કાંકરોલી : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું મહત્વનું યાત્રાધામ. તે 25o 03′ ઉ. અ. અને 73o 58′ પૂ. રે. પર આવેલું છે. ભારતના રાજસ્થાન રાજ્યમાં રાજસમંદ જિલ્લામાં ઉદેપુરથી એકલિંગજીને રસ્તે ઉત્તરમાં આગળ વધતાં નાથદ્વારા અને ત્યાંથી આગળ ચારભુજાજીને રસ્તે 17 કિમી.ના અંતરે રાણા રાયસિંહજીએ બંધાવેલા રાજસમંદ સરોવરના દક્ષિણ તટ ઉપર આવેલું વૈષ્ણવ તીર્થ. રેલવેમાર્ગે ઉત્તરમાં મારવાડ જંકશન દ્વારા અજમેર, જયપુર અને દિલ્હી સાથે જોડાયેલ છે. અહીં શ્રીવલ્લભાચાર્યજીના પુત્ર શ્રીવિઠ્ઠલનાથ ગુસાંઈજીના તૃતીય લાલ શ્રી બાલકૃષ્ણ લાલજીથી ચોથા તિલકાયત શ્રી વ્રજભૂષણજી-(પહેલા) (1644થી 1702)ના સમયમાં ત્રીજા ઘરના ઠાકોરજી શ્રી દ્વારકાનાથજીને મેવાડમાં પધરાવવાના ઉદ્દેશે કાંકરોલી નજીકના આસોટિયા ગામમાં (1665) મંદિર બંધાવવામાં આવ્યું પણ અનુકૂળતા નહિ મળતાં મંદિર ખાલી રહ્યું. પછી 1671માં ઠાકોરજીને નજીકના સાદડી ગામમાં થોડા માસ માટે પધરાવ્યા પછી ભાદરવા સુદ 7ને દિવસે આસોટિયામાં પધરાવ્યા. આ પછી શ્રી ગિરિધરજી-(બીજા)(1689થી 1747)ના સમયમાં મહારાણા સાથે જમીનનો પટ્ટો પૂરો થઈ જતાં મંદિર અને અન્ય વસાહતો તૈયાર થતાં ‘ગિરિધરગઢ’ નામ આપી સં. 1776(સન 1720)ના ચૈત્ર વદિ નવમીને દિવસે નવા મંદિરમાં ઠાકોરજીને પધરાવવામાં આવતાં ઉત્તરોત્તર કાંકરોલીનો વિકાસ થતો ચાલ્યો. દરમિયાન મંદિરમાં પણ વધારો થતો ગયો.
નાથદ્વારા જતા યાત્રીઓ કાંકરોલીની યાત્રા અવશ્ય કરતા હોય છે. થોડા સમય ઉપર એક નાના નગરના રૂપમાં હતું તે કાંકરોલી વર્તમાન સમયમાં નીચેના દક્ષિણ અને પશ્ચિમ ભાગે સુવિકસિત નગર બન્યું છે.
કે. કા. શાસ્ત્રી
વસંત ચંદુલાલ શેઠ