કાંડભંગ (fracture) અસ્થિભંગ : આયુર્વેદની પરિભાષામાં શરીરના કોઈ પણ હાડકાનું તૂટવું તે.
આયુર્વેદમાં ‘સુશ્રુત સંહિતા’ના નિદાનસ્થાનમાં પંદરમા અધ્યાયમાં ‘કાંડભંગ’ વિશે વિસ્તૃત વર્ણન આપેલ છે. મૂળ ગ્રંથમાં ‘ભંગ’ના બે પ્રકારો બતાવેલા છે – (1) સંધિભંગ (મચકોડ) અને (2) કાંડભંગ (અસ્થિભંગ).
ઉપરથી નીચે પડવાથી, ભારે વસ્તુના દબાણમાં આવવાથી, પ્રહાર (માર) થવાથી, હિંસક જાનવરો કરડવાથી કે અકસ્માત જેવાં અન્ય કારણોથી અસ્થિભંગ કે કાંડભંગ થાય છે. આયુર્વેદમાં કાંડભંગના 12 પ્રકારો આ મુજબ બતાવ્યા છે : (1) કર્કટક, (2) અશ્વકર્ણક, (3) ર્ચૂર્ણિત, (4) પિરિચત, (5) અસ્થિચ્છલ્લિત, (6) કાંડભંગ, (7) મજ્જાનુગત, (8) અતિપાતિત, (9) વક્ર, (10) છિન્ન, (11) પાટિત અને (12) સ્ફુટિત.
કાંડ(અસ્થિ)ભંગનાં સામાન્ય લક્ષણો : જે જગ્યાનું હાડકું તૂટ્યું હોય તે સ્થળે ખૂબ પીડા થાય, સોજો થાય, હલનચલન કે વધુ સ્પર્શ સહી ન શકાય, તે સ્થળે દબાવતાં ત્યાં હાડકાંનો અવાજ થાય, અંગ શિથિલ થાય, શરીરમાં તાવ-બેચેની અને અન્ય પીડા થાય તથા કોઈ પણ રીતે કોઈ પણ સ્થિતિમાં સુખ ન અનુભવાય, હરવાફરવા કે કામકાજ કરવામાં તકલીફ થાય કે થઈ જ ન શકે તે કાંડભંગનાં સામાન્ય લક્ષણો છે. અસ્થિભંગના 12 પ્રકારોમાં સાધ્ય અને અસાધ્ય કે કષ્ટસાધ્ય પ્રકારો નીચે મુજબ છે :
1. કષ્ટસાધ્ય : ચૂર્ણિત, છિન્ન, અતિપાતિત અને મજ્જાનુગત. દૂબળા, વૃદ્ધ, ક્ષત-ક્ષીણ, કોઢવાળા, શ્વાસના દર્દી તથા અહિત આહાર (અપથ્ય) કરનાર વ્યક્તિનાં કાંડભંગ કષ્ટસાધ્ય હોય છે. 2. અસાધ્ય : ગોઠણ (ઢીંચણ), નિતંબ, ખભા, ગાલ, તાળવું, લમણાં અને માથાના કાંડભંગ અસાધ્ય ગણેલા છે. તે સ્થાનોનાં અસ્થિ એકબીજાથી છૂટાં પડી ગયાં હોય તો તે પણ અસાધ્ય ગણેલ છે. તે જ રીતે લલાટમાં ચૂર્ણિત પ્રકારનો કાંડભંગ, સ્તનોની મધ્યમાં, પીઠમાં, લમણાં અને મસ્તકમાં થયેલ ગમે તે પ્રકારનો અસ્થિભંગ અસાધ્ય ગણેલ છે. વળી જે કાંડભંગ શરૂઆતથી જ વધુ વિકૃત – બગડેલો હોય તે પણ અસાધ્ય ગણેલો છે. (જોકે આજકાલ આધુનિક શસ્ત્રક્રિયા દ્વારા અસાધ્ય કક્ષાનાં ઘણાં ફ્રેક્ચરની સારવાર શક્ય બની છે).
આ ઉપરાંત થોડું જમનારા (અલ્પાહારી), અપથ્ય આહાર સેવન કરનાર, વાતપ્રકૃતિવાળા, તાવ, પેટનો આફરો તથા અતિ સોજાવાળાના કાંડભંગ અસાધ્ય ગણાય છે. આવા લોકોની ચિકિત્સા ખૂબ સાવધાનીપૂર્વક કરવાની હોય છે.
કાંડભંગની ચિકિત્સા : અસ્થિભંગની સારવાર સામાન્ય રીતે પરિષેક (ગરમ પાણીથી ઝારવું), લેપ (અસ્થિસંધાનકર્તા લેપ કરવો), બંધન (મજબૂત પાટો બાંધવો) અને (જરૂર પડે તો) શીત દ્રવ્યોનો તથા પીડાહર્તા, સોજાનાશક અને અસ્થિસંધાનકર્તા ઔષધો દ્વારા થાય છે.
અસ્થિભંગમાં જે હાડકાં તૂટીને જુદાં પડી ગયાં હોય તેને પરસ્પર ફરી યથાસ્થાને જોડીને બેસાડવામાં આવે છે, પોતાના મૂળ સ્થાનેથી ખસી ગયાં હોય તેને સ્વસ્થાને ગોઠવવાં, જે હાડકાં સાવ નકામાં થઈ ગયાં હોય તેને કાઢી નાખી તે સ્થાને બીજાં યોગ્ય હાડકાં કે કૃત્રિમ અંગ બેસાડવાં, તૂટેલાં મોટાં હાડકાંને ફરી જોડી, લોખંડની પટ્ટીથી જડી દેવાં અને પછી તે સ્થાને અસ્થિસંધાનકર્તા લેપ કરી, તે ઉપર મજબૂત પાટો બાંધી, તે ‘ભંગ’ ફરી જલદી હલીચલી છૂટા ન પડે તેવી રીતે રાખવા તે ‘કાંડભંગ’ની મુખ્ય સારવાર છે.
લેપનચિકિત્સા : તૂટેલાં હાડકાંને ફરી જોડી-બેસાડી દીધા પછી તે સ્થાને હાડકાં ફરી જોડાય તેમજ સોજો ઊતરે અને પીડા દૂર થાય તે માટે કેટલાક લેપ વપરાય છે. આ માટે સ્વતંત્ર ઔષધોમાં મહુડો, ઊમરો, પીપળો, ખાખરો, દારુહળદર, સાજીખાર, મેંદાલકડી, રસવંતી, સાજડ, વાંસ અને રાળના ઝાડ જેવાનો વધુ ઉપયોગ થાય છે.
કેટલાક લેપ-પ્રયોગો : (1) મજીઠ અને જેઠીમધના ચૂર્ણને કાંજીમાં વાટી તેમાં શતધૌત ઘૃત (સો વાર ધોયેલું ઘી) મેળવીને લેપ કરવામાં આવે છે. (2) ચોખાના લોટમાં રક્તચંદનનું ચૂર્ણ મેળવી લેપ કરવાથી રક્તસ્રાવ તથા દાહયુક્ત ભંગમાં લાભ થાય. (3) અસ્થિસંધાનક લેપ અથવા વાતઘ્ન લેપ નામનાં શાસ્ત્રીય ઔષધો (જે આયુર્વેદિક દવાવાળાને ત્યાં તૈયાર મળે છે.) તે કોઈ પણ જાતના અસ્થિભંગ કે મચકોડ ઉપર લાભ કરે છે. (4) હળદર અને મીઠું પાણીમાં ખદખદાવી લેપ કરવો એ પીડા તથા સોજા હરનાર પ્રાથમિક ઉપચાર છે. આ લેપના પ્રયોગથી તૂટેલાં અસ્થિ ઝડપથી ફરી જોડાય છે અને તે સાથે પીડા, દર્દ અને સોજા પણ ક્રમશ: ઘટતાં જઈ મટી જાય છે. આ સાથે લાક્ષાદિગૂગળ, આભાદિગૂગળ કે મહાયોગરાજગૂગળ જેવી ગૂગળપ્રધાન ઔષધિઓ ખાવા આપવી લાભપ્રદ ગણાય છે.
પટ્ટ-બંધન નોંધ : અસ્થિભંગ ઉપર બાંધેલા પાટા બદલવાનો સામાન્ય નિયમ આ મુજબ છે : ઠંડી ઋતુમાં બાંધેલો પાટો 7 દિવસે બદલવો પડે છે, જ્યારે ગરમીની ઋતુમાં આ પાટો 5 દિવસે બદલે છે. ભંગ ઉપર ખૂબ જ ઢીલો કે અતિશય કઠિન પાટો ન બાંધવો જોઈએ. તૂટેલાં હાડકાંને પાટો બાંધતાં પહેલાં તૂટેલા સાંધાની ફરતે વાંસની પાતળી ચીપો કે જરૂરી લંબાઈ-પહોળાઈના કાપેલ પૂંઠાના ટેકા મૂક્યા પછી જ પાટો બાંધવાનો હોય છે.
સિંચન-ચિકિત્સા : પરિષેક (શેક) કે જળસિંચન-ચિકિત્સા પણ કાંડભંગની એક સારવાર છે. પ્રાય: જરૂર મુજબ યોગ્ય ઔષધોના ઉકાળા કે ઠંડા-ગરમ જળનો પરિષેક (સિંચન) માટે ઉપયોગ કરાય છે. દર્દીનું દર્દ, ઋતુ અને પ્રકૃતિ જોઈને યોગ્ય ઔષધોની પરિષેક માટે પસંદગી થાય છે, જેમ કે દર્દી પિત્તપ્રકૃતિવાળો હોય અને ઉનાળાની ઋતુ હોય તો ન્યગ્રોધાદિગણનાં ઔષધોના ઠંડા પડેલા ઉકાળા વડે અસ્થિભંગનો ભાગ સીંચવામાં આવે છે. ભંગની જગ્યાએ અતિ પીડા – શૂળ હોય તો લઘુ પંચમૂળ કે દશમૂળનો ઉકાળો બનાવી સહેવાય તેવો ગરમ રાખી, પીડાની જગ્યાએ સીંચવામાં આવે છે. વાયુ તથા કફદોષની પ્રધાનતા હોય, કફપ્રકૃતિ હોય, ઠંડીની ઋતુ હોય તો સુખોષ્ણ અર્ક તેલ, દશમૂળ તેલ કે મહાનારાયણ તેલથી સિંચન કે તેનું હળવા હાથે માલિશ કરવું પડે છે.
વ્રણ(જખમ)યુક્ત ભંગની સારવાર : ન્યગ્રોધાદિગણનાં ઔષધોના કલ્કમાં ઘી અને મધ મેળવી, તેનો ભંગ પર લેપ કરી પાટો બંધાય છે અથવા જાત્યાદિ તેલ કે જાત્યાદિ મલમ વાપરવામાં આવે છે.
કાંડભંગ(બે કટકા થયેલ)ની ચિકિત્સા : જે અસ્થિ નમી ગયાં હોય તેને યોગ્ય સ્થળે લાવવા ઊંચાં કરવાં. ઊંચું થઈ ગયેલ અસ્થિ નીચું લાવી, પરસ્પર યથાસાંધે જોડી-દબાવીને બેસાડવું પડે છે. તે પછી તેના પર અસ્થિ-સંધાનકર તેલ કે ઘીનો પાટો વિધિ મુજબ બાંધી, તેની ઉપર મહુડાની છાલની પટ્ટીઓ કે વાંસની ચીપો મૂકી, મજબૂત પાટો બંધાય છે. (કાંડભંગમાં અનુભવી હાડવૈદ્ય કે ઑર્થોપીડિક સર્જનની સલાહ-સારવાર લેવી વધુ હિતાવહ ગણાય છે.)
શિરોભંગ (મસ્તકનું ફ્રૅક્ચર) : જો મગજમાંથી કશો સ્રાવ થતો હોય અને દર્દી બેભાન હોય તો તેને તત્કાલ પ્રાણરક્ષક સારવાર આપવી પડે છે ને રુગ્ણાલયમાં દાખલ કરવો પડે છે. જો ઈજાથી મગજમાંથી કશો સ્રાવ ન થતો હોય તો મધ તથા ઘી મિશ્ર કરી, તેનો ઈજાના સ્થળે પાટો બાંધે છે. એ રીતે 7 દિન કે વધુ દિન સુધી કરે છે. આ વિષયમાં આયુર્વેદિક ચિકિત્સકનાં કેટલાંક સૂચનો નીચે મુજબ છે : (1) જો સંધાઈ ગયેલ ફ્રેક્ચર બરાબર સરખું બંધ બેઠું ન હોય (ઊંચુંનીચું હોય) તો તે ફરી તોડીને, ફરી જોડવું જોઈએ. (2) નાભિથી ઉપરના પ્રદેશમાં ભંગ થયો હોય તો તે સ્થળે ઘી કે તેલયુક્ત પોતાં કે પૂમડાં મૂકી, માથાને સ્નિગ્ધ રાખ્યા કરવું. બંને કાનમાં પણ તેલ પાડવું. દર્દીને ઘી પાવું અને તેલ કે ઘીનું નસ્ય પણ દેવું. (3) હાથ-પગ જેવાં અંગોના કાંડભંગમાં માથાને સ્નિગ્ધ રાખ્યા કરવું. તેમાં પણ કાનમાં તેલ પૂરવું. દર્દીને ઘી પાવું, નસ્ય દેવું અને તેલની બસ્તિ દેવી. (4) ઉત્તમ તેલ : કાકડી, બહેડાં, ચારોળી અને કાકોલ્યાદિ ગણનાં ઔષધોથી તેલ સિદ્ધ કરી, તેમાં પ્રાણિજ ચરબી મિશ્ર કરી, તે તેલ કાંડભંગ પર લગાડવામાં, પીવામાં, નસ્યમાં, બસ્તિમાં તથા સિંચન કરવામાં ઉત્તમ લાભપ્રદ છે. તેનાથી ફ્રૅક્ચર જલદી સંધાય છે. તે ઉપરાંત ગંધ તેલ કે પંચગુણ તેલનો પણ પ્રયોગ કરી શકાય છે. (5) કાંડભંગમાં પાક વધે નહિ, સોજા વધે નહિ તેનો ખાસ ખ્યાલ રાખવો. (6) જે અંગનાં હાડકાં તૂટ્યાં હોય અને ફરી જોડીને પાટો બાંધ્યો હોય તે અંગ એકસરખી સ્થિતિમાં રહે, તેને શ્રમ ન પડે કે હલનચલન ન થાય તે રીતે આરામ મળે તે ખાસ જોવું. આ માટે કાંડભંગના પ્રકાર મુજબ 1 માસથી 6 માસ સુધી સારવારની જરૂર પડે છે.
ભંગ સંધાયાનાં લક્ષણો : અસ્થિભંગની સારવાર લીધા પછી જ્યારે પીડિત અંગ લાંબાં-ટૂંકાં કરતાં જરા પણ દુખાવો ન થાય, અવયવ લાંબોટૂંકો ન જણાય, તે પર સોજો જરાય ન જણાય, ઊઠતાં-બેસતાં કે ચાલતાં-ફરતાં કશી તકલીફ ન જણાય તો તેવું ફ્રૅક્ચર બરાબર સંધાઈ ગયેલું ગણાય છે.
પરેજી : કાંડભંગ થયેલાને માંસરસ, ચોખા, દૂધ, ઘી, વટાણાનું ઓસામણ, શરીર પુષ્ટ કરનારાં અન્નપાન, ઘી, તેલ, લસણ, લાખ વગેરે ખાસ આપવાં હિતકર ગણાય છે.
બળદેવપ્રસાદ પનારા