર્યો કે દેશના બજારોમાં રંગની અછત સર્જાઈ. 1960માં ઇંગ્લૅન્ડનાં રાણી એલિઝાબેથ બીજાં દિલ્હીની મુલાકાતે આવ્યાં ત્યારે તેમના સ્વાગતના ભાગ તરીકે પાટનગરના રસ્તાઓ પર સરકાર દ્વારા જે ગાડીના રસાલા(motorcade)નું આયોજન કરવામાં આવ્યું હતું, તે દિલ્હીના એક શાહી માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કાંબળેએ બનાવેલ ‘મુગલ-એ-આઝમ’ ચલચિત્રનું પોસ્ટર રાણી એલિઝાબેથ જોઈ શકે એટલા માટે રાણીની ઇચ્છાને માન આપી લોકોના આશ્ર્ચર્ય વચ્ચે ઉપર્યુક્ત રસાલો થોડીક ક્ષણો માટે થંભાવી દેવામાં આવ્યો હતો. ભારતીય ચલચિત્રોના પોસ્ટરમાં કલાત્મકતા સાથે ભવ્યતા આણવાનું શ્રેય કાંબળેના ફાળે જાય છે; જેને કારણે પોસ્ટર પેઇન્ટિંગને મોભો, પ્રતિષ્ઠા અને દેશવિદેશમાં કીર્તિ પ્રાપ્ત થઈ. સતત પાંચ વર્ષની અથાગ મહેનતને અંતે કાંબળેએ છત્રપતિ શિવાજી મહારાજનું જે તૈલચિત્ર તૈયાર કર્યું હતું તે અસલ ચિત્રને શિવાજીના અધિકૃત ચિત્ર તરીકે શાસકીય સ્તરે રાજમાન્યતા આપવામાં આવી અને તે માટે કાંબળેને રૉયલ્ટી આપવાની દરખાસ્ત થઈ, જે લેવાની તેમણે ના પાડી. છત્રપતિ શાહુ મહારાજનું જે પેઇન્ટિંગ કાંબળેએ બનાવ્યું હતું તેને આધાર બનાવીને ભારત સરકારે ટપાલની એક ટિકિટ પણ બહાર પાડી હતી. તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોકમાન્ય ટિળક, જ્યોતિબા ફુલે, બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ, રવીન્દ્રનાથ ટાગોર, લાલબહાદુર શાસ્ત્રી, અટલબિહારી વાજપેયી, લતા મંગેશકર, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કૅનેડી, રશિયાના નેતા લેનિન જેવા દિગ્ગજોના પોર્ટ્રેટ પેઇન્ટિંગ્સ બનાવવાનું માન કાંબળેને મળ્યું હતું. કોલ્હાપુરમાંના શિવમંદિર ખાતેના કૈલાસગડની સવારી અને દેવ-દેવતાઓનાં ભવ્ય પેઇન્ટિંગ્સ પણ કાંબળેએ ચિત્રિત કર્યાં છે. 1934માં અમેરિકાના કેન્સાસ રાજ્યમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ચિત્રપ્રદર્શનમાં કાંબળેનાં ચિત્રો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.
ફિલ્મ પોસ્ટર પેઇન્ટિંગનો સમયગાળો (life) ખૂબ જ ટૂંકો હોય છે. ચલચિત્ર થિયેટરમાંથી ઊતરે એટલે પોસ્ટર પેઇન્ટિંગ ફડચામાં જાય. આનું ભાન કાંબળેના મનમાં આવ્યું ત્યારથી તેમણે પોસ્ટર પેઇન્ટિંગને બદલે પોર્ટ્રેટ પેઇન્ટિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સમય જતાં તેમણે પોતાની કલાનો ઉપયોગ જાહેર હિતનાં કાર્યોને લગતાં પેઇન્ટિંગ્સ દોરવાનું શરૂ કર્યું. દા. ત., કોયના ભૂકંપ, ભારત-પાકિસ્તાન યુદ્ધો, માનવ કે કુદરત દ્વારા સર્જાયેલ આફતો વગેરેનું અસરકારક ચિત્રણ પોતાનાં પેઇન્ટિંગ્સ દ્વારા તેમણે કર્યું, જે અત્યંત પ્રભાવી સાબિત થયું.
આ કલાયોગીના પેઇન્ટિંગ્સનું જતન થાય તે ઇરાદાથી તથા નવી પેઢી તેમની કલાથી પ્રેરણા પ્રાપ્ત કરે તે હેતુથી મહારાષ્ટ્ર શાસને તેમનાં ચિત્રોની આર્ટ ગૅલરી ઊભી કરવા માટે કોલ્હાપુર શહેરમાં જગ્યા આપી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે